સમાજના માઇકાંગલા નેતાને ન સ્વીકારતા, આગેવાનોને પાડવાનું બંધ કરો: જયેશ રાદડિયા

PC: facebook.com/ijayeshradadiya

ગુજરાતના રાજકારણ દિગ્ગજ નેતા દિવંગત વિઠ્ઠલ રાદડીયાના પુત્ર અને જેતપુર વિધાનસભાથી ભાજપના ધારાસઙ્ય જયેશ રાદડીયાએ સમૂહલગ્નના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ પછી સમાજને હજુ બીજા કોઇ સરદાર મળ્યા નથી. તેમણે કહ્યું કે, સમાજના આગેવાનોને પાડવાનું બંધ કરો, આટલા વર્ષો પછી પણ લેઉઆ સમાજને એક થવા માટે કહેવું પડે છે તે સારું નથી લાગતું. તેમણે કહ્યું હતું કે, કોઇ માઇકાંગલા નેતાને સ્વીકારતા નહીં. તેમણે કોઇનું નામ નહોતું લીધું, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું છે કે તેમનો ઇશારો ભાજપના જ એક નેતા સામે હતો.

વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડીયાએ જામકંડોરણામાં સમૂહલગ્નનું આયોજન કર્યું છે, જેમાં 351 દિકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય નેતા મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક મોટા પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા.

જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, લેઉવા પાટીદાર સમાજની કમજોરી છે કે, સમાજના કોઇ આગેવાન હજુ તો ઉભો થાય, થોડો સેટ થાય ત્યાં તેને પાડી દેવાના કારસા શરૂ થઇ જાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ પછી આપણને તેમના જેવા કોઇ મજબુત નેતા મળ્યા નથી. મજબુત તાકાતવાળો હોય તેમને જ નેતા તરીકે સ્વીકારજો, માઇકાંગલાને બેસાડી ન દેતા.

જયેશ રાદડીયાએ પોતાન સંબોધનમાં કહ્યું કે, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી. સમાજ અને રાજકારણ બંનેને જુદા રાખું છું. તેમણે કહ્યું કે, સમાજે એક થવું પડશે, સમાજના આગેવાનોને પાડી દેવાનું ચાલું રાખશો તો દર 6-6 મહિને નેતા થતા નથી.

રાદડીયાએ ભલે કહ્યું કે, સમાજની વાત આવે ત્યારે રાજકારણ કરતો નથી, પરંતુ તેમણે વાત વાતમાં રાજકારણ તો કરી જ દીધું હતું. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી વર્ષોથી કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ ટિકીટ આપતું આવ્યું છે. આ બેઠક પર કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પરંતુ તાજેતરમાં રાજકોટની બેઠક પરથી લોકસભા માટે ડો. ભરત બોઘરાનનું નામ જોરશોરથી ચાલી રહ્યું હતું. જેનો ભારે વિરોધ થયો હતો.

પાટીદારોએ માંગ કરી છે કે આ બેઠક પરથી કડવા પાટીદારને જ ટિકીટ મળે તેવી માંગ કરવામાં આવી છે. એવા સમયે જયેશ રાદડીયાનું નિવેદન સૂચક છે. સમાજના લોકો કડવા- લેઉઆ એક જ છે એવી વર્ષોથી વાત કરતા રહે છે, પરંતુ બંને સમાજ એક હોય તેવું દેખાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp