હીરાઉદ્યોગમાં વેકેશન શરૂ, સવાલ એ છે કે દિવાળી પછી કારખાના ક્યારે ખૂલશે?

PC: news18.com

ગુજરતના હીરાઉદ્યોગમાં આ વખતે ભારે મંદીનો માહોલ છે એવા સમયે કારખાનાઓ ફેકટરીઓમાં વેકેશન તો પડી ગયા છે, પરંતુ મોટો સવાલ એ છે કે દિવાળી વેકેશન પછી કારખાનાઓ ખુલશે કે નહીં? સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં દિવાળીના સમયે 21 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી છે કે 21 દિવસ પછી પણ કારખાના ખુલે એવું લાગતું નથી.

ગુજરાતમાં સૌથી વધારે રત્નકલાકારો સુરતમાં છે અને એ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર, સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં પણ હીરાના કારખાનાઓમાં રત્નકલાકારો કામ કરે છે. હીરાઉદ્યોગમાં વર્ષમાં બે વખત વેકેશન રાખવામાં આવે છે. એક ઉનાળાનું વેકેશન જે ટુંકુ હોય છે, પરંતુ દિવાળીમાં 21 દિવસનું વેકેશન રાખવામાં આવે છે, કારણકે સુરતમાં મોટોભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા છે અને દિવાળીના વેકેશનમાં માદરે વતન જતા હોય છે.

જો કે હીરાઉદ્યોગમાં છેલ્લાં લાંબા સમયથી મંદીનો માહોલ છે GJEPC અને અન્ય ડાયમંડ એસોસિયેશને સંયુક્ત રીતે દિવાળ પહેલા જાહેરાત કરી હતી કે ડાયમંડ મેન્યુફેકચર્સ સ્વયંભુ 1 મહિના માટે હીરાનં પ્રોડક્શન બંધ રાખે. અમેરિકાએ રશિયાના અલરોઝા ડાયમંડ પર મુકેલા પ્રતિબંધની પણ હીરાઉદ્યોગ પર અસર છે.

ન્યૂઝ 18ના એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર અને અમરેલીમાં યુવાનો રત્નકલાકાર તરીકે રોજગારી મેળવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ કરવા છતા યુવાનોને નોકરી નહીં મળવાને કારણે હીરા ઘસવાના કામમાં જોડાઇ રહ્યા છે.

સાવરકંડુલામાં 37 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા જયસુખભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વખતે હીરાઉદ્યોગમાં કપરી પરિસ્થિતિ છે. કારખાનાઓમાં વેકેશન પડી ગયા છે, પરંતુ કારખાના ફરી ક્યારે શરૂ કરાશે તે એક મોટો સવાલ છે. હીરાઉદ્યોગ પર લાખો રત્નકલાકારો નભે છે અને કારખાના સમયસર શરૂ નહીં થાય તો મોટી સંખ્યામાં રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાશે.

દિવાળી પહેલા જ અનેક રત્નકલાકારોને એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે, કામ નહીં મળવાને કારણે આવક બંધ થઇ ગઇ છે અને બાળકોની શાળાની ફી કેવી રીતે ભરવી તેની પણ ચિંતા ઉભી થયેલી છે.

સૌરાષ્ટ્રના એક રત્નકલાકારે કહ્યુ હતુ કે, દર વર્ષે દિવાળીના સમયમાં 20 હજારથી 22 હજાર રૂપિયાનું કામ થતું હતું, પરંતુ આ વખતે 12 હજારથી 15 હજાર રૂપિયાનું કામ પણ માંડ થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp