પરષોત્તમ રૂપાલાને લઈને એવો શું રિપોર્ટ આવ્યો કે હાઇકમાન ચોંકી ગયું

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટી (BJP)માં પહેલી વખત એવું જોવા મળ્યું કે, આંતરિક વિખવાદ, વિરોધ શાંત જ નથી થઈ રહ્યો અને રસ પણ ઓછો લેવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમા ક્યાંય ડેમેજ થાય તો તરત કમલમથી આદેશ થાય, હાઈકમાન સક્રિય થઈ જાય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના વિવાદને શાંત કરવા તૈયાર નથી, વધારાનું તેમાં ઘી રેડીને આગ લગાવવામાં આવી રહી છે. ચૂંટણીનો સમય છે અને આ વિવાદને થાળે પાડવામાં ભાજપને રસ ન હોય એવુ તો કંઇ રીતે બને. પરષોત્તમ રૂપાલાને સાઈડલાઈન કરવા માટે આખો ખેલ રચાયો હોવાનું પાર્ટીના ગુપ્ત રિપોર્ટમાં સામે આવ્યું છે.

પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ BJPની ઊંઘ ઉઘડી ગઈ છે. લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલો વિવાદ શાંત નથી થઈ રહ્યો. ત્યારે એક નવા રિપોર્ટે BJPની ઊંઘ ઉડાડી છે. પક્ષના ગુપ્ત રિપોર્ટમાં સામે આવ્યું કે, વિવાદ ઉભો થયો નથી, પણ ઉભો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતાઓ જ આખા પ્રકરણમાં વિલન બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કમલમમાં વેલકમ પાર્ટી અને ભરતી મેળા જેવા જાતજાતના કાર્યક્રમ કરી રહ્યાં છે. એવામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે.

પક્ષ માટે સખત મહેનત કરનારા નેતાઓને સાઇડ પર મુકીને BJP પક્ષપલટો કરીને આવેલા નેતાઓ માટે લાલ જાજમ પાથરી રહી છે. આ કારણે પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. પક્ષ પલટો કરનારાઓને પ્રાથમિકતા મળી રહી છે. ત્યારે હવે રિપોર્ટ કહે છે કે, સાઈડલાઈન કરાયેલા નેતાઓ જ BJP માટે રોડો બની રહ્યા છે. આ જ નેતાઓ પરષોત્તમ રૂપાલાની આગમાં ઘી હોમી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, ભાજપને ચૂંટણીમાં નુકસાન થાય.

બીજી તરફ, વિવાદ વધતા દિલ્હી હાઈકમાનડને તેમાં રસ પડ્યો છે. આ અસંતુષ્ટ નેતાઓ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. એવી પણ છે ચર્ચા કે, ચૂંટણી બાદ વિરોધીઓનો હિસા-બકિતાબ કરવામાં આવશે. હાલમાં ચૂંટણી નજીક હોવાથી વિવાદ વધુ વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. BJPના પદાધિકારીઓનું કહેવુ છે કે, આખા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોતે હાઈકમાને પ્લાન તૈયાર કર્યો છે.

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ વિરોધ થઇ રહ્યો છે. રિપોર્ટ મુજબ, પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને દિલ્હી બોલાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર અડગ છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમા આખા જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હતી. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે.

શું છે આખો મામલો

પરષોત્તમ રૂપાલાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ભાષણ આપતા દેખાઈ રહ્યા છે. જેમાં તેઓ કહેતા સંભળાય રહ્યા છે કે, ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજા પણ નમ્યા. એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ન તો ધર્મ બદલ્યો, ન તો વ્યવહાર કર્યો. આ વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે રાજપૂત સમાજે રૂપાલા પર સમાજનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો. જોકે, વિવાદ વધતો જોતા રૂપાલાએ એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને માફી પણ માગી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp