પોલીસે હાઇકોર્ટમાં દલીલ કરી કે, લોકોને કમરના નીચેના ભાગે મારવું અત્યાચાર નથી

PC: jansatta.com

કમરના નીચેના ભાગે લોકોને લાકડી વડે મારવાને કસ્ટોડિયલ ક્રૂરતા ન ગણવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટમાં તિરસ્કારના આરોપનો સામનો કરી રહેલા ચાર પોલીસકર્મીઓએ આ દલીલ કરી છે. ખેડા જિલ્લામાં મુસ્લિમ યુવકોને માર મારવાના કેસમાં બુધવારે સુનાવણી દરમિયાન પોલીસકર્મીઓ તરફથી આ દલીલ કરવામાં આવી હતી.

પોલીસકર્મીઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રકાશ જાનીએ જસ્ટિસ AS સુપેહિયા અને ગીતા ગોપી સમક્ષ કહ્યું કે, પોલીસકર્મીઓએ 10-15 વર્ષથી સેવા આપી છે. તેમને દોષિત ઠેરવવાની અને તેમને સજા આપવાથી તેમના રેકોર્ડ પર વિપરીત અસર પડશે. A.V. પરમાર (ઇન્સ્પેક્ટર), D.B. કુમાવત (સબ-ઇન્સ્પેક્ટર), K.L. ડાભી (હેડ કોન્સ્ટેબલ) અને રાજુ ડાભી (કોન્સ્ટેબલ) સહિતના આરોપીઓએ પીડિતોને વળતર ચૂકવવાની શરતે તેમને મુક્ત કરવા અંગે વિચાર કરવા કોર્ટને અપીલ કરી હતી.

A.V. પરમારે 11 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, પીડિતોને કમરના નીચેના ભાગે લાકડીથી મારવું, જો કે એ અસ્વીકાર્ય હોવા છતાં, કસ્ટોડિયલ ટોર્ચર સમાન નથી અને તેથી તે તિરસ્કારનો કેસ બનતો નથી. પરમારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, 'અરજદારના કમરના નીચેના ભાગે 3થી 6 વાર લાકડી વડે મારવું..., જો કે એ અયોગ્ય અને સ્વીકાર્ય ન હોવા છતાં, કસ્ટોડિયલ ટોર્ચર નથી.' અન્ય ત્રણ પોલીસકર્મીઓએ પણ આવી જ દલીલો કરી હતી. બધાએ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી હતી.

4 ઓક્ટોબર, 2022ના રોજ આરોપી પોલીસકર્મીઓએ ત્રણ મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે માર માર્યો હતો. ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અધિકારીઓએ જાહેરમાં ત્રણ મુસ્લિમ લોકોને થાંભલા સાથે બાંધી દીધા અને લાકડીઓ વડે માર માર્યો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, છેલ્લી સુનાવણીમાં, કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, શું કોઈ કાયદો પોલીસકર્મીઓને કોઈપણ આરોપીને થાંભલા સાથે બાંધીને મારવાની મંજૂરી આપે છે. ગયા અઠવાડિયે, કોર્ટે આ પોલીસકર્મીઓ સામે તિરસ્કારના કેસમાં આરોપો ઘડ્યા હતા. તેમની સામે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટે હવે પીડિતો પાસેથી પ્રતિક્રિયા માંગી છે અને આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp