પર્યાવરણના ગદ્દારોને સજા ક્યારે મળશે માય લોર્ડ?

PC: Khabarchhe.com

વિરલ દેસાઇ: આપણા દેશમાં પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ સ્તરે કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને એ કાયદાઓનું પાલન ન કરે એને માટે વિવિધ સજાઓની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આપણે ત્યાં સામાન્ય લોકોમાં કે ઈવન મીડિયામાં પર્યાવરણ સંબંધિત થતા ગુનાઓ બાબતે ઝાઝી કન્ઝર્ન નથી હોતી. એટલે જ દેશમાં લૂંટ થાય ત્યારે કે મર્ડર થાય કે પછી ડોમેસ્ટિક વાયોલન્સ જેવા ગુનાઓના કિસ્સા બહાર આવે ત્યારે લોકોમાં જે ઉહાપોહ મચે છે એવો ઉહાપોહ પર્યાવરણના ક્ષેત્રમાં કોઈ ગુનો થાય ત્યારે નથી મચતી. પણ તમારી સાથે જો હું આંકડા શેર કરીશ તો તમને ખ્યાલ આવશે કે આપણા સમાજમાં અને દેશમાં માણસો સાથે જેટલા ક્રાઈમ થાય છે એટલા જ ક્રાઈમ પર્યાવરણ સાથે પણ થાય છે. વિધિની વક્રતાએ છે કે પર્યાવરણ સાથે થતા ક્રાઈમમાં સમાજને જાણકારી ઓછી હોય છે, જે કારણે ભારતની વિવિધ કોર્ટ્સમાં આ પ્રકારના કેસોમાં ચૂકાદા આવતા વર્ષો નીકળે જાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા દર વર્ષે દેશમાં ઘટતા ગુનાઓ બાબતે વિવિધ આંકડા રજૂ થાય છે. એ આંકડા અનુસાર ગયા વર્ષ સુધીમાં ભારતની વિવિધમાં કોર્ટોમાં પર્યાવરણ સંબંધિત 88,400 કેસીઝ એવા છે, જેમની કાર્યવાહી અત્યંત ધીમી ચાલી રહી છે. વળી, આ આંકડાઓમાં રોજ નવા કેસીઝનો ઉમરો થઈ રહ્યો છે. જો કોર્ટે આ તમામ કેસીઝનો નિકાલ કરવો હશે તો રોજ 242 કેસોમાં ચૂદાદો આપવો આપશે. નહીંતર આવનારા 34 વર્ષો સુધી પર્યાવરણ સંબંધીત કેસીઝ લટકતા રહેશે!

આ આર્ટિકલમાં હું મારો પોઈન્ટ ઑફ વ્યૂ આપું એ પહેલાં મારે હજુ થોડા ફેક્ટ્સ આપવા છે. જેથી તમને ખ્યાલ આવે કે પર્યાવરણ સંબંધિત ગુનાઓ તેમજ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસીઝના ચૂકાદા વહેલી તકે આવવવા જોઈએ એનું શું મહત્ત્વ છે. ભારતમાં પર્યાવરણ અને જંગલોને હાનિ પહોંચાડવા બદલ દસથી વધુ વિવિધ અત્યંત મહત્ત્વના એક્ટ્સ છે. જેમ કે વન અધિનિયન 1927 તેમજ વન સંરક્ષણ અધિનિયમ 1980, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1927, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જમીન ખનન એક્ટ, વાયુ અને જળ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ અધિનિયમ, ધ્વનિ પ્રદૂષણ અધિનિયમ તેમજ સિગારેટ અને તંબાકુ ઉત્પાદન અધિનિયમ. આ ઉપરાંત વન્યજીવો તેમજ પક્ષીઓની તસ્કરી માટે પણ અલાયદા કાયદાઓ છે.

આ બધા કાયદાઓ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે વન-પર્યાવરણને નુકસાન કરીને અને પ્રાણીઓની ચોરીને કરીને કરોડો રૂપિયા કમાવાનું એક અત્યંત મોટું નેટવર્ક છે. આ નેટવર્ક મોટામોટા માફિયાઓ ચલાવે છે, જેમને મન વન કે વન્યજીવો કે પછી પર્યાવરણની કોઈ વેલ્યુ નથી હોતી. બલ્કે તેઓ પોતાના અંગત લાભ માટે પર્યાવરણને હાનિ પહોંચાડીને લાખો લોકોના જીવન પર પ્રશ્નો ઊભા કરે છે. આજે આપણે જે ક્લાયમેટ ઈશ્યુઝ જોઈ રહ્યા છીએ એ ઈશ્યુઝમાં પણ આવા ગુનાઓનું યોગદાન અત્યંત વધુ છે. કારણ કે આવા ગુના કંઈ માત્ર ભારતમાં જ નથી બનતા, વિશ્વભરમાં આવા માફિયાઓનો ત્રાસ છે. જેને કારણે જ આજે વિશ્વની અનેક નદીઓ પ્રદૂષિત છે, વિશ્વમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર જમીન ખનન થઈ રહ્યું છે, આડેધડ જંગલો કપાઈ રહ્યા છે અને પ્રાણીઓની તસ્કરીને લીધે અનેક સ્પિસિસનો નાશ થઈ ગયો છે.

વિશ્વમાં અન્ય જગ્યાએ જે બનતું હોય એ, આપણે એમાં કશું કરી શકવાના નથી. પરંતુ ભારતમાં આવા કોઈ પણ ગુના નોંધાય ત્યારે કોર્ટ્સ જો ઝડપી કાર્યવાહી કરે અને દોષીતોને કડકમાં કડક સજા કરે તો સમાજમાં એના ઉદાહરણો બેસે કે કોર્ટ્સ પર્યાવરણ સંરક્ષણને લઈને અત્યંત ગંભીર છે. અધરવાઈઝ હાલમાં જે રીતે કોર્ટ્સમાં પર્યાવરણ સંબંધિત કેસીઝ પેન્ડિંગ છે એ જોતા તો રેતી માફિયાઓ કે ખનન માફિયાઓ કે નદીઓને પ્રદૂષિત કરનારાઓ કે પછી એર પોલ્યુશન કરનારાઓની હિંમત ઉઘડી જશે કે આવા કિસ્સામાં કોર્ટમાં કાર્યવાહી ચાલશે તો કોઈ સજા મળશેને? ત્યાં સુધીમાં તો આપણે કરોડો રૂપિયા કમાઈ શકીશું!

આખરે હાલમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા અપાય એ અત્યંત જરૂરી બાબત છે. પર્યાવરણ સંરક્ષણ એ એવો મુદ્દો છે, જેની સાથે કરોડો લોકોના જીવન જોડાયેલા છે. પાછલા પાંચેક વર્ષોમાં આપને ક્લાયમેટ ચેન્જની અનેક ત્રાસદીઓનો અનુભવ કરી લીધો છે. આપણે એ પણ અનુભવી લીધું છે કે આપણી મોનસૂન પેટર્ન હવે જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. તેમજ વર્ષમાં ગરમ દિવસોની સંખ્યા અત્યંત વધી ગઈ છે. એ બધામાં આવા ગ્રીડી ગુનેગારોનું યોગદાન રહેલું જ છે. એમને કડકમાં કડક સજા મળવી જ જોઈએ, જેથી બીજા લોકો એવું કશુંય કરતા ડરે. આખરે આ રીતે પણ જો વનો, નદીઓ, વાયુ કે આપણા વન્યજીવોને સંરક્ષિત કરી શકાતા હોય તો એ દિશામાં આપણે પગલાં ભરવા જ જોઈએ. આપણી સહિયારી સંપત્તિને પ્રદૂષિત કરવાનો કે તેને નષ્ટ કરવાનો અધિકાર કોઈને નથી.

ત્રણવાર રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત વિરલ દેસાઈ દેશના જાણીતા પર્યાવરણવાદી, લેખક અને ઉદ્યોગપતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp