ગરબા રમીને આવ્યા પછી છાતીમાં દુખાવો થયો, નવસારીના યુવકનું હાર્ટ ઍટેકથી નિધન

PC: abplive.com

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થવાને કારણે ચિંતા ઉભી થયેલી છે. ક્રિક્રેટ રમતા રમતા, પ્રેકટીસ કરતા કરતા, વરઘોડાના નાચતા નાચતા અને હવે નવરાત્રિમાં પ્રેકટીસ કરતી વખતે અને ગરબા રમતા રમતા યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા હોવાના કેસો સામે આવી રહ્યા છે. નવસારીમાં ગરબા રમીને આવ્યા પછી 31 વર્ષના એક યુવાનને છાતીમા દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં યુવાનને લઇ જવાયો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતું.

જાણવા મળેલી વિગત મુજબ નવસારીમાં રહેતો 31 વર્ષનો યુવાન મૃણાલ શુક્લા ગરબા રમીને ઘરે આવ્યો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. મૃણાલને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું હાર્ટએટેકને કારણે મોત થયું છે.

આ પહેલા સુરતના હજીરા વિસ્તારમાં એક 25 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકુમાર શાહ નામનો યુવાન કોલસો ભરતો હતો ત્યારે તેની તબિયત બગડી હતી.

સુરતનો જ અન્ય કિસ્સો છે જેમાં યુવાનનું મોત થયું હતું. નવરાત્રિ જે દિવસે શરૂ થઇ તે દિવસે એટલે કે 15 ઓકટોબરે સુરતના ઇચ્છાપોરમાં રહેતો એક યુવક માતાજીની પ્રતિમા લેવા ગયો હતો તે વખતે હાર્ટએટેકથી તેનું મોત થયું હતું. આ યુવાન ડાયમંડની ઓફિસમાં કામ કરતો હતો.

નવરાત્રિના એક દિવસ પહેલા વડોદરાના પાદરામાં પણ એક યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું.

ગોધરામાં પણ 15 ઓકટોબરે કોલેજમાં કર્લાક તરીકે ફરજ બજાવતા યુવાનનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું.

સુરતમાં ગરબાની પ્રેકટીસ કરતા એક 26 વર્ષના યુવાનનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું હતું. આ યુવાન તંદુરસ્ત હતો અને થોડા સમય પછી લંડન ભણવા જવાનો હતો. રાજ્યમાં માત્ર છેલ્લાં એક મહિનામાં જ 10 થી વધારે યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા છે.

નવરાત્રી પહેલા હાર્ટએટેકનું પ્રમાણ વધવાને કારણે અમદવાદ મેડિકલ એસોસિયેશને ખેલૈયાઓ માટે કેટલીક ગાઇડલાઇન્સ પણ જારી કરેલી છે. આયોજકોએ પણ ગરબાના સ્થળે મેડિકલ ટીમ રાખવાની વિનંતી કરવામાં આવી હતી.

અમદાવાદ મેડિકલ એસોસિયેશને ગાઇડલાઇન્સમાં કહ્યું છે કે જો તમારી ઉંમર 40 વર્ષ કરતા વધારે હોય અને તમે નિયમિત કસરત કરતા નથી અને તમારા ફેમિલીમાં હાર્ટએટેકની હિસ્ટ્રી છે તો ગરબા રમતા પહેલાં અવશ્ય ડોકટરને બતાવીને જ ગરબા રમવા જજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp