ગુજરાતમાં સરકારી પ્લોટ પર કબજો કરવા અંગે TMC સાંસદ યુસુફ પઠાણને VMCએ આપી નોટિસ

PC: headtopics.com

પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીતીને સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીઓ વધી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ યુસુફ પઠાણને નોટિસ પાઠવીને સરકારી જમીન પરનું અતિક્રમણ દૂર કરવા જણાવ્યું છે. યુસુફ પઠાણનું વડોદરામાં મોટું ઘર છે, જે તેણે 2014ની આસપાસ બનાવ્યું હતું. આરોપ છે કે યુસુફ પઠાણે મંજૂરી અને ફાળવણી વગર પ્લોટ પર કબજો કર્યો હતો. યુસુફ પઠાણ તેના ભાઈ ઈરફાન પઠાણ સાથે વડોદરામાં રહે છે. યુસુફ પઠાણ કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને બહેરામપુર સીટથી સાંસદ બન્યા છે. આ સમગ્ર વિવાદ સામે આવ્યા પછી પઠાણ પરિવારે CM ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.

પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણ પર BJPના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સરકારી પ્લોટ હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. પવારના ખુલાસા પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ યુસુફ પઠાણને નોટિસ પાઠવી છે. વિજય પવારનો આરોપ છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્લોટ યુસુફ પઠાણને આપવાનું નક્કી કર્યું હતું. આ માટેની દરખાસ્ત રાજ્ય સરકારને પણ મોકલવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે કોર્પોરેશનની ભલામણને ફગાવી દીધી હતી. તેમ છતાં યુસુફ પઠાણે પ્લોટનો કબજો મેળવીને ત્યાં તબેલો બાંધ્યો હતો. હાલ આ પ્લોટ યુસુફ પઠાણના કબજામાં છે. આવી સ્થિતિમાં તેને દૂર કરવો જોઈએ. યુસુફ પઠાણે પ્લોટની માંગણી કરી હતી તે સમયે ડો.જ્યોતિ પંડ્યા મેયર હતા. ત્યારપછી કમિશનરે સરકાર પાસે દરખાસ્ત મોકલી હતી. ત્યાં સુધી પઠાણ પરિવારમાંથી કોઈ રાજકારણમાં નહોતું.

યુસુફ પઠાણ પર વડોદરાના તાંદલજા ખાતેના તેમના રહેઠાણની બાજુમાં આવેલા પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. યુસુફ પઠાણે 2012માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પ્લોટ ખરીદવાની માંગણી કરી હતી. ત્યાર પછી કોર્પોરેશને દરખાસ્ત મંજૂર કરી 2014માં રાજ્ય સરકારને મોકલી હતી, પરંતુ સરકારે દરખાસ્ત મંજૂર કરી ન હતી. હવે આ વિવાદ 10 વર્ષ પછી સામે આવ્યો છે. યુસુફ પઠાણ હવે TMCના સાંસદ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ મીડિયા સૂત્રો સાથે ઓનલાઈન વાત કરતાં જણાવ્યું હતું કે, 6 જૂને જ યુસુફ પઠાણને પ્લોટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. અને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો, જો યુસુફ પઠાણ 15 દિવસમાં પ્લોટ ખાલી નહીં કરે તો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી પ્લોટ ખાલી કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp