ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવારો, પણ કોંગ્રેસનો એક પણ નથી, કારણ પણ જણાવ્યું

PC: twitter.com

ગુજરાતમાં કુલ 35 મુસ્લિમ ઉમેદવારો લોકસભાની ચૂંટણીમા મેદાનમાં ઉતર્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. કોંગ્રેસે આ વિશે કારણ જણાવ્યું છે.

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. કેટલાક જાતિના નામે તો કેટલાક ધર્મના નામે મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જો કે રસપ્રદ વાત એ છે કે આ વખતે કોંગ્રેસે પોતાની પરંપરા તોડી આ સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી.

આ સમગ્ર મામલે કોંગ્રેસે દલીલ કરતા કહ્યું છે કે, ભરૂચ લોકસભા સીટ, જ્યાંથી તે દર વખતે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારતી હતી, તે આ વખતે વિપક્ષી ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીના કરારને કારણે આમ આદમી પાર્ટી (AAP)ને આપવામાં આવી છે. રાષ્ટ્રીય પક્ષો પૈકી, માત્ર બહુજન સમાજ પાર્ટી (BSP) એ રાજ્યમાં 7 મેના રોજ યોજાનારી ચૂંટણીમાં ગાંધીનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. BSPએ 2019ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલમાંથી મુસ્લિમ ઉમેદવારને પણ મેદાનમાં ઉતાર્યા હતા.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, આ વખતે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 2019માં આ સમુદાયના 43 ઉમેદવારો મેદાનમાં હતા. સમુદાયના મોટાભાગના ઉમેદવારો કાં તો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અથવા ઓછા જાણીતા પક્ષો દ્વારા તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના લઘુમતી વિભાગના પ્રમુખ વજીરખાન પઠાણે જણાવ્યું હતું કે, પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયમાંથી ઓછામાં ઓછો એક ઉમેદવાર ઊભો રાખતી હતી, પરંતુ આ વખતે તે શક્ય નહોતું કારણ કે આ સીટ AAPના ખાતામાં ગઇ છે.

પઠાણે કહ્યુ કે, કોંગ્રેસે એક સીટ પરથી મુસ્લિમ ઉમેદવારને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીતની સંભાવના ઓછી દેખાવાને કારણે સમુદાયે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.

પઠાણે કહ્યું કે મુસ્લિમ ઉમેદવારને અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ અવકાશ નથી. અમદાવાદ પશ્ચિમ અને કચ્છમાં મુસ્લિમ વસ્તી ધરાવતી બે બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.

ભરૂચ ઉપરાંત કોંગ્રેસે ભૂતકાળમાં નવસારી અને અમદાવાદ (જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં વિભાજિત નહોતું) મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp