જામનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસંમેલનમાં હજારો લોકો જોડાયા,ભાજપ વિરુદ્ધ નારા
ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન શુક્રવારે જામનગરમાં યોજાઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો મહાસંમેલનમાં ઉમટી પડ્યા છે.કાળઝાળ ગરમી હોવા છતા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાને કારણે ભાજપનું ટેન્શન વધી ગયું છે. આ મહાસંમેલનમાં સમાજના નેતાઓ હાજર રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.
ભાજપના લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન આપ્યું હતું, જેને કારણે ક્ષત્રિય સમાજમાં ગુસ્સો ફાટી નિકળ્યો હતો અને સમાજના લોકોએ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવાની માંગ કરી હતી, પરંતુ ભાજપે પરષોત્તમ રૂપાલાને હટાવ્યા નહીં અને તેમનું લોકસભાનું ફોર્મ પણ ભરાઇ ગયું છે. એ પહેલાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં એક મહાસંમેલનનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
રૂપાલાને નહીં હટાવવાને કારણે ક્ષત્રિય સમાજના લોકોએ આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી છે અને આ આંદોલનમાં હવે રૂપાલાને બદલે ભાજપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ધર્મ રથ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ફેરવ્યો હતો જે તાજેતરમાં ખોડલધામ ખાતે સમાપન કરવામાં આવ્યો હતો. હવે શુક્રવારે જામનગરમાં અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ કહ્યું હતું કે, આજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવશે. નયનાબાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી જામનગરના જામ સાહેબને મળ્યા તેનાથી ક્ષત્રિય આંદોલનને કોઇ ફરક પડવાનો નથી.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના રમજુભા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અસ્મિતા મહાસંમેલનમા જય ભવાની, ભાજપ જવાની નારા લગાવવામાં આવી રહ્યા છે. જાડેજાએ કહ્યું કે, ગુરુવારે જામ સાહેબની મુલાકાતના કાર્યક્રમ રાજકીય હતો, પરંતુ અમારી તો સામાજિક લડાઇ છે. મત એજ શસ્ત્રથી ભાજપને જવાબ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp