ગુજરાત કોંગ્રેસના આ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી

PC: hindustantimes.com

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદીની જાહેરાત કરી દીધી છે અને હવે બીજી યાદી જાહેર કરવાની પણ તૈયારી છે. પરંતુ કોંગ્રેસે તો હજુ પહેલી યાદીમાં 39 ઉમેદવારો જ જાહેર કર્યા છે.ગુજરાતમાં કોંગ્રેસના કેટલાંક દિગ્ગજ નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ચોખ્ખા ના પાડી દીધી છે.

ગુજરાતના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને જગદીઠ ઠાકોરે કહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી.કોંગ્રેસનો માહોલ જોતા એવું લાગે છે કે તેમણે ગુજરાતમાં માનસિક રીતે હાર સ્વીકારી લીધી છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને બધી બેઠકો ભાજપ છેલ્લી લોકસભાથી જીતી રહી છે. ત્રીજી વખત બધીયે 26 બેઠકો જીતવા માટે ભાજપે ક્યારની તૈયારી કરી લીધી છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, મારી પાસે જમ્મ્-કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી છે અને ગુજરાતમાં અસરકાર રીતે પ્રચાર કરી શકાય તેના માટે આ વખતે લોકસભાની ચૂંટણી હું લડવા માંગતો નથી. કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. ભરતસિંહે કહ્યું કે, આમ છતા પાર્ટી હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તેને હું માથા પર ચઢાવીશ.

ભરતસિંહ સોલંકીને આણંદ બેઠક પરથી કોંગ્રેસ ટિકિટ આપશે તેવી ચર્ચા ચાલતી હતી. ભરતસિંહ સોલંકી વર્ષ 2004 અને 2009માં લોકસભા જીત્યા હતા અને UPA સરકારમાં મંત્રી પણ બન્યા હતા. જો કે એ પછી વર્ષ 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીમાં ભરતસિંહની હાર થઇ હતી.

તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીઠ ઠાકોરે પણ લોકસભા લડવાની ના પાડી છે. ઠાકોરે કહ્યુ છે કે, કોંગ્રેસે મને બે વખત ધારાસભ્ય અને 3 વખત લોકસભા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા સુધીની તક આપી છે. પરંતુ આ વખતે મારે ચૂંટણી લડવી નથી. ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમા નવું નેતૃત્વ કેવી રીતે આવે તેની પર કામ કરીશ. મારી નાદુરસ્ત તબિયત પણ એક કારણ છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના 2 મહિનામાં ગુજરાતના 10 મોટા કોંગ્રેસ નેતાઓએ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એ કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસે આ વખતે 24 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. 2 બેઠકો આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં લડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp