વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કહ્યું- પાટીદારોએ હંમેશાં પટેલ મુખ્યમંત્રીને હટાવ્યા

PC: twitter.com/rp1258

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઇ છે. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે પાટીદારોની નારાજગીને દૂર કરવા માટે ભાજપે પાટીદાર સમાજના CM પસંદ કર્યા હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

આર.પી. પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના CM નથી બનાવતો. CM ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે. પણ પાટીદારની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે તે આનંદની વાત છે. સાથે જ તેમને એમ પણ જણાવ્યું હતું કે, પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યાનો ઈતિહાસ છે. ત્યારે સમાજને વિનંતી છે કે, આ વખતે પાટીદાર મુખ્યમંત્રી સાથે રહીને સમાજ હિતના કામો કરીએ.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, મારી વિનંતી છે કે, વખતે પાટીદાર સમાજ CMની સાથે રહીને જ સમાજના હિતના કામ કરે.

વિજય રૂપાણીએ રાજીનામું આપી દેતા અટકળો ચાલતી હતી કે, નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ ધારસભ્યની બેઠક મળે તે પહેલા સાયન્સ સીટીમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માગ સાથે કેટલાક લોકો રસ્તા પર બેનર લઇને ઉતર્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. પણ ધારાસભ્યોની બેઠક બાદ કોઈએ વિચાર્યું નહોતું તેવું નામ એટલે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017માં પહેલી વખત ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યા અને તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. તેઓ આનંદીબેન પટેલના નજીકના અને વિશ્વાસુ કહેવાય છે.

ઊંઝા ઉમિયાધામના કારોબારી સભ્ય વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર મુખ્યમંત્રીથી આનંદ થયો છે. તમામ સમાજને સાથે લઇને પાટીદારો ચાલે છે. પહેલી વખત કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે. પાટીદાર સમાજ અન્યાય સહન કરી શકતો નથી. એટલા માટે અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આજે સમાજમાં બેરોજગારી વધી છે એટલા માટે જ આંદોલન થયું હતું. પાટીદાર પાટીદારોની ખુરશી હલાવે તેવું નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા તે સમયે જ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઇ હતી. પાટીદાર આંદોલનના કારણે મુખ્યમંત્રી તરીકેથી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પણ હવે વિજય રૂપાણીએ રાજીનામુ આપતા પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp