પાલનપુરમાં નવા બનતા બ્રિજનો સ્લેબ તૂટતા રિક્ષાચાલકનું મોત, CCTV આવ્યા સામે

PC: twitter.com

ગુજરાતમાં ફરીએકવાર બ્રિજના સ્લેબ પડવાની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સર્કલ પાસે બની રહેલા નવા બ્રિજનો સ્લેબ આજે ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેમાં એક રિક્ષાચાલકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પાલનપુર સર્કલ પાસે બની રહેલા નવા બ્રિજનો એક ભાગ પડતા નીચે ઉભેલા ટ્રેક્ટર અને રિક્ષા ચપેટમાં આવી ગઈ હતી, આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

CCTVમા દેખાય છે કે, જ્યારે બ્રિજ પડવાનો હોય છે, ત્યારે રિક્ષાચાલક રિક્ષા છોડીને દોડીને ભાગે છે, પરંતુ એ સુરક્ષિત સ્થળે પહોંચે એ પહેલા બ્રિજનો સ્લેબ તેને ભરખી જાય છે અને તેનું નિધન થઈ જાય છે. બ્રિજનો સ્લેબ પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને કાટમાળમાંથી રિક્ષાચાલકનો મૃતદેહ કાઢ્યો હતો.

આ ઘટના પાલનપુર RTOના સર્કલ પાસે બની હતી. બ્રિજની નીચે એક રિક્ષા ઉભી હતી. તેમાંથી વ્યક્તિ બચવા માટે ભાગ્યો પણ તે પણ જ તે બ્રિજ નીચે દબાઈ ગયો હતો. હજુ એક વ્યક્તિ પણ બ્રિજ નીચે દબાયો હોય તેવો રિપોર્ટ સામે આવી રહ્યો છે. બ્રિજનો સ્લેબ પડતા જિલ્લાના પોલીસવડા અક્ષયરાજ મકવાણા ઘટનાના સ્થળે પહોંચી ગયા હતા, તેમણે કહ્યું હતું કે, બ્રિજનો સ્લેબ પડ્યો છે, તેની આજુબાજુની જગ્યાને કોર્ડન કરી લેવામાં આવી છે. કાટમાળ ખસેડવાનું શરૂ છે. જો કે આ ઘટનામાં કોઈ કાર્યવાહી થશે કે નહીં એ તો સમય જ કહેશે. તપાસના આદેશ તો સોંપી દેવામાં આવશે, પરંતુ આ ઘટના માટે જવાબદાર પર એક્શન ક્યારે લેવાશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp