રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કહ્યુ-સરકાર 2-3 દિવસનું લોકડાઉન કરે અને નાઇટ કર્ફ્યૂ...

PC: Youtube.com

કોરોનાનું સંક્રમણ વધતાં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રાજકોટમાં સળંગ બેથી ત્રણ દિવસના લોકડાઉનની માગણી કરવામાં આવી છે. 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, મુખ્યમંત્રીને અમે રજૂઆત એટલી કરી છે કે, તમે રાત્રી કર્ફ્યૂનો સમય સાંજે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખ્યો છે તેને રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખો. તમે બે કે ત્રણ દિવસનું લોકડાઉન ફરજિયાત રાખો પછી એ ભલે તમે શનિ-રવિમાં રાખો કે પછી અન્ય કોઇ સમયે રાખો, આની પહેલા પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવાર અને રવિવારના લોકડાઉનની રજૂઆત કરવામાં આવી છે.

એક સાથે 72 કલાક લોકડાઉનની સાઇકલ જળવાઈ તો જ કોરોનાની ચેઇન તૂટી શકે. બાકી 10 કલાકની અંદર એવું કોઈ પણ સાયન્ટિફિક રિઝન નથી કે કોરોનાની સાઇકલ પર બ્રેક આવી શકે. અમારું માનવું છે કે આ પરિસ્થિતિમાં બચવા માટે લોકડાઉન કમ્પલસરી હોવું જોઈએ. લોકડાઉન ખૂબ જ જરૂરી છે અને 2થી 5 દિવસનું લોકડાઉન ગુજરાત સરકાર પોતાના યોગ્ય નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કરે એવી અમારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રાજકોટની સામાન્ય જનતાની વતી માગણી છે.

આવનારા દિવસોમાં આપણે હશું તો જ ધંધો હશે. ધંધાકીય રીતે પણ ઘણી મુશ્કેલી પડી રહી છે પરંતુ મને 100 ટકા વિશ્વાસ છે કે રાજકોટની પ્રજા રાજકોટના વેપારીઓ અને રાજકોટના ઉદ્યોગકારો આફતને અવસરમાં બદલવાની તાકાત ધરાવે છે. સૌ સાથે ખભે ખભા મિલાવીને આ કોરોનાનો સામનો કરીશું તો જ આપણે આવનારા દિવસોમાં આપણે હશું. અત્યારનો આંકડો એવો છે કે ભયંકર રીતે મૃત્યુ આંક ચાલી રહ્યો છે એટલે મારે દુખ સાથે કહેવું પડે છે કે, 5 દિવસ ની અંદર આ આંકડો ડબલ ફિગરમાં પણ હોઈ શકે છે એટલે સૌ લોકોએ તકેદારી રાખીને કોઈ પણ પાર્ટી કે કોઈ પક્ષ વગર આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે કામગીરી કરીશું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી રાજકોટની આમ જનતાને એવી વિનંતી કે, હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ છે તે અતિ ભયંકર અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. છેલ્લા એક વીકથી કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે અને ખાનગી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં નજર કરીએ ત્યારે એવું લાગે છે કે આખા રાજકોટમાં કોઈ વ્યક્તિ સાજુ નથી બધા લોકો બીમાર છે. પરંતુ હજુ પણ ચિંતાની વાત એ છે કે રાજકોટની અંદર હજુ પણ ઘણા લોકો કોરોના નથી એવું વિચારીને માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર નીકળે છે.

તમામ વેપારીઓને પ્રજાજનને મારી એક જ અપીલ છે કે, તમામ લોકો સામાજિક અંતરનું પાલન કરો, માસ્ક પહેરો અને કોરોના વેક્સિન લેવાનું ચૂકશો નહીં. અમે વારંવાર બે વખત રજૂઆત કરી છે કે અને ગઇ કાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે કે, તમે 20 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેક્સીન આપવાનું શરૂ કરો. સંયુક્ત પરિવારમાં રહેતા લોકોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવું હશે તો 20 વર્ષથી ઉપરના વ્યક્તિને વેક્સીન આપવાનું કામ કરવું પડશે.

જો લોકો સાથ અને સહકાર નહીં આપે તો રાજકોટ આવનારા પંદર દિવસોના સમયમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતું રહેશે તેમાં કોઈ શંકા નથી. મારે રાજકોટના તમામ લોકોને અપીલ કરવી છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે ધંધાને રોઈશું પરંતુ આપણે જીવતા હશું તો કંઈ કરી શકીશું. દિવસેને દિવસે મૃત્યુઆંક વધતો જાય છે. કોરોનાથી અસરગ્રસ્ત લોકોનો આંકડો એટલો બધો મોટો થતો જાય છે કે, આવનારા દિવસોમાં આપણે સહન નહીં કરી શકીએ.

આજે સવારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે કે રાજ્યમાં બે દિવસ કે ત્રણ દિવસનું સળંગ લોકડાઉન જરૂરી છે. રાત્રી કર્ફ્યૂમાં 10થી 6નો સમય કરો અને જે લોકોના ધંધા ભાંગી ગયા છે તેમને તમે પાર્સલ સુવિધા શરૂ કરવા માટેનો મોકો આપો અને એ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp