મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા તેની સામેની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?

PC: Khabarchhe.com

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા પછી તેમની બિનહરિફ જીતને પડકારતી Public Interest Litigation (PIL) જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને છે કે તાત્કાલિક સુનાવણી થઇ શકે નહીં.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા, જે બાદ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ ભાવેશ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મંગળવારે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે તેણે PIL નહીં પણ ચૂંટણી અરજી દાખલ કરવી જોઈતી હતી. અરજદારે દલીલ કરી હતી કે તે સુરતમાં નોંધાયેલ મતદાર છે, ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા અને મતદાન કરાવ્યા વગર પ્રમાણપત્ર પણ આપ્યું હતું. આ કારણોસર તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત રહ્યા ગયા છે.

આના પર કોર્ટે કહ્યું કે જો કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય છે, તો તે પણ તે જ છે જેમને મતદાન અથવા મત ગણતરી પછી વિજેતા જાહેર કરવામાં આવે છે. બિનહરીફ વિજેતા અન્ય કોઈ શ્રેણીમાં આવતા નથી. જાહેર પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ આને PILનો મુદ્દો ન બનાવો. તેમણે એમ પણ કહ્યું કે કાયદા મુજબ જો ઉમેદવારની ચૂંટણીને લઈને કોઈ વિવાદ હોય તો તેણે ચૂંટણી અરજી દાખલ કરવાની હોય છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમે તમારી દલીલમાં જે પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યા છો, જેના દ્વારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, તે ચૂંટણી અરજી દ્વારા સત્તાધિકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે તાત્કાલિક સુનાવણીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે, અરજદારે ખોટી જગ્યાએ અરજી દાખલ કરી છે, તેથી તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં, તે સામાન્ય રીતે જ જોવામાં આવશે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અરજદારના વકીલને પણ ખખડાવી નાંખ્યા હતા. વાત એમ બની હતી કે અરજદારના વકીલે ન્યાયાધીશની સામે બે હાથ જોડી રહ્યા હતા. આ વાત પર ન્યાયાધીશે નારાજગી વ્યકત કરીને વકીલને ખખડાવ્યા અને કહ્યુ કે, વકીલોએ કોર્ટમાં હાથ જોડવા ન જોઇએ. વકીલે પોતાના પક્ષના અધિકારો માટે લડવું જોઇએ. ન્યાયાધીશે કહ્યું કે તમે તમારો કેસ રાખી રહ્યા છો તેના માટે હાથ જોડવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp