કોંગ્રેસે વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કર્યું, જાણો કોણ બન્યું
ફાઈનલી જેની બધા રાહ જોઈને બેઠા હતા, તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતાના નામની ફાઈનલી જાહેરાત કરી દેવામાં આવી છે. શુક્રવારના રોજ દિલ્હીથી તેડું આવ્યા બાદ પાટીદાર નેતા અને અમરેલી સીટ પરથી ચૂંટણી જીતેલા પરેશ ધાનાણીના નામ પર મોહર મારી દેવામાં આવી છે. નિરીક્ષક અશોક ગેહલોતે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી હતી. આ સાથે જ કેટલાય દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે. જો કે આ નિર્ણયને લઈને કોંગ્રેસના જ ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમની કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઉલ્લેખનીય છે કે, આ બંને નેતાએ પણ વિરોધ પક્ષના નેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માટે કોંગ્રેસની ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ 3 દિવસ સુધી આ અંગે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. ભરતસિંહ સોલંકીનું કહેવું હતું કે, 5-6 જાન્યુઆરીના રોજ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા વિરોધ પક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે. વિરોધ પક્ષના નેતા બનવાની હોડમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી સૌથી ઉપર હતા, પરંતુ બીજી બાજુ કુંવરજી બાવળીયાએ પણ વિરોધ પક્ષના નેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બધા વચ્ચે અમરેલીથી જીતેલા પરેશ ધાનાણીને દિલ્હીથી તેડું આવ્યું છે, તેવી વાત સામે આવી હતી.
રિપોર્ટ મુજબ પરેશ ધાનાણીને હાઇકમાન્ડ તેડું આવ્યું હતી અને તેમની વિપક્ષના નેતાપદે વરણી થાય તેવી પૂરી શક્યતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ સીટ અપાવવામાં પાટીદારોનો મહત્ત્વનો ફાળો છે, ત્યારે તેમના સમાજના જ વ્યક્તિને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તેવી માગ ઉઠી હતી. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસ પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા નહીં બનાવે તો કોંગ્રેસનો પણ વિરોધ થશે.
ચૂંટણી દરમિયાન ભાજપને પાડી દો તેવા ભાષણ કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને પણ ધમકી આપી હતી. હાર્દિકે કોગ્રેસને ધમકી આપતા સુરતમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ પરેશ ધાનાણીને વિરોધ પક્ષનો નેતાનું પદ આપશે નહીં તો અમે કોંગ્રેસ સામે પણ લડી લઈશું. ચૂંટણી દરમિયાન એક ભાષણમાં હાર્દિકે જાહેરાત કરી હતી કે જો કોગ્રેસની સરકાર રચાઈ તો પરેશ ધાનાણી મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પણ હવે કોંગ્રેસ માટે વિરોધ પક્ષનું પદ મહત્ત્વનું છે.
ધારાસભ્યોની બેઠક બાદ પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બધા મિત્રોએ સાથે બેસીને પરામર્શ કરીને અને ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારના જે મૂળીયા ગુજરાતની અંદર જડ કરી ગયા છે, તેને ઉખેડી ફેંકવા માટે લોકોનો અવાજ કેમ મજબૂતીથી ઉઠાવી શકાય, એના માટે મનોમંથન કરીશું. પદ તો એક જવાબદારી છે. આ પદને નીભાવવા માટે ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ સક્ષમ છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરામર્શને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નેતૃત્વ યોગ્ય વ્યક્તિને જવાબદારી આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp