વિપુલ ચૌધરી એવું શું બોલ્યા કે પાટીદારો નારાજ થઈ ગયા?

PC: zeenews.india.com

બધી રાજકીય પાર્ટીઓએ આગામી લોકસભાની ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવીને પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી રહી છે. એ અગાઉ જ મહેસાણામાં આયોજિત થયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે, જેથી પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. મહેસાણાના અર્બુદા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, કડવા પાટીદાર, લેઉવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે.

એટલા બધા કરોડપતિ થઈ ગયા છે કે, એમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ STમાં જાય એવો કોઈ કાર્યકર એમની વેપામાં રહ્યો નથી. ત્યાં માત્ર ને માત્ર પૈસાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. વિપુલ ચૌધરીના આ નિવેદનને લઈને પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપુલ ચૌધરી માફી માગે તેવી માગણી કરવામાં આવી રહી છે. મહેસાણામાં અર્બુદા ભવનમાં વિપુલ ચૌધરીની આગેવાનીમાં બેઠક થઇ હતી.

આ બેઠક બાદ વિપુલ ચૌધરી દ્વારા કડવા અને લેઉવા પાટીદારની સંસ્થાઓ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડપતિ થઈ ગયા છે કે, તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ STમાં જાય એવો કોઈ કાર્યકર એમની કારોબારીમાં રહ્યો નથી. ત્યાં માત્ર ને માત્ર રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું વિપુલભાઈએ જે વાત કરી છે તેને વખોડું છું. એમની એક વાત ગણપત વિદ્યાલયની સાચી લાગી, બાકી 99 સંસ્થા સારી ચાલતી હોય અને એક સંસ્થા સારી ન ચાલતી હોય તો તેના વિશે બોલવું જોઈએ. તમામ પાટીદાર અને પાટીદારના દાતાઓને અને દાતાઓથી ઉભી થયેલી સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિના વાદ વિના સમાન શિક્ષણ અને સમાન સંસ્કાર આપવાની પ્રવૃત્તિ હાલમાં ચાલી કહી છે. વ્યક્તિગત સંસ્થાઓમાં એવું હોય શકે છે.

તેમણે વધુંમાં જણાવ્યું કે, અમે જે સંસ્થાઓમાં જોડાયેલા છીએ, એ સંસ્થાઓમાં પૈસાદાર સિવાયના લોકો પણ ટ્રસ્ટ મંડળમાં જોડાયેલા છે. માત્ર પૈસાદાર જ ઠેકેદાર થઈ જાય એવી વાત તેમણે જે કરી છે તે ખોટી છે. વિપુલ ચૌધરીના નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ છે. પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે વિપુલ ચૌધરીના નિવેદનને લઇને કહ્યું હતું કે, વિપુલ ચૌધરીએ જે નિવેદન આપ્યું છે તે વખોડવા લાયક છે. પાટીદાર અને ચૌધરી સમાજ ભાઈચારાથી વર્તે છે અને વર્તવાના છે. એમાં વિપુલભાઈએ આગ ચાંપવાનું કામ કર્યું છે.

નરેન્દ્ર પટેલે કહ્યું કે, તેમને ડેરી કે સમાજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ નીચલી કક્ષાનું નિવેદન આપ્યું છે તે પાછું ખેંચવું જોઈએ અને પાટીદાર સમાજની માફી માગવી જોઈએ. તો વિપુલ ચૌધરીની ટિપ્પણી મામલે નિવેદન આપતા પાટણના ધારાસભ્ય ડૉ. કિરિટ પટેલે જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ હોય કે શૈક્ષણિક વિકાસ હોય, બંનેમાં પાટીદાર અને જૈન સમાજનો મોટો ફાળો છે. કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી.

તે સિવાય વિપુલ ચૌધરીના નિવેદન અંગે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી દીપિલ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાટીદાર સમાજના લોહીમાં જ સેવા છે. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના ઉપ-પ્રમુખ ઘટોરભાઈ પટેલ ઉદ્યોગપતિ નથી, પણ માતાજીના ભક્ત અને સેવક તરીકે 40 વર્ષથી જોડાયેલા છે. અમારી સંસ્થામાં એવું નથી કે સુખી સંપન્ન વ્યક્તિ જ સંસ્થાના વડા બને. પાટીદાર સમાજના જીન્સમાં તમામ સમાજોને સાથે રાખી સેવા કરવાનો ગુણધર્મ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp