26th January selfie contest
BazarBit

પોતાની બેદરકારીએ જ હીરા ઉદ્યોગ આવ્યો કોરોનાની અડફેટમાં, જુઓ વીડિયો

(રાજા શેખ).કોરોનાકાળમાં અનલોક-1 બાદ શરૂ થયેલો હીરા ઉદ્યોગ ખુદની જ લાપરવાહીને કારણે કોરોના ચેપની અડફેટમાં ચઢ્યો હોવાનું અનેક ઉદાહરણ પરથી ફલિત થઈ રહ્યું છે. અનલોક બાદ રત્નકલાકારો અને તેના પરિવારજનો સહિત 700 લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે અને તે સતત ફેલાઈ રહ્યો છે ત્યારે મનપા કમિશનર બી.એસ.પાનીએ હવે વધુ જોખમ ન લેતા કતારગામ ઝોન અને વરાછા ઝોનના શરૂ થયેલા પૈકી ચેપગ્રસ્ત લગભગ 80 ટકા યુનિટોને તાળા મારવાનો તેમજ આ વિસ્તારની ખાણી-પીણી સહિતની દુકાનો-રેસ્ટોરન્ટને પણ સાત દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લઈ લીધો.

હીરા ઉદ્યોગમાં કેમ ઝડપથી ફેલાયો કોરોનાનો ચેપ? તેના માટે કોણ જવાબદાર છે? શું તંત્રની કામગીરી ઢીલી રહી? શું ઉદ્યોગકારો અને રત્નકલાકારોએ કોઈ ચુક કરી? શું રાજકીય દબાણવશ ત્યાં અનદેખી કરાય? અનેક પ્રશ્નો છે તેનો જવાબ અમે અહીં મેળવવાનો પ્રયાસ કર્યો અને તે પૈકી કેટલાક પુરાવા પણ અમને હાથ લાગ્યા. મળેલા કારણો એવા છે કે જે આખા શહેરમાં જ કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવવા માટે પણ નીમિત કહીં શકાય.

કારણ: 1: મનપાએ સાથે અનેક બેઠકો પણ નિયમો ન પાળ્યા, મજબૂરીમાં રત્નકલાકારોએ કામ કર્યું

સુરતના વૈશ્વિક કહેવાતા હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને કોરોનાની ઝાંખપ લાગતા તેને અઢી માસે ચાલુ કરવાનો નિર્ણય તો લેવાયો અને તે માટે હીરા ઉદ્યોગકારો સાથે સુરત મહાનગર પાલિકાએ અનેક બેઠકો કરી. વિશ્વ આરોગ્ય સંસ્થા અને સરકારી તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની ખાતરી આપી પણ યુનિટો પર તેનો અમલ નહીંવત જોવા મળ્યો. થર્મલ સ્ક્રીનિંગ, લગાતાર સેનેટાઈઝિંગ, માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા અને એકબીજાથી અંતર રાખવાનું જોવા ન મળ્યું. એક હીરા અનેક હાથમાં ફરતો હોવાથી અને રત્નકલાકારો એક ઘંટી પર બેની જગ્યાએ ચાર બેસતા હોવાનું પણ સામે આવ્યું.

ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંક સીધો આરોપ લગાવતા કહે છે કે, માલિકોએ પોતાની વધુ કમાણી અને ફાયદા માટે રત્નકલાકારોના જીવ જોખમમાં મુક્યા અને નિયમો ન પાળ્યા. રત્નકલાકારોને લોકડાઉન દરમિયાન આ જ ઉદ્યોગકારોએ પગાર ન આપ્યો. આર્થિક મદદ ન કરી અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ ન કરી. જેથી, આર્થિક તંગી અનુભવતો રત્નકલાકાર માલિકની મરજી મુજબનું કામ કરવા મજબૂર બન્યો અને ચેપનો ભોગ બન્યો. ઘણાં રત્નકલાકારોને છુટા કરી દેવાનો ખોફ હોવાથી તેઓ ઝડપથી કામ પર ચઢી ગયા. બિમાર, ખાંસી-શરદી અને ફિવરવાળા કારીગરો પણ કામે આવ્યા પણ તેને રોકનાર કે જોનાર કોઈ નહોતું,. સિક્યુરિટી ગાર્ડને થર્મલ સ્કેનર અપાયું હતું પણ કેટલા શરીરના તાપમાને ન પ્રવેશ આપવો તેનું તેને કોઈ જ્ઞાન જ ન હતું.    

કારણ: 2 રાજકીય દબાણ:

ડાયમંડ ઉદ્યોગના સૂત્રો કહે છે કે, સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ કોઈ યુનિટમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચેક કરવા જાય છે તો પહેલા તો તેઓને પુરતો સહકાર આપવામાં આવતો નથી અને ઉદ્યોગકારો સીધા જ કોઈ રાજકીય આકાને કોલ જોડીને વાત કરાવી દે છે. જેથી, નિયમો ન પણ પડાતા હોય તો ત્યાંથી મનપાની ટીમે સૂચના આપી ચૂપચાપ નીકળી જવાનું હોય છે. આવી ખોટી ફેવર મનપાના કેટલાક પદાધિકારીઓએ પણ કરી છે જેના કારણે કોરોના ચેપ વધ્યો હોવાનું કહેવાય છે.

કારણ: 3 દંડ પુરતી સિમિત કાર્યવાહી:

હીરા ઉદ્યોગ શરૂ થયો તે વખતે રોજ મનપાની ટીમ ચેકિંગ કરતી હતી  અને આજે પણ કરે છે. મનપાએ અત્યારસુધી ઘણાં યુનિટોને નિયમોનું પાલન ન કરવા બદલ રૂ. 11000નો દંડ ફટકાર્યો છે અને જે માળ પર કેસ નોંધાયો તે વિભાગ જ બંધ કર્યો છે. દંડ વસૂલવાની સાથે નિયમોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઈતું હતું પરંતુ તે ન થયુ હોવાનું કેસ પરથી લાગી રહ્યું છે.

આ અંગે નગર સેવક વિજય પાનસેરિયા કહે છે કે, ડાયમંડ વર્કર્સ કોરોના પોઝિટિવ વધુ આવ્યા તે ઉદ્યોગકારોની લાપરવાહીને કારણે જ આવ્યા છે. આ વર્કર સુપર સ્પ્રેડર નહીં સાઈલન્ટ સ્પ્રેડર છે. ઘણાં ઉદ્યોગકારો નિયમો મુજબ નહીં ચાલ્યા અને યુનિટ પાંચ વાગ્યે બંધ કરવાનો નિયમ પણ તેઓ તોડ્યો છે અને મોડી સાંજ સુધી ચાલુ રાખ્યા. ઘણાં યુનિટો નાઈટમાં પણ ચાલ્યા. દંડ પુરતુ સીમિત રહી મનપા પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે. એક વાર દંડ કર્યા પછી ન માને તો તે ઉદ્યોગકારોના એક નહીં પણ તમામ યુનિટ મહાપાલિકા બંધ કરાવે તો જ તેઓ સુધરશે. નિયમો નાના અને ગરીબ લોકો માટે જ આકરા રહ્યાં પણ ઉદ્યાગકારોને છુટ આપવામાં આવી. કડકાઈ ન દાખવો તો વાઈરસ જે હાલ હીરા ઉદ્યોગમાં અંકુશમાં નથી તે ભારે ખાનાખરાબી સર્જી શકે છે.

ભાવેશ ટાંક કહે છે કે, મનપાની ટીમ આવે તો ઘણાં ઉદ્યાગકારો તેના કારીગરોને આગાશી પર ભગાવી દે છે અને કેટલાક ટોઈલેટ-બાથરુમમાં સંતાઈ જાય છે. જે બધુ મોટી લાપરવાહી છે.

કારણ: 4: પાનના ગલ્લા, ખાણીપીણી પર ભીડ:

રત્નકલાકારોમાં પાન-માવા, તંબાકુ, બીડી-સિગારેટનું ચલણ ખૂબ જ વધુ છે અને તે માટે હાથ પર ઘસેલો એક માવો તેઓ એકબીજા સાથે આપલે પણ કરતા હોય છે. પાનના ગલ્લા પર પણ કોઈ સામાજિક અંતર જોવા મળતું નથી. એ જ રીતે ચાની લારી, ખાણીપીની રેસ્ટોરન્ટ પર પણ કોઈ તકેદારી રખાતી નથી. જેથી, અહીંથી ચેપ એકબીજામાં ફેલાયો હોવાનું પણ એક આકલન છે. પરિણામે છેક હવે મનપા કમિશનરે તે પણ બંધ કરવાનું ફરમાન કર્યું છે.

કારણ-5 હોમ ક્વોરેન્ટાઈનના ધજાગરા

લોકડાઉન દરમિયાન રત્નકલાકારોને પગાર નહીં અપાતા આર્થિક તંગી અનુભવતા ઘણાં રત્નકલાકારો વતન સૌરાષ્ટ્ર, ભાવનગર સહિતના ચાલ્યા ગયા હતા. અનલોક-1 બાદ ઉદ્યોગ શરૂ થતા બધાને ઉદ્યોગકારોએ તેડાવ્યા હતા પરંતુ અહીં 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન કરવાનો નિયમ રાજકીય દબાણ વશ સુરત મહાનગર પાલિકા દ્વારા પડાવવામાં આવ્યો નહીં. સૂત્રો કહે છે કે રોજ, આજે પણ વતનથી 700થી 1000 રત્નકલાકારો આવી રહ્યાં છે અને બીજા જ દિવસે કારખાને કામ પર ચઢી જાય છે. તેમને 14 દિવસ ઘરે બેસવું પોષાય એમ પણ નથી અને ઉદ્યાગકારો તેમને આર્થિક કે ખાવાપીવાની મદદ પણ કરતા નથી. વતનથી આવનારા લોકો પણ મોટા કેરિયર હોઈ શકે છે. આવું જ ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ છે.

કારણ-6 ઓડઈવન ફોર્મુલા નો અમલ નહીં:

અનલોક-1માં કામકાજ માટે છુટછાટો આપવામાં આવી પરંતુ શરૂઆતમાં સરકારે ગાઈડલાઈન જારી કરી હતી કે, તમામ ઔદ્યોગિક યુનિટ, દુકાનો-રેસ્ટોરન્ટ, બજારો, માર્કેટો એકી-બેકી (ઓડ અને ઈવન) ફોર્મુલા પર ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું પરંતુ અનલોકમાં તે નિયમ અભરાઈ પર ચઢાવી દેવાયો અને આખેઆખા બજારો જ વિના કોઈ પ્રોપર નિયમો પાળ્યા વિના ચાલુ થઈ ગયા. શાકભાજી-ફ્રુટ વિક્રેતાઓ પણ એકબીજાને અડીને બેસવા લાગ્યા. ઓડ-ઈવન મુજબ જ કામ શરૂ કરાયું હોત તો પણ કોરોના આટલો ફેલાયો ન હોત. બીજુ કે કોઈ પણ ઓફિસ, યુનિટ, ઉદ્યોગ, માર્કેટમાં 50 ટકા અને 30 ટકા સ્ટાફથી કામ શરૂ કરવાનો નિયમ પણ એક પણ જગ્યાએ પડાયો હોય તેવું દેખાયું નથી. ડાયમંડ ઉદ્યોગમાં તો તે માટે પાંચ કમિટી પણ બનાવાય છે પણ તે કારગર નીવડી નથી. જીજેઈપીસીના રિજ્યોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ પણ મીડીયા સમક્ષ કબૂલાત કરી છે કે બેદરકારીથી હીરા ઉદ્યોગમાં કોરોના કેસ વધ્યા છે. હવે કમિટી ઈન્સ્પેક્શન કરશે.

હવે મહાનગર પાલિકા જો શરમમાં રહેશે કે રાજકીય દબાણમાં આવી તેને કરવા જેવી કડક કાર્યવાહી ન કરશે તો ભોગવવાનું શહેરીજનોએ જ આવશે તે વાત ચોક્કસ જ છે અને તે માટે સુરતીઓ રાજકારણીઓની સાથે વહીવટીતંત્રને ક્યારેય માફ નહીં કરી શકે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp