ખેડામાં આયુર્વિદેક સિરપ પીવાને કારણે 5ના મોત, 4 મોત સુધી પોલીસને જાણ નહોતી કરાઇ

PC: divyabhaskar.co.in

ગુજરાતના ખેડામાં આયુર્વિદેક સિરપ પીવાને કારણે 5ના મોતની ઘટનાએ રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. માત્ર બે દિવસમાં નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે 4 મોત થયા સુધી તો પોલીસને જાણ પણ નહોતી કરવામાં આવી. 5મું મોત થયા પછી પોલીસને ખબર પડી અને તપાસ શરૂ થઇ. બિલોદરની એક કરિયાણાની દુકાનમાં વેચાતી આયુર્વિદેક સિરપ મૃતકોએ લીધી હતી. જે દુકાનદાર આ સિરપ વેચતો હતો તેના પિતાએ પણ સિરપ પીધેલી અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિરપ પીવાને કારણે મિતેષ ચૌહાણ, અશોકભાઇ, નટુભાઇ અને અર્જુનભાઇ અને અલ્પેશ સોઢાના મોત થયા હતા.

ખેડાના SP રાજેશ ગઢિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ મોત થયા હોવાની માહિતી મળતા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન એવી માહિતી મળી હતી કે બગડુ ગામના એક પ્રસંગમાં મિતેષ ચૌહાણ નામની વ્યકિતને છાતીમાં દુખાવો થતા મોત થયું હતું અને મિતેષની અંતિમ યાત્રામાં ગયેલા બનેવી અલ્પેશ સોઢાને પણ છાતીમાં ધુખાવો થતા તેમનું પણ મોત થયું હતું. એ રીતે 4 મોત સુધી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જ્યારે 5મા દર્દી નટુભાઇને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પોલીસને જાણ થઇ હતી. પોલીસે નટુભાઇના પરિવારને પોસ્ટમોર્ટમ કરવા સમજાવ્યા હતા.

SPએ આગળ કહ્યું હતું કે બિલોદરા ગામમાં સિરપ વેચનાર કિશોરભાઇ સોઢા ફરાર હતા, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. કિશોર સોઢાએ જણાવ્યું હતું કે તેણે સિરપ માત્ર ગામના લોકોને જ આપી હતી. બગડું ગામમાં તેણે સિરપ વેચી નથી. ફુડ એન્ડ ડ્ગ્સ વિભાગ પણ તપાસમાં જોડાઇ છે.

પોલીસે કહ્યું કે, દુકાનદાર 100 રૂપિયામાં સિરપ લાવીને 130 રૂપિયામાં વેચતો હતો. દુકાનદાર કિશોર સોઢીના પિતા શંકરલાલ પણ સિરપ પિવાને કારણે બિમાર પડ્યા હતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

SPએ કહ્યુ કે આ આયુર્વેદિક સિરપમાંથી મિથાઇલ આલ્કોહલ મળી આવ્યું હતું, પરંતુ ઇથાઇલ આલ્કોહલ મળ્યું નહોતું. હવે એ તપાસનો વિષય છે કે સિરપમાં મિથાઇલ આલ્કોહલ આવ્યું કેવી રીતે? તપાસમાં જાણવા મળ્યુ કે 50થી વધારે લોકોએ આ સિરપ પીધી છે કારણકે તે શરદી માટે ઉપયોગમાં આવે છે. પોલીસે બધાની યાદી બનાવીને તેમને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp