અભ્યાસ કરતા બાળકને હાર્ટ એટેક આવશે તો બચાવશે જીવ, AIIMSની કાર્યવાહી ચાલુ
ભારતમાં હાલતા-ચાલતા થતા હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓને રોકવા માટે મોટી તૈયારીઓ ચાલી રહી છે. માત્ર ડોકટરો જ નહીં પરંતુ ટૂંક સમયમાં શાળાઓમાં ભણતા 6ઠ્ઠા ધોરણના બાળકો પણ હાર્ટ એટેકના કિસ્સામાં તરત જ એક્શન લેતા જોવા મળશે અને દર્દીઓનો જીવ બચાવશે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીએ કાર્ડિયાક અરેસ્ટના કેસમાં તાત્કાલિક પગલાં લેવા માટે ફોર્મ્યુલા અને ભલામણો આપી છે, જેના આધારે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
AIIMSના ઇમરજન્સી મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. સંજીવ ભોઈ, જેમણે તાજેતરમાં હૃદયરોગના હુમલા અને કાર્ડિયાક અરેસ્ટને નિયંત્રિત કરવા માટે જરૂરી CPR પર ICMR દ્વારા ભંડોળ પૂરું પાડ્યું હતું, તેમણે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે, દિલ્હીની 15 શાળાઓમાં 6ઠ્ઠાથી 12મા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, લગભગ 3 વર્ષ સુધી 4500 બાળકો પર કરવામાં આવેલા પરિણામો પછી, AIIMSએ દેશભરની શાળાઓમાં બાળકોને CPR તાલીમ આપવા માટે ભલામણો આપી છે.
ડો. ભોઈએ જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન ધોરણ 6થી જ બાળકોને હૃદયરોગનો હુમલો આવે તો દર્દીને તાત્કાલિક કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન કેવી રીતે કરવું તે વિશે માહિતી આપવામાં આવી હતી અને તેને પ્રેક્ટિકલી કરવાનું કૌશલ્ય પણ શીખવવામાં આવ્યું હતું. આ દરમિયાન, એવું જોવામાં આવ્યું કે, 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓના વધુ સારા વજન એટલે કે બોડી માસ ઇન્ડેક્સને કારણે, તેમણે એક પ્રશિક્ષિત ડૉક્ટરની જેમ શ્રેષ્ઠ રીતે CPR આપ્યું. જ્યારે 6ઠ્ઠા ધોરણથી ઉપરના નાના બાળકોએ પણ માહિતીનો સારો ઉપયોગ કર્યો હતો. આનાથી સ્પષ્ટ થયું કે, જો આ બાળકોને CPRની તાલીમ આપવામાં આવે તો તેઓ ગમે ત્યાં કાર્ડિયાક અરેસ્ટથી પીડિત લોકોનો જીવ બચાવવામાં સફળ થઈ શકે છે.
AIIMS દ્વારા આ અભ્યાસના પરિણામો પછી AIIMS અને WHOના સહયોગી કેન્દ્ર ફોર ઈમરજન્સી એન્ડ ટ્રોમા કેરે સંયુક્ત રીતે સમગ્ર દેશમાં તમામ શાળાઓમાં CPR મોડ્યુલ કૌશલ્યનો અમલ કરવા અને શારીરિક શિક્ષણ ઉપરાંત પરીક્ષા પ્રણાલીમાં તેનો અમલ કરવાની ભલામણ કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, 30થી વધુ દેશોમાં શાળાના બાળકોને CPRની તાલીમ આપવામાં આવી રહી છે, પરંતુ ભારતમાં હજુ સુધી એવું નથી.
ડૉ. ભોઈએ જણાવ્યું કે AIIMS અને WHOની આ ભલામણો પર નીતિ આયોગના સભ્ય ડૉ. V.K. પૉલ અને NCERTના ડિરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાની, ડૉ. કે. મદન ગોપાલ, સલાહકાર, NHRSC, શીખવાના મોડ્યુલ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં CPR તાલીમનો સમાવેશ કરવા સંમત થયા છે. આ સંસ્થાઓ ટૂંક સમયમાં આ અંગે મોટા પગલા લઈ શકે છે.
એટલું જ નહીં, સાયન્સ લેબની જેમ તમામ શાળાઓમાં CPR લેબ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે અને તે CPR પ્રશિક્ષિત શારીરિક શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે. જેથી બાળકોને CPR કેવી રીતે આપવું તે આવડે અને તેના વિશે જાણવાની સાથે તેને ગંભીરતાથી લઈ માર્ક્સ સિસ્ટમમાં ઉમેરી શકાય.
ડો.ભોઇએ જણાવ્યું હતું કે, આંકડા મુજબ ભારતમાં દર મિનિટે બે વ્યક્તિના મૃત્યુ વિવિધ કારણોસર હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટને કારણે થાય છે. આવી સ્થિતિમાં દર વર્ષે દેશમાં લગભગ 45 લાખ લોકો આના કારણે જીવ ગુમાવે છે. આમાં, યુવાનોની સંખ્યા પણ ઘણી વધારે છે, પરંતુ જો દર્દીને કાર્ડિયાક અરેસ્ટની 10 મિનિટમાં તાત્કાલિક CPR સપોર્ટ મળી જાય, તો મૃત્યુ અડધાથી ચોથા ભાગ સુધી ઘટાડી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp