સુરત મહાનગર પાલિકા કહે છે ડેન્ગ્યુનો એક પણ કેસ નથી, ડૉક્ટરો કહે છે 60% જેટલા...
સુરતમાં ડેંગ્યુનો વાવર ચાલી રહ્યો છે, એ વિશે અમને તો થોડા ઇન્પૂટ મળ્યા તો અમે ડેંગ્યૂના સત્ય વિશે જાણવાની કોશિશ કરી અને પાલિકાના અધિકારીઓ અને ડોકટરો સાથે વાત કરી.શહેરના 4થી 5 ડોકટરો સાથે અમે વાત કરી, પરંતુ તેમણે નામ નહીં છાપવાની શરતે કહ્યું કે, સુરતમાં અત્યારે જેટલા પણ કેસો આવી રહ્યા છે તેમાંથી 60થી 70 ટકા કેસો ડેંગ્યૂના હોય છે. શહેરના આરોગ્યની જવાબદારી સુરત મહાનગર પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે છે અને ડેંગ્યુને કંટ્રોલ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે, એટલે ડોકટરોના દાવાને તપાસવા માટે અમે પાલિકાના મેડિકલ ઓફિસર ડો. પી. એચ. ઉમરીગરને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, પાલિકાની મુખ્ય ઓફિસ પર આજે સાંજે 5 વાગ્યે આવો તમને જે માહિતી જોઇતી હશે તે મળશે.
અમે 5 વાગ્યે પાલિકાની હેલ્થ ઓફિસે પહોંચી ગયા હતા અને ડો. ઉમરીગરને મળ્યા હતા. તેમણે કહ્યું કે, ડેંગ્યૂ તો ખતમ થઇ ગયો, હવે એક પણ કેસ નથી ડેંગ્યૂના. અમે કહ્યુ કે શહેરના ડોકટરો તો કહે છે કે, 60 ટકાથી વધારે કેસ છે. ડો. ઉમરીગરે કહ્યું કે, એ મને ખબર નથી, પરંતુ તમે થોડા દિવસો પહેલાં પુછ્યું હતે તો એ વખતે શહેરમાં ડેંગ્યૂના 60 ટકાથી વધારે કેસ હતા, હવે નથી.
ડો. ઉમરીગરની સાથે વાત કરતા પહેલાં અમે સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ પરથી માહિતી મેળવી હતી. છેલ્લાં 10 દિવસમાં ડેંગ્યૂના ઝીરો ઝીરો કેસ બતાવવામાં આવ્યા છે. બીજી એક ચોંકાવનારી વાત એ છે કે છેલ્લાં 2005થી અત્યાર સુધીમાં મચ્છરજન્ય રોગથી એક પણ મોત થયા નથી એવું બતાવ્યું છે.
એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યુ હતું કે, માર્ચ 2023થી સુરત મહાનગર પાલિકાની આરોગ્યની વિગત અપડેટ કરવામાં નથી આવી. પહેલાં મસ્કતી હોસ્પિટલમાં ઓફિસ હતી હવે ખજોદમાં ઓફિસ લઇ જવામાં આવી એટલે વેબસાઇટ અપડેટ થઇ શકી નથી.
સુરત મહાનગર પાલિકા મેલેરિયા માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને વેબસાઇટ માટે હજારો રૂપિયાના પગારદારો રાખ્યા છે છતા આવી પોલમપોલ ચાલે છે.
મેલેરિયાના એક નિષ્ણાતે અમને કહ્યું કે, ડેંગ્યૂ મચ્છરની આ સિઝન છે, ભેજવાળું વાતાવરણ હોય અને લઘુતમ તાપમાન વધારે હોય ત્યારે ડેંગ્યૂ મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે. ડેંગ્યુ મચ્છરનો સ્વભાવ એવો છે કે તે દિવસમાં જ કરડે છે અને બીજાને પણ ચેપ ફેલાવે છે, જ્યાં વધારે લોકો હોય ત્યાં ડેંગ્યૂ ઝડપથી ફેલાય છે. ડેંગ્યુ માટે હજુ સુધી કોઇ એન્ટીબાયોટીક શોધાઇ નથી.માત્ર તેના લક્ષણોને આઘારે જ સારવાર કરવી પડે છે.
ડેંગ્યૂ ઘરમાં પાણી જૂનુ થાય તેમાંથી થાય છે, એટલે આપણી પણ જવાબદારી છે કે ઘરમાં કે આજુબાજુમાં પાણી ભેગું ન થાય તે જોવું પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp