ઓરીના કારણે મોતની સંખ્યા વધી રહી છે, બાળકોમાં જોખમ, WHOના રિપોર્ટમાં ખુલાસો
WHOનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઓરીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને બાળકોમાં મોતનું પ્રમાણ વધી રહ્યું છે. આ અહેવાલ તમને ડરાવવા માટે નથી, પરંતુ તમે સાવચેતી રાખી શકો અને તમારા વ્હાલસોયા બાળકોની ત્વરિત સારવાર કરી શકો તેના માટે છે. ઓરીના કેસો વધવાનું કારણ એ છે કે કોરાના મહામારીના સમયમાં રસીકરણ અટકી ગયું હતું.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને Centers for Disease Control and Prevention( CDC) દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઓરીના દર્દીઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી, સમગ્ર દુનિયામાં ઓરીના રસીકરણમાં ઘટાડો થયો છે, જેના કારણે મૃત્યુઆંકમાં 43 ટકાનો વધારો થયો છે.
ઓરી એ વાયરલ તાવ છે જે હવા દ્વારા ફેલાય છે અને પ્રથમ ફેફસાં પર હુમલો કરે છે. ઓરીનો તાવ બાળકો પર સૌથી વધુ ઝડપથી હુમલો કરે છે. હવે WHO દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિશ્વભરમાં ઓરીના કારણે મોતની સંખ્યામાં અચાનક વધારો થયો છે. વર્ષ 2021-2022 ની વચ્ચે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓરીના કારણે મોતના કેસોમાં લગભગ 43 ટકાનો વધારો થયો છે. જેમાં લગભગ 1.36 લાખ મોત થયા છે અને તેમાંથી મોટાભાગના બાળકો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સંયુક્ત રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ઓરીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેનું કારણ રસીકરણનો અભાવ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2022 થી આ વર્ષે ઓરીના કેસોમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે. આંકડાઓ પર નજર કરીએ તો 2022માં વિશ્વભરમાં લગભગ 90 લાખ લોકો ઓરીનો ભોગ બન્યા હતા. વર્ષ 2021માં વિશ્વના લગભગ 22 દેશોમાં ઓરીના દર્દીઓ જોવા મળ્યા હતા, જે હવે 2022માં 37 દેશોમાં પહોંચી ગયા છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઓરીથી છુટકારો મેળવવા માટે હજુ લાંબી લડાઇ લડવી પડશે. આ ખુબ ઝડપથી સંક્રમિત કરતો રોગ છે. બધા દેશોઓ રસીકરણ પર ભાર મુકવો પડશે.
ઓરીના રસીકરણ માટે બે ડોઝ આપવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે વર્ષ 2021-22ની વચ્ચે લગભગ 3.3 કરોડ બાળકો રસીકરણથી વંચિત રહી હયા હતા. લગભગ 2.2 કરોડ બાળકોને પહેલો ડોઝ અને 1.2 કરોડ બાળકોને બીજો ડોઝ આપી શકાયો નહોતો.
ગયા વર્ષે, 83 ટકા બાળકોને ઓરીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને 74 ટકા બાળકોને માત્ર બીજો ડોઝ મળ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp