મધદરિયે ચમત્કાર, ગણેશજીની મૂર્તિના સહારે તોફાની દરિયામાં 24 કલાક રહ્યો માસૂમ

PC: divyabhaskar.co.in

24 કલાક સુધી તોફાની દરિયામાં લહેરાતા મોજાઓ વચ્ચે મોતને સામે લડનાર છોકરાના પિતાએ કહ્યું કે, 'અમે તો દીકરો મરી જ ગયો હશે એમ માનીને તેનું શબ લેવા આવ્યા હતા, પણ એ જીવતો મળ્યો, એ સાંભળી અમારી આંખમાં હર્ષના આંસુ સમાતા ન હતા.' દરિયામાં નહાવા પહેલા લખન નામના છોકરાને દરિયો ખેંચી ગયો અને તે તણાવા લાગ્યો હતો. ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓએ કિશોરને શોધવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેની ક્યાંય ભાળ ન મળી, જેથી પરિવારે આશા છોડી જ દીધી હતી.

પણ કહેવાય છે ને કે, ‘જા કો રાખે સાંઇયા માર શકે ના કોઇ’ તેમ ભગવાન ગણેશની મૂર્તિના સહારે તોફાની દરિયામાં છોકરો 24 કલાક સુધી રહ્યો હતો અને માછીમારોને તે મળી આવ્યો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કિશોર કેવી રીતે તણાયો અને કેવી રીતે મોત સામે લડતો રહ્યો અને છોકરાના ચમત્કારિક બચાવની કહાની.

સુરતના ગોડાદરાના આસપાસ રહેતા વિકાસ લાભુ દેવીપૂજકના બે દીકરા લખન, કરણ અને દીકરી અંજલિ, દાદી સવિતાબેન સાથે 29 સપ્ટેમ્બરના રોજ સુરતના પાર્લેપોઈન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા. અહીંથી દાદી ત્રણેય બાળકોને ડુમ્મસના દરિયા કિનારે ફરવા લઈ ગઇ હતી. દરિયા કિનારે પહોંચતા જ લખન (ઉંમર 14 વર્ષ) અને કરણ (ઉંમર 11 વર્ષ) દાદીની સૂચનાને અવગણીને દરિયામાં નહાવા પડ્યા હતા, પરંતુ બપોરે 01:00 થી 02:00ના અરસામાં દરિયામાં ભરતી શરૂ થતા લખન અને કરણ બંને ભાઈઓ દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. જેમાં નજીકમાં ઊભેલા લોકોએ કરણને હાથ પકડી બચાવી લીધો હતો, પરંતુ લખન દરિયાના મોજાઓમાં ખેંચાઈને ગયો હતો.

ઘટનાની જાણ થતા દાદી સહિત પરિવારજનોમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી. સ્થાનિક પોલીસ અને સુરત ફાયર વિભાગને જાણકારી અપાતા લખનની શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, પણ દરિયાના ઊછળતા તોફાની મોજાઓમાં લખન મળ્યો નહોતો. બીજી તરફ લખનના પિતા વિકાસ દેવીપૂજકે સમાજના આગેવાન સુરેશ વાઘેલાની મદદ લઈ દીકરાને શોધવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા, પણ તેમને નિરાશા જ મળી હતી. જો કે, વિકાસ 24 કલાક દરિયા કિનારે રહી દીકરાનો મૃતદેહ પણ મળી જાય એવી આશા રાખતો હતો.

મધદરિયે ચમત્કાર થયો અને દરિયામાં લખન જીવતો બચ્યો હોવાના સમાચાર મળતા જ પિતા વિકાસ સહિત પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. જ્યારે લખન શનિવારની મોડી રાત્રે નવસારીના ધોલાઈ બંદરે આવશે તેની જાણ થતા જ પિતા વિકાસ સમાજના આગેવાન સુરેશ વાઘેલા સાથે ધોલાઈ પહોંચ્યો હતો. નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ અને તેની 7 ખલાસીઓની ટીમ સાથે 5 દિવસોથી દરિયો ખેડી રહ્યા હતા. રસિક ટંડેલની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી 18 નોટિકલ માઈલ એટલે કે લગભગ 22 કિમી અંદર હતી, ત્યારે વિસર્જિત ગણેશની પ્રતિમાના અવશેષ ઉપર કોઈક બાળક બેઠો હોય અને બચાવવા માટે હાથ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જાણે દરિયામાં મોતના મુખમાંથી વિઘ્નહર્તા દેવે જ લખનને બચાવી નવજીવન આપ્યું હોય એમ રસિક તેમની બોટ વિસર્જિત ગણપતિની પ્રતિમાને જેનો સપોર્ટ આપવામાં આવ્યો હતો, તે બોર્ડ પર બેસી લખન નજીક લઈ ગયો, તેને દોરડાની મદદથી બચાવી લીધો હતો. 24 કલાકથી દરિયાની તોફાની લહેરો વચ્ચે જીવન ટકાવી રહેલો લખન ઘણો ગભરાઇ ગયો હતો. જેથી રસિકે પ્રથમ તેને પાણી આપ્યા બાદ ચા અને બિસ્કિટ ખવડાવ્યાં હતા. ત્યારબાદ તેને હિંમત આપી થોડા સમય માટે ઊંધાડી દીધો હતો. લખન જ્યારે સામાન્ય થયો, ત્યારે દરિયામાં કેવી રીતે આવ્યો અને પરિવારજનોની માહિતી મેળવી હતી.

ત્યારબાદમાં રસિકે ગામના જ એક અન્ય માછીમારને જાણ કરી અને લખન મળ્યાની જાણકારી મરીન પોલીસને આપવા કહ્યું હતું. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક મોતને મ્હાત આપનાર લખનના પિતાને જાણ કરતા દીકરાના શબને શોધતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો અને આંખોમાં આંસુ સાથે ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. બીજી તરફ શનિવારે રાતે દોઢ વાગ્યા સુધીમાં ધોલાઈ બંદરે આવનારી રસિક ટંડેલની નવદુર્ગા બોટ આજે સવારે 4:30 વાગ્યે બંદરે પહોંચી હતી. જ્યાં લખન બંદરે ઊતરતા જ પિતા વિકાસે તેને ગળે લગાલી લીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp