ગેનીબેનની અનામતના મુદ્દે ચિઠ્ઠીએ ગુજરાતની રાજનીતિ ગરમાવી

PC: facebook.com/GenibenThakorMLA

લોકસભાની ચૂંટણી ટાણે અનામતનો મુદ્દો ખૂબ ઉઠ્યો હતો. થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ અનામતમાં ક્રીમિલેયરનો નિર્ણય સંભળાવ્યો હતો. હવે ફરી એકવાર અનામતની વાત ઊઠી છે. આ વખત કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીવે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માગણી કરી છે. ગેનીબેનની આ ચિઠ્ઠીથી ગુજરાતની રાજનીતિમાં હલચલ થવાની સંભાવના વર્તાઇ રહી છે. તો ગેનીબેનની માગને લઇને ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, OBC સમાજના ગરીબ લોકોનો એક જ અવાજ હતો કે પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે. OBC સમાજ 146 જ્ઞાતિ ધરાવે છે પરંતુ તેના નિયંત્રણ હેઠળના નિગમ છે તેમાં યોગ્ય બજેટ ફાળવાતું નથી એટલે પૂરતી લોન પણ મળતી નથી. એક જ વાત છે કે વસ્તીના આધારે બજેટની ફાળવણી કરવામાં આવે. રાજકીય રીતે અનામતની વાત કરીએ તો ઝવેરી પંચ ગુજરાતમાં આવ્યું અને પ્રજાના પ્રતિનિધિ અને વિવિધ સંગઠનોને બોલાવ્યા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે 49 ટકાથી વધારે અનામત નહીં વધે અને ખાલી સીટ પડી ન રહે. આ સ્થિતિ વચ્ચે લોકોની રજૂઆત આવી તેના અનુસંધાને વર્ષ 1992માં સુપ્રીમ કોર્ટે પણ ક્રીમિલેયર માટેની વાત કરી હતી. રાણે પંચે પણ આ માગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી માગ છે કે આખા ગુજરાતમાં જે-તે સમાજની આર્થિક સ્થિતિ કેવી છે? વર્ગીકરણ થાય, સર્વે થાય, વસ્તી ગણતરી કરવામાં આવે, લાભ લેનારા લોકો અને લાભ ન લઈ શકનારા લોકોને અલગ તારવવામાં આવે. જ્યાં વસ્તી નથી છતા સીટ ખાલી પડી રહે તે ન થાય, વસ્તીના આધારે બજેટ આપે તેવી બે-ત્રણ માગણ છે. મેં કોઈ જ્ઞાતિ લખી નથી. વસ્તીનું ધોરણ કે તેમની આર્થિક સ્થિતિનો સર્વે કરવો જોઇએ. સર્વે કરાશે ત્યારે જ ખ્યાલ આવશે. વસ્તીના આધારે સર્વે થતો નથી એટલે ખ્યાલ આવતો નથી.

ગેનીબેને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પણ માગ કરી છે કે સમગ્ર દેશમાં બધી જ્ઞાતિઓની વસ્તી ગણતરી થવી જોઈએ. આ વસ્તી ગણતરીનો એક ભાગ છે. અમારી માગ કોઇ રાજનીતિ માટે નથી, વોટબેંક માટે નથી. તેની સાથે કોઈ લેવા-દેવા નથી. આ સર્વે થાય અને લાગે કે OBCમાં આટલા સમાજ આર્થિક રીતે પછાત છે કે અન્ય રીતે પછાત છે તેને લેવલ પર લાવવામાં આવે. ઘણી યોજના વ્યક્તિગત છે જેમ કે પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસમાં પણ પરિવારનો સર્વે થાય છે. કોઈ પરિવાર સુખી હશે પણ આખો સમાજ સુખી હોતો નથી. એ કામ સરકાર જ કરી શકશે પરંતુ કરતી નથી એટલે વસ્તી પ્રમાણે બજેટ ફાળવવું જોઈએ.

તેમણે કહ્યું કે, ચૌધરી સમાજ કે ઠાકોર સમાજ સાથે વ્યક્તિગત રીતે સરખામણી કરવાની વાત જ નથી. ચૌધરી ઉમેદવારો લોકસભા લડે છે અને જીતે છે. પરિવાર સુખી હોય પરંતુ આખો સમાજ નહી. દરેક વિસ્તારમાં બક્ષીપંચ સમાજના લોકોને સુવિધાની જરૂરિયાત છે. ચૌધરી સમાજ તો મોડેથી OBCમાં આવ્યો. તાલુકા અને જિલ્લા કક્ષાએ યુનિટ બને એવી માગણી છે. પશ્ચિમ બંગાળ સહિત 4-5 એવાં રાજ્યો છે જેમાં વસ્તી અતિ પછાત છે છતા ક્રાઈટેરિયા અટવાતા નથી. પૈસા હશે તો વિકાસ થાય, નહીં તો ન થાય.

ઝવેરી કમિશનમાં પણ આ જ વાત કહેવામાં આવી હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં અનામતની કેટેગરી નક્કી નથી થતી એટલે ચૂંટણી આવતી નથી. ઝવેરી પંચના રિપોર્ટમાં બક્ષી પંચની વસ્તી જ બતાવી નથી. જિલ્લા તંત્રએ વસ્તીના આંકડા ખોટા આપ્યા છે. અમારી એક જ માગણી છે તમામ સમાજની ગણતરી કરી અને વર્તમાન સ્થિતિ પ્રમાણે બજેટ કે અનામતનો લાભ આપવામાં આવે. 2 ભાગની વાત નથી, વસ્તીના પ્રમાણમાં અનામત આપો. ઘણા પરિવાર ગરીબ છે. 146 સમાજ છે તેમાંથી કોણ આર્થિક પછાત છે અને કોણ નથી તેનો મને ખ્યાલ નથી.

જેમની પરિસ્થિતિ સારી નથી તેમને વધારે લાભ આપવામાં આવે. ઘણા સક્ષમ સમાજે પોતાના સંકુલો બનાવ્યા છે અને પોતાના સમાજના લોકોને ભણાવે છે પણ જે લોકો બનાવી શક્યા નથી તેની વ્યવસ્થા તો સરકારે કરવી પડે. અખિલ ભારતીય કોળી-કોરી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ ગેનીબેન ઠાકોરની માગનું સમર્થન કર્યું છે. તેમણે કોળી અને ઠાકોર સમાજ સહિતના OBC સમાજની વસ્તી ગણતરી કરવાની માગ કરી છે. તો આ મામલે ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગેનીબેને પોતાની ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે OBCની અનામતમાં પેટા અનામત રાખવી જોઈએ એ ક્યારેય શક્ય નહીં બની શકે. તેમાં બંધારણ સુધારવું પડે પણ સાંસદની ચિઠ્ઠીથી બંધારણ સુધરી શકે નહી, વિરોધ પક્ષના નેતા કે અન્ય સાથે મુકાવવું પડે. એક બાજું રાહુલ ગાંધી કહે છે કે અનામત દૂર થવું જોઈએ અને બીજી બાજું ગેનીબેન કહે છે કે અનામતમાં પેટા અનામત હોવું જોઈએ. બંનેના નિવેદનમાં મોટો વિરોધાભાસ છે એનો અર્થ એમ છે કે ગેનીબેન પોતાના હાઇકમાન્ડ સાથે ચર્ચા કર્યા વિના એમ કહે છે.

તેમણે વધુમાં કહ્યું કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે તેમાં મોટાભાગની જ્ઞાતિ OBC સમાજની છે. જેમાં એક ચોક્કસ OBC જ્ઞાતિને ખુશ કરવા પત્ર લખી બંને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની પ્રયાસ કરી રહ્યા છે.ભાજપનું મંતવ્ય જાણ્યા બાદ અમે કોંગ્રેસનું મંતવ્ય લીધું હતું. કોંગ્રેસે કહ્યું કે દેશના કરોડો લોકો જાતિગત વસ્તી ગણતરીની માગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે તેમાં મોટા ભાગની જ્ઞાતિ OBC સમાજની છે. જેમાં એક ચોક્કસ OBC સમાજને ખુશ કરવા ચિઠ્ઠી લખી બંને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp