ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજાની સવારી ક્યાં ક્યાં પહોંચવાની છે? જાણી લો

PC: twitter.com

રવિવારે ગુજરાતના લોકો રજાના મૂડમાં હતા ત્યારે મેહુલિયાએ રાજ્યભરમાં ધબધબાટી બોલાવી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો મેહુલિયો મન મુકીને વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતને પણ તરબોળ કરી દીધું છે. પોરબંદર, અમરેલી, સાવરકુંડલા, બોટાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો. ભરૂચમાં તો બજારમાં પાણી ફરી વળ્યા એટલો જોરદાર આવ્યો, સુરતમાં પણ સાંબેલાધાર પડ્યો. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં ગુજરાતમાં આ વિસ્તારમાં વરસાદ પડશે અને 2 દિવસ તો સાર્વત્રિક વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં 11 જૂનથી ચોમાસું અટકી ગયું હતું અને હવે 13માં દિવસે ચોમાસું આગળ વધ્યું છે. ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ કે દાસે કહ્યું છે કે, આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ પડશે. આગામી 2 દિવસમાં કેટલાંક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગે કહ્યું કે, રવિવારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ પડશે. દાસે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ઉપરાંત ઉત્તર ગુજરાત, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ,અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ ચાલશે.

ખેડુતો માટે સારા સમાચાર છે કે દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આખરે આગળ વધ્યું છે. ખેડુતોએ 18 જૂને ભીમ અગિયારસના દિવસથી વાવણી શરૂ કરી હતી, પરંતુ વરસાદ નહીં આવવાને કારણે ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા હતા. વરસાદ પુરતો નહીં આવશે તો પાક કેવી રીતે ઉતરશે તેની ખેડુતોને ચિંતા હતી. પરંતુ જે રીતે રવિવારે વરસાદે રમઝટ બોલાવી છે એ જોતા હવે લાગે છે કે ખેડુતોની ચિંતા દુર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp