સમાજની એ જ સમસ્યા છે કે કોઇ સમસ્યા મારા સિવાય અન્ય કોઈથી ઉકલવી ન જોઈએ

PC: twitter.com

મોરારી બાપુએ એક કથામાં કહ્યું કે ગઈકાલે બંને ભાઈઓને સુંદરસદનમાં ઉતારા આપેલા. રામ લક્ષ્મણ નગર દર્શન માટે નીકળે છે. ગઈકાલના સમૂહ લગ્ન અને આ બધા જ પ્રસંગો વિશે પોતાની ખુશી-રાજીપો વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે સમાજમાં મોં સૂઝણું થઈ રહ્યું છે એનો આનંદ છે. લક્ષ્મણજી કહે આ લોકો પાસે નથી આવી શકતા આપણે એની પાસે જવું જોઈએ. રામ કહે હું સાથે જાઉં, લક્ષ્મણ ભૂલા પડી જાશે, રામની સાથે એટલે ગુરુની સાથે, બુદ્ધપુરુષ, ભજનપુરુષની આંખે દર્શન કરીએ તો સંસારમાં ભુલા ના પડીએ.

બધાના નેત્રોને પાવન કરવા રામ લક્ષ્મણ નગર દર્શન માટે નીકળે છે. બીજે દિવસે રામ લક્ષ્મણ ગુરુપૂજા માટે પુષ્પ લેવા માટે જાય છે એ જ વખતે સીતાજી જનકની પુષ્પવાટીકામાં સવારના ગૌરીપૂજન માટે પોતાની આઠ સખીઓ સાથે જાય છે. રામ ને સીતા એકબીજાને જુએ છે. યુવાનો ગુરૂપૂજા અને યુવતી ગૌરીપૂજા કરે તો પુષ્પવાટીકામાં જવું સાર્થક છે. માંનું પૂજન કરે છે એ વખતે સીતાજી સ્તુતિનું ગાન કરે છે એ સ્તુતિ કુંવારિકાઓ ગાય તો મનવાંછિત ફળ મળે. સીતાજીએ-ધરતીની દીકરીએ સહન કરવાનું કઈ રીતે હોય તે સ્તુતિ સાથે શીખવ્યું છે:

જય જય ગિરિવર રાજકિશોરી;

જય મહેશ મુખ ચંદ્ર ચકોરી.

જય ગજબદન ષડાનન માતા;

જગતજનની દામીની દુતિ ગાતા.

નહીં તવ આદિ મધ્ય અવસાના;

અમિત પ્રભાઉ બેદ નહીં જાના.

સીતાજીના વિનય અને પ્રેમથી ગવાયેલી સ્તુતિ દ્વારા પાર્વતીની મૂર્તિ હસી, મૂર્તિ ડોલી, કંઠમાંથી માળા પડી અને મૂર્તિ બોલી. જાનકીજી સ્તુતિ કરે તો મૂર્તિ બોલે જ, તે ભાષા કદાચ જુદી હોય. બાપુએ કહ્યું કે ત્રણ કલાક તમારા કાન મને આપો. હું સાધુ છું એટલે કાન પકડીશ નહીં પણ એમાં ચોપાઈ રેડીશ જેથી ઈર્ષા અને ટીકાનું પરુ કચરો સાફ થઈ જાય. રામ રસિક છે થોડાક રસીક હોવું જોઈએ. ત્રણ પ્રકારના રસ છે. આમ તો સાહિત્યમાં નવરસ, ભોજનના છ રસ પણ મુખ્ય ત્રણ રસ:એક કામરસ-સંયમ અને મર્યાદાથી ખાનદાની લાજે નહીં એમ આ રસ ભોગવો, તેનો અનાદર ના કરો એ સ્થૂળ શરીરવાદી છે.

પછી નામરસ એ ચૈતસિક છે અને ત્રીજો રામરસ એ આત્મા સુધી જાય છે. બાગમાં સીતાજીને જોઈ અને રામ સંધ્યા કરતી વખતે ચંદ્રનો ઉદય જોઈ સીતાજીના રૂપની સરાહના કરે છે. આ કવિતા સાહિત્યનો અદભુત પ્રસંગ છે. રામરસ પીવો હોય તો શરૂઆત રસિકતાથી થાય. એ પછી ધનુષ્યયજ્ઞમાં રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે આવ્યા. રંગભૂમિ પર સુંદર વ્યવસ્થા થઈ છે. આ સત્યનારાયણ, પ્રેમનારાયણ અને કરુણાનારાયણની કથા છે એટલે આટલી શાંતિ છે. બધા જ મંચ વચ્ચે સૌથી ઊંચા મંચ પર વિશ્વામિત્ર તથા રામલક્ષ્મણને વ્યવસ્થા માટે બેસાડે છે. બધાની નજર મંચ પર બેઠેલા રામ પર લાગી છે. બંદીજનોએ જનકની પ્રતિજ્ઞા જાહેર કરી. સમાજની એ જ સમસ્યા છે કે સમસ્યા મારા સિવાય અન્ય કોઈથી ઉકલવી ન જોઈએ! જ્યાં સુધી અહંકારનું ધનુષ્ય નહીં તૂટે ત્યાં સુધી ભક્તિરૂપી સિતા, શાંતિરૂપી સિતા અને શક્તિરૂપી સિતા નહીં મળે. અનેક પ્રયત્ન છતાં ધનુષ્ય ન તુટ્યું, જનકનો ક્રોધ અને લક્ષ્મણનો રોષ દેખાયો. રામે કેટકેટલાનો ત્યાગ કર્યો છે:પદનો ત્યાગ, પાદુકાનો ત્યાગ, સીતાનો ત્યાગ, ગીતાએ નારીના સાત લક્ષણો એશ્વર્ય, કીર્તિ, વાક્, વાણી, મેધા, ધૃતિ- એનો ત્યાગ, લક્ષ્મણનો ત્યાગ, પોતાની જાતનો પણ ત્યાગ કર્યો છે. ધનુષ્યભંગ પછી સંવાદી કથા ધનુષ્ય મધ્ય ભાગમાંથી ટૂટે છે રામસીતાના વિવાહ થાય છે.

જનકની અન્ય પુત્રીઓ સાથે લક્ષ્મણ ભરત શત્રુઘ્નના વિવાહનો પ્રસંગ કહી કન્યાવિદાય બાદ વિશ્વામિત્રની અયોધ્યા વિદાય, બાલકાંડનું સમાપન કરી આજની કથાને વિરામ અપાયો આવતીકાલે આ રામકથાની પૂર્ણાહુતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp