યોગ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો માર્ગ છેઃ CM રૂપાણી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, યોગ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો ભારતીય સંસ્કૃતિએ પ્રશસ્ત કરેલો માર્ગ છે. યોગ એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી ચિકિત્સા પધ્ધતિ છે જેનો આજે સમગ્ર વિશ્વ સાક્ષાત્કાર કરી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપીસ્ટના યોગ ચિકિત્સા અંગે રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોગ શરીર, મન, બુધ્ધિ અને આત્માને શુભ ભાવમાં લઇ જતો અદભૂત માર્ગ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અન્ય સંસ્કૃતિઓમાં ફક્ત શારિરીક ક્રિયાઓને સ્થાન છે જ્યારે ભારતીય સંસ્કૃતિ મનથી આત્મા અને આત્માથી પરમાત્મા સુધીના ઐક્યના અનુસંધાનનું દર્શન કરાવે છે.

દુનિયા આખી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહી છે તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યોગને વૈશ્વિક સ્વિકૃતિ મળી છે અને ભારતનું માન-સન્માન યોગને લીધે વધ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઋષિ-મુનિઓએ યોગની વિરાસત આપણને વારસામાં આપી છે. જેના વડે સમગ્ર દુનિયા તંદુરસ્ત અને તણાવમુક્ત બની રહી છે. સારા ભાવ અને સારા વિચાર સાથે સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને સૌને સન્માન આપવાના ભાવ સાથે યોગ સુસંસ્કૃત સમાજ રચનામાં ચોક્કસ યોગદાન આપશે.

તેમણે કહ્યું કે, દુનિયાને યોગનું ઘેલું લાગ્યું છે ત્યારે આજે યોજાયેલ પરિસંવાદથી યોગના નવા દ્રષ્ટિકોણનો આવિર્ભાવ થશે અને તેના દ્વારા ધ્યાનથી સમાધિ અને સમાધિથી મોક્ષની ભારતીય સંસ્કૃતિની કલ્પના સાકાર થશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, યોગ એ રોગ ભગાવવા સાથે સૌને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવે છે. તેમણે યોગ થેરાપીસ્ટોનું મોમેન્ટો આપીને સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે એલાયન્સ ઓફ યોગ થેરાપીસ્ટ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી બીરજુ મહારાજ, અદાણી ફાઉન્ડેશનના પ્રીતિ અદાણી, પુનીતા આચાર્ય, સંજીવ ત્રિવેદી તથા દેશભરમાંથી આવેલા યોગ થેરાપીસ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp