શંકર ચૌધરી સામે પક્ષમાં કોણ ઝૂકી ગયું
(Dilip Patel) પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા છેક સુધી રહી હતી. તેથી બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા છે. ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર હતી. બંને ઉમેદવારો માટે પક્ષ દ્વારા ઓછી મદદ મળી હતી.
ભાજપની હાર કેમ થઈ તે અંગે મંથન અને આકલન ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. જેમાં ઘણી વિગતો બહાર આવી છે. તમામ 26 બેઠકો જીતવાની જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જીત વચ્ચે હાર થઈ છે.
5 લાખ લીડથી 26 બેઠકો જીતવાની હતી. પક્ષ પ્રમુખ પાટીલે કચ્છમાં 31 માર્ચ 2024માં કહ્યું હતું કે, ત્રીજી વખત પણ 26માંથી 26 બેઠકો જીતવાના જ છીએ. 26 બેઠક 5 લાખથી વધુ મતની સરસાઈ લાવવાની છીએ.' પણ શંકર ચૌધરીના કારણે એક બેઠક હારવી પડી છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બગડવાના કારણે નવસારી, ગાંધીનગર, વડોદરા, પંચમહાલમાં જ 5 લાખની લીડ મળી હતી. 20માં ન મળી અને એકમાં હાર થઈ છે. પક્ષે આ બાબતે ગંભીર નોંધ લીધી છે. અગાઉ આવી ભૂલો માટે શંકર ચૌધરીને 8 વખત દિલ્હીથી રહેમરાહે છોડી દેવામાં આવ્યા હતા. હવે તેમની આ ભૂલ માફ કરી શકાય તેવી નથી એવું પક્ષના હિત ચિંતકો માની રહ્યાં છે.
શંકર ચૌધરીએ આગ્રહ રાખ્યો હતો કે તેમના ટેકેદાર રેખા ચૌધરીને જ ઉમેદવાર બનાવવામાં આવે. શંકર ચૌધરીએ ભાજપમાં પોતાના માનીતા એવા ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ અપાવી હતી. રેખાબેનને જીતાડવાની જવાબદારી શંકર ચૌધરીની હતી. તેમના માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના તેઓ અધ્યક્ષ છે. અધ્યક્ષ બનતાં પહેલાં પક્ષમાંથી રાજીનામું આપવું પડતું હોય છે. તે કોઈ પક્ષ સાથે નથી હોતા. છતાં તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો.
ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતાનો અંદાજ મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યો હતો. ગેનીબેન દબંગ નેતા છે. ભાજપના આંતરિક વિખવાદ હતા, તેને શંકર ચૌધરીએ અનદેખા કરીને અભિમાની વર્તન કર્યું હતું. શંકર ચૌધરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ મૂક્યો તેનો ભંગ કર્યો છે.
ડીસાનો ફાયદો શંકરને મળ્યો ન હતો.
ગેનીબેને પોતાનો પ્રચાર કર્યો તેમાં ડો. રેખા ચૌધરીની સામે પ્રચાર કરવાના બદલે શંકર ચૌધરીના કાળા કામો સામે સતત પ્રચાર કરતાં રહ્યાં હતા. આ પ્રચાર એટલો કારગત રહ્યો કે, લોકોના મનમાં બરાબર ઠસી ગયું હતું કે બનાસકાંઠામાં શંકર ચૌધરી જ બધાને નડે છે.
પૂર્વ સાંસદ પરબત પટેલને મનાવીને શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પોતાના મત વિસ્તાર ત્રીજી વખત બદલ્યો હતો. તેમને ચૂંટણી હારી જવાનો ડર લાગતો હતો. તેથી જૂના કોંગ્રેસના એવા ભાજપના સારા નેતા પરબત પટેલ પર દબાણ કર્યું હતું.
7 બેઠક હાર્યા
બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત બેઠક હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં સ્વિકાર્યું હતું. કોંગ્રેસને મદદ કરવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો. 2017 બૃહદ બનાસકાંઠામાં 10માંથી બે બેઠક જ ભાજપ જીતી હતી. ભાજપના પૂર્વ મંત્રી ભીખુ દલસાણીયાને ઘણી રજૂઆત થઈ હતી. પુરાવા અપાયા હતા. પગલાં ન લેવાયા અને ત્યારબાદ પક્ષની પડતી સતત થતી રહી છે. છતાં રહસ્યમય રીતે શંકર ચૌધરી સામે પગલાં લેવાયા ન હતા.
હવે 2024માં ભાજપના નારાજ લોકોએ કોંગ્રેસને ઘણી મદદ કરી હતી. લીલાધર વાઘેલા પંચાયત પ્રધાન હતા ત્યારે ઠાકોર સામે બીજા સમાજનો વિરોધ હતો, એવો વિરોધ શંકર ચૌધરીના કારણે છે. શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી ગયા હતા. ત્યારથી તેઓ બેઠક બદલતાં રહે છે.
વડાપ્રધાનના બે હાથનો દાવો
શંકર ચૌધરી બનાસકાંઠામાં દરેક જગ્યાએ વારંવાર કહેતાં રહે છે તે તે હમણાં જ દિલ્હી જઈ આવ્યા. સાહેબ સાથે ફલાણી વાત થઈ છે. તે માટે ડેરીના કારણો આપતાં હતા. મધ અને ઘીના ડબ્બા આપતો મોદી સાથે ફોટો પડાવેલો તેનો ગેર ફાયદો શંકર ચૌધરી પ્રજાની વચ્ચે લેતા આવ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના કહેવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં બનારસમાં ડેરી શરૂ કરીને દૂધનું પાણી કર્યું હતું. ઉત્તરપ્રદેશમાં 4 ડેરી હતી. હવે ચેન્નાઈમાં ડેરી શંકર ચૌધરીએ શરૂ કરી હોવાનું કહીને મોદીને મદદ કરવાનો ડોળ કરે છે. પરંતુ બધા જાણે છે કે નરેન્દ્ર મોદી ક્યારેય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ચલાવી લેતા નથી. તેને માફ કરતા નથી. પણ મોદી સુધી ગુજરાતની વરવી વાસ્તવિકતા કોઈ પહોંચાડતા નથી.
બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર લડતાં હોય એવું વાતાવરણ હોવું જોઈએ તેના બદલે શંકર ચૌધરીના ઉમેદવાર ચૂંટણી લડતાં હોય એવું વાતાવરણ ઊભું કરીને પક્ષ પર પ્રભૂત્વ જમાવવનું ભારે પડ્યું.
શંકર ચૌધરીનો બનાસકાંઠાના લોકોમાં વિરોધ છે. શંકર ચૌધરીનો ચૌધરીવાદ નડી ગયો.
વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા માટે પૈસા અને પાવર આપ્યા. ભાજપના જ નેતાઓએ ગેનીબેન માટે મતદાન કરાવ્યું હતું. ડો. રેખા ચૌધરી ક્યારેય ભાજપમાં સક્રિય ન હતા. માત્ર શંકરના અંગત ટેકેદાર હોવાના નાતે અને તેમના ઘરે આવવા જવાના સંબંધ હોવાના કારણે ટિકિટ આપી હતી. જેથી સંસદ સભ્ય તેનાં કહ્યાગરા બની રહે. પક્ષની લાગણીની પરવા કર્યા વગર નવા જ ઉમેદવારને મેદાને ઉતારવા ભારે પડ્યું છે. (ક્રમશઃ3)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp