રોજ દારૂ પીવે છે છતા 113 વર્ષ ઉંમર, જણાવ્યું લાંબી ઉંમરનું રહસ્ય

PC: twitter.com

વેનેઝુએલાના જુઆન વિસેંટ પેરેઝ મોરાસ નામના વ્યક્તિનું નામ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ ગિનીઝ વર્લ્ડ બુકમાં નોંઘવામાં આવ્યું હતુ. તેમની લાંબી ઉંમરનું સિક્રેટ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ વ્યક્તિને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે જાહેર કરાયો હતો. આ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની દવા લીધી નથી. લાંબુ જીવન જીવવા માટે કસરત કરવી, હેલ્ધી ફૂડ ખાવું, વગેરે વગેરે લોકો દ્વારા કહેવામાં આવે છે ત્યારે પેરેઝ કઈ રીતે આટલું લાંબુ જીવન જીવે છે તે જાણવું લોકો માટે રસપ્રદ છે. 

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે વેનેઝુએલાના જુઆન વિસેંટ પેરેઝ મોરસની દુનિયાના સૌથી વૃદ્ધ પુરુષના રૂપમાં જાહેરાત કરી છે. પેરેઝનો જન્મ મે 1909મા થયો હતો. હાલમાં તેની ઉંમર 113 વર્ષ છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે, લાંબી ઉંમર માટે હેલ્ધી ડાયટ ઘણું જરૂરી હોય છે. પરંતુ પેરેઝ માટે એવું જરા પણ નથી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પેરેઝ 113 વર્ષના થયા બાદ પણ એકદમ સ્વસ્થ છે અને દરરોજ દારૂનો એક સ્ટ્રોંગ પેગ પીવે છે.

વેનેઝુએલાના તચિરા રાજ્યમાં સેન જોસ ડી બોલિવારના એક દવાખાનાના ડૉક્ટર એનરિક ગુઝમેને કહ્યું કે, ઉંમર વધારે હોવાના કારણે તેમને હાઈ બ્લડપ્રેશર અને સાંભળવામાં થોડી પરેશાનીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, તે એકદમ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની કોઈ દવા લેતા નથી. પોતાની લાંબી ઉંમરનું રહસ્ય જાહેર કરતા પેરેઝે એકવાર કહ્યું હતું કે, લાંબા જીવન માટે એક સિક્રેટ છે, ખુબ મહેનત કરવી, રજાના દિવસોમાં આરામ કરવો, વહેલા સૂઈ જવું, દરરોજ એક ગ્લાસ દારૂ પીવો, ભગવાનને પ્રેમ કરવો અને હંમેશાં તેમને પોતાના હ્રદયમાં રાખવા.

પેરેઝ ઘણા ધાર્મિક પણ છે. તેઓ દરરોજ દિવસમાં બે વખત પ્રાર્થના કરે છે.  પેરેઝના જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ એડિયોફીના ડેલ રોસારિયો ગાર્સિયા હતું. તે બંને 60 વર્ષ સાથે રહ્યા. 1997મા પેરેઝની પત્નીનું અવસાન થયું હતું. પેરેઝ અને એડિયોફીનાના 11 છોકરાઓ જેમાં 6 દિકરા અને 5 દીકરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp