Dry Eyes માટે મુકાતા ડ્રોપ્સ જ વધારી રહ્યા છે સમસ્યા, વધારે ઉપયોગ કર્યો તો...

PC: grandjunctioneyecare.com

સતત લેપટોપ કે ડેસ્કટોપની સ્ક્રીન પર સમય વીતાવવાના કારણે આંખોમાં બળતરા, ખંજવાળ જેવી સમસ્યાઓ આવે છે. ડૉક્ટર્સ તેને ડ્રાય આઈ કહે છે અને આઈ ડ્રોપ લખી આપે છે. પરંતુ, આઈ ડ્રોપ્સનો વધુ પડતો ઉપયોગ તમારી ડ્રાઈ આઈની સમસ્યા તો દૂર નથી કરતો પરંતુ, બીજી સમસ્યાને નોંતરી જરૂર શકે છે. કમ્પ્યુટર અથવા મોબાઈલ પર વધુ સમય વિતારનારી દરેક ચોથી વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી છે. ડ્રાય આઈથી રાહત માટે લોકો જે આઈ ડ્રોપનો ઉપયોગ કરી રહ્યા છે, તેમા રહેલા પ્રિઝર્વેટિવ્ઝ જ આ બીમારીને વધુ વધારી રહ્યા છે. કેનેડાની વાટરલૂ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનમાં આ આઈ ડ્રોપ્સના લાંબા સમય સુધી ઉપયોગના દુષ્પરિણામ અને તેના કારણો સામે આવ્યા છે. એટલું જ નહીં, સતત લાંબા સમય સુધી આ ડ્રોપ્સનો ઉપયોગ બીમારીને એટલી ગંભીર બનાવી શકે છે કે તમને સર્જરીની જરૂર પડી જાય.

જે ઝડપથી કમ્પ્યુટર અથવા લેપટોપ દરેક નોકરીનો હિસ્સો બનતા જઈ રહ્યા છે અને જે ગતિથી મોબાઈલ સ્ક્રીન પર સમય વધી રહ્યો છે, એ જ સ્પીડથી ભારતમાં ડ્રાઈ આઈ ડિસીઝના મામલા પણ વધી રહ્યા છે. ઈન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીના 2018ના રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતના 32% લોકો ડ્રાઈ આઈઝથી પીડિત હતા. હવે આ આંકડો હજુ વધી ગયો છે. પરંતુ, આ બીમારીની ઓળખ અને તેની સારવારમાં બેદરકારી ઘાતક સાબિત થઈ શકે છે.

ડ્રાઈ આઈમાં ઉપયોગમાં લેવાતા આઈડ્રોપ્સના તત્વોથી આંખોને નુકસાન નથી પહોંચતું. પરંતુ, આ ડ્રોપ્સની બાટલીઓમાં બેક્ટેરિયલ ગ્રોથ અટકાવવા માટે કેટલાક પ્રઝર્વિટિવ્ઝનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રિઝર્વેટિવ્ઝ આઈ ડ્રોપ્સની ઉંમર વધારે છે પરંતુ, તેના સતત ઉપયોગથી કોર્નિયાની પરત એટલે કે TEAR FILMને નુકસાન પહોંચે છે. કેનેડાની વાટરલૂ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઓક્યુલર રિસર્ચ એન્ડ એજ્યુકેશનની શોધકર્તા કેરેન વૉલ્શ અને લિંડન જોન્સના જણાવ્યા અનુસાર, ડ્રાઈ આઈ ડિસીઝમાં કોર્નિયાની સપાટીને નુકસાન પહોંચે છે અને સાથે જ તેની ઉપરની TEAR FILM પણ અસ્થિર થઈ જાય છે. પ્રિઝર્વેટિવ્ઝના કારણે આ લક્ષણ ઘટતા નથી, પરંતુ વધુ બગડી જાય છે.

ઈન્ડસ્ટ્રીઆર્કના એક અધ્યયન અનુસાર, દુનિયામાં આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવાના કારણે હંમેશાં બીમારી નથી થતી. તેના અધ્યયન અનુસાર, 52% લોકો આંખોની બીમારીઓની સારવાર માટે ડ્રોપ્સનો ઉપયોગ કરે છે. જ્યારે, 39% લોકો માત્ર આંખોની સંભાળના ઉદ્દેશ્યથી આઈ ડ્રોપ્સ લઈ લે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, સ્વસ્થ આંખોમાં લાંબા સમય સુધી આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવે તો પ્રિઝર્વેટિવ્ઝના કારણે ડ્રાઈ આઈ ડિસીઝના લક્ષણ દેખાવા માંડશે.

આઈ સર્જન ડૉ. સુરેશ પાંડે જણાવે છે કે, જો પ્રિઝર્વેટિવ્ઝવાળા આઈ ડ્રોપ્સનો ઉપયોગ લાંબા સમય સુધી કરતા રહે તો કોર્નિયલ ઈપિથિલિયલ ટૉક્સિસિટી નામની બીમારી થઈ શકે છે. આમ તો, સ્વસ્થ વ્યક્તિમાં આ બીમારી દુર્લભ છે, પરંતુ આઈ ડ્રોપ્સના પ્રિઝર્વેટિવ્ઝના કારણે લાંબા સમયમાં આ બીમારી થઈ શકે છે. તેની સારવાર માત્ર સર્જરીથી જ સંભવ છે. 2017માં દુનિયાભરમાં આઈ ડ્રોપ્સનું બજાર 12.47 હજાર કરોડ હતું. 2022 સુધી તે 15.66 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હવે 2025 સુધી તે 18.06 હજાર કરોડ સુધી પહોંચવાની આશા છે. આ બજારમાં સૌથી મોટી હિસ્સેદારી ડ્રાઈ આઈ સિંડ્રોમ સાથે સંકળાયેલા આઈ ડ્રોપ્સની છે. ઈન્ડસ્ટ્રીઆર્કની સ્ટડી અનુસાર, આ બજાર સૌથી ઝડપથી એશિયા પેસિફિક ક્ષેત્રમાં વધી રહ્યું છે.

ડ્રાઈ આઈ સિંડ્રોમમાં ઉપયોગમાં લેવાતા તમામ આઈ ડ્રોપ્સ પ્રિસ્ક્રિપ્શન વિના સરળતાથી ઓવર ધ કાઉન્ટર ઉપલબ્ધ છે. લોકો મોટાભાગે શરૂઆતી લક્ષણો અને એકબીજાની સલાહ પર આઈ ડ્રોપ લેવાનું શરૂ કરી દે છે. જ્યારે એ જાણવુ જરૂરી છે કે લક્ષણ ખરેખર ડ્રાઈ આઈ ડિસીઝના છે કે પછી કોઈ અન્ય કારણ છે. બીમારી થવા પર પણ તેની ગંભીરતા પ્રમાણે જ ડૉક્ટર જણાવે છે કે ડ્રોપ્સનો ઉપયોગ કેટલીવર અને ક્યાં સુધી કરવાનો છે. બજારમાં પ્રિઝર્વેટિવ્ઝવાળા આઈ ડ્રોપ્સ પણ આવે છે, પરંતુ શેલ્ફ લાઈફ ઓછી હોવાના કારણે મોંઘા હોય છે. આથી, સારું એ રહેશે કે કોઈપણ આઈ ડ્રોપ શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp