શું લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ 'શૂન્ય' પર પહોંચી જશે?

PC: navbharattimes.indiatimes.com

શું 2024ની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કોંગ્રેસ શરણાગતિ સ્વીકારશે? શું કોંગ્રેસ પાર્ટી પોતાના 16 ધારાસભ્યોને બચાવી શકશે નહીં? શું કોંગ્રેસ પાર્ટી ખરેખર વિખેરાઈ જશે અને BJP ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરશે? કોંગ્રેસ પક્ષના ખંભાતમાંથી જીતીને ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલના રાજીનામા પછી હવે અટકળોનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી ચિરાગ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો પણ રાજીનામા આપશે. ચિરાગ પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, પાર્ટીના ધારાસભ્યોમાં માત્ર અમિત ચાવડા જ રહેશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ શૂન્ય પર પહોંચી જશે. સાત દિવસમાં ગુજરાત વિધાનસભાના બે ધારાસભ્યો (1 કોંગ્રેસ, 1 AAP)ના રાજીનામાને ઓપરેશન લોટસ સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા તમામ 26 સીટો પર જીત સુનિશ્ચિત કરવા માંગે છે, જેથી પાર્ટી આ વખતે પાંચ લાખના માર્જીનથી તમામ સીટો જીતી શકે.

ગુજરાતમાં MLA તૂટવાના કારણે પહેલા AAP અને પછી કોંગ્રેસ બંને વિરોધ પક્ષો બેકફૂટ પર છે. કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પછી, AAP પાર્ટીના ધારાસભ્યો ફરીથી કેમેરા સામે આવ્યા અને પુનરોચ્ચાર કર્યો કે, તેઓ પાર્ટી છોડી રહ્યા નથી. પાર્ટીના ધારાસભ્યના રાજીનામાથી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યએ પક્ષમાં ગંભીર જૂથવાદનો આક્ષેપ કર્યો છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે, પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત મોરચે રાજ્યસભાના બે સાંસદોની નિમણૂક કરી હોવા છતાં પાર્ટીમાંથી બહાર નીકળવાનું અટકી રહ્યું નથી. આવી સ્થિતિમાં પાર્ટી પોતાની મજબૂતાઈ અને જનતામાં વિશ્વાસ કેવી રીતે મજબૂત કરશે? આમ આદમી પાર્ટીની પણ આવી જ હાલત છે. પાર્ટીએ એક ધારાસભ્ય ગુમાવ્યો છે, જ્યારે ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવા જેલમાં છે. આવી સ્થિતિમાં પાર્ટીએ આગળ વધવું જોઈએ કે પછી ઘર સંભાળવું જોઈએ.

જો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ચિરાગ પટેલનો દાવો સાચો ઠરશે અને કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપશે, તો તે કોંગ્રેસ માટે ચોક્કસપણે માથાનો દુખાવો બની રહેશે. પાર્ટી આ પહેલા જ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ગુમાવી ચૂકી છે. હવે તેમની સામે બાકીના ધારાસભ્યોને બચાવવાનો પડકાર આવ્યો છે. ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. પાર્ટી પાસે રાજ્યસભાની ત્રણ બેઠકો છે, પરંતુ એપ્રિલ 2026માં કોંગ્રેસ પાસે રાજ્યસભાની એક પણ બેઠક નહીં હોય. આવી સ્થિતિમાં જો આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટી એકપણ બેઠક જીતી નહીં શકે, તો એપ્રિલ 2026માં ગુજરાતમાંથી સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. આ સાથે રાજ્યમાં પાર્ટીના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોને બચાવવાનો પડકાર વધુ મુશ્કેલ બનશે. BJPના નેતા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં નેતાઓને ગૂંગળામણ થઈ રહી છે, પાર્ટીમાં નેતૃત્વ નામની કોઈ વસ્તુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp