જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહના પત્રકારો ગુજરાતના ગામડાઓમાં કેમ ફરી રહ્યા છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ એવો અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ ઘોંચમાં પડ્યો છે તેની રજેરજની જાણકારી મેળવવા જાપાનથી 90 લાખ જેટલું મસમોટું સર્કુલેશન ધરાવતા જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહ યોમીયુરી ગ્રુપનું અખબાર ધ યોમીયુરી શિમ્બુન- જાપાન ન્યૂઝ પેપર (The Yomiuri Shimbun) ના જર્નાલિસ્ટ શુ-કોમાઈન (Sho Komine) અને દિલ્હી સ્થિતિ બ્યુરો ચીફ તવકીર હુસૈન સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યાં છે.
જાપાન સરકાર આ પ્રોજેક્ટમાં રસ લઈ રહી છે અને જાપાનની ફાઈનાન્સ કંપનીના ઝીકા તેમાં રોકાણ કરવાની છે ત્યારે 2019માં શરૂ થઈને 2020માં પુરો કરવાનો ટાર્ગેટ હતો પરંતુ તે હજી સુધી જમીન સંપાદન મામલે ગૂંચમાં મુકાયો છે અને ખેડૂતો હાલ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ત્યારે ત્યાંની મીડિયા પણ સાચો ચિતાર આપવા માટે મેદાનમાં આવ્યા છે.
જાપાની અખબારના બંને પ્રતિનિધિઓએ સૌથી પહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલને મળ્યા હતા અને બુલેટ ટ્રેનમાં અવરોધ ક્યાં છે અને કયા મુદ્દાઓ છે જે ખેડૂતો ઉઠાવીને વિરોધ તથા તરફેણ કરી રહ્યાં છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓ વિવિધ જગ્યાઓ પર જઈ જેમની જમીન સંપાદિત થવાની છે તે ખેડૂતોને મળ્યા હતા અને જાણકારી મેળવી હતી. આ મામલે અમે દિલ્હી સ્થિત પ્રતિનિધિ તવકીર હુસૈન સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું.
ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે?
ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેઓને પુરતું વળતર નહીં મળવા સંબંધિત વાતોથી નારાજ છે. ખેડૂતો ઈચ્છે છે કે વર્ષ 2013માં યુપીએ સરકાર દ્વારા લવાયેલા સંપાદનના કાયદા મુજબની કાર્યવાહી રાજ્ય સરકાર કરે. નવા સંપાદિત કાયદા મુજબ 70 ટકા અસરગ્રસ્ત ખેડૂતોની સંમતિ લેવાય. જંત્રીની બજાર કિંમત મુજબ વળતર ચુકવાય. સ્થાનિક ગ્રામ પંચાયતની સહમતિ લેવાય. વગેરે મુદ્દાઓ છે.
પરંતુ ગુજરાત સરકારે આ કાયદામાં 2016માં પોતાની રીતે જે સુધારો કર્યો હતો તે મુજબ વળતર ચુકવવા માંગે છે અને કેન્દ્રના કાયદા મુજબ વર્તવા નથી માંગતી. જેને લઈને 1200 ખેડૂતો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાં થોડા હિયરિંગ બાદ તમામે વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખીને એપ્લીકેશન વિથડ્રો કરી લીધી હતી. જ્યારે હવે 40 ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના નિયમ મુજબ તમામ સંપાદિત પ્રક્રિયા પાર કરવા માંગણી કરી રહ્યાં છે અને તેમાં 21 માર્ચે કોર્ટ યા તો સ્ટે આપશે અથવા અરજી ખારિજ કરી શકે છે. ખેડૂતો કહે છે કે ગુજરાત, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્ર આમ ત્રણ સ્ટેટમાં આ પ્રોજેક્ટ સ્થાપિત થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારના નિમય મુજબ જ જમીન સંપાદનની પ્રક્રિયા થવી જોઈએ.
ખેડૂતોની જાપાનની કોર્ટમાં પણ કેસ દાખલ કરવાની તૈયારી
ગુજરાત ખેડૂત સમાજના જણાવ્યા મુજબ તેઓ જાપાનની ઝીકા કંપની કે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફાઈનાન્સ કરવાની છે તેની સામે જાપાનની કોર્ટમાં પણ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જાપાનની ઝીકા કંપનીના અધિકારીઓ પણ ખેડૂત સમાજની સાથે મિટિંગ કરવા આવી ચુક્યા છે અને તેઓએ તેમની તમામ વાત જાણીને પુરતુ વળતર મળવું જોઈએ તે રીતનું નિવેદન આપ્યું હતું. હવે જ્યારે જાપાનના સૌથી મોટા અખબારે પણ આ પ્રોજેક્ટ કેમ અટક્યો છે તે જાણીને અહેવાલ પ્રકાશિત કરવા જઈ રહ્યું છે ત્યારે જરૂર તેમાં ગરમાટો આવે એવું લાગી રહ્યું છે.
-પ્રોજેક્ટ કોસ્ટ પર નજર…
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આવેએ 2017માં આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને તેનું કામ પહેલા 2019-20થી શરૂ કરવાનું નક્કી કરી 2022માં ઓપનિંગ કરવાની યોજના બનાવી હતી. રૂ. 1.08 લાખ કરોડના કુલ ખર્ચ સાથેના આ પ્રોજેક્ટમાં જાપાન 9800 કરોડ જ્યારે ઝીકા કંપની 0.5 ટકા વ્યાજ સાથે 81 ટકા રકમ રૂ. 79,087 કરોડ આપવા સહમતિ સંધાય હતી. બાકીની રકમ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારના હિસ્સે વહેંચવામાં આવી છે. જ્યારે હવે જમીન સંપાદન મામલે કેટલાક ખેડૂતો જંગે ચઢ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ ડિલે થાય એમ છે. જેનાથી સ્વાભાવિક રીતે સ્થાનિક સરકારની સાથે જાપાની સરકાર તેમજ કંપની ચિતિંત છે અને તેનો ઉકેલ ઈચ્છે છે.
(રાજા શેખ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp