US જેવી સર્વિસ હવે ગુજરાતને મળશે, બજેટમાં જાહેરાત, 112 નંબર ડાયલ કરશો એટલે...

PC: twitter.com

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 3,32,465 કરોડ રૂપિયાની બજેટની જાહેરાત કરી હતી. જેમાં તેમણે 8 નવા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યમાં 2500 નવી બસ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, જ્યાં એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  કનુ દેસાઈએ નંબર 112ની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બીજી અન્ય ઈમરજન્સી સેવાઓ જનતાને મળી જશે. આ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. એટલે હવે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં, કોઈ પણ ઈમરજન્સી સર્વિસની જરૂર પડે તો 112 નંબર ડાયલ કરવાનો રહેશે.

તેમણે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 199 કરોડની સહાય  આપવાની જોગવાઇ કરી છે.

નાણામંત્રીએ બજેટમાં ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1600 કરોડની જોગવાઈ કરી છે. આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે 1550 કરોડની જોગવાઈ કરી છે. મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ કહ્યું હતું કે, રામરાજ્યની પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સુશાસન માટે માનનીય વડાપ્રધાનશ્રીએ “મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' નું સૂત્ર આપેલ છે.  'સ્વ'થી ઉપર ઉઠીને 'સમષ્ટિ'નું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે.  અમારી સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય!

બજેટ રજૂ થયા બાદ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલું ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ અમૃતકાળમાં ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું છે.   PM નરેન્દ્ર મોદીએ આપેલ વિકસિત ભારત @ 2047 ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપીને દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તેનો માર્ગ આ બજેટ પ્રશસ્ત કરશે.  આ બજેટ ‘5-G ગુજરાત’ - એટલે કે, ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના પર આધારિત છે. રાજ્યના દરેક વર્ગના લોકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત થાય, વિકાસની સાથે વિરાસતનું પણ સંવર્ધન થાય તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આ બજેટ વેગ આપશે.

CMએ કહ્યું હતું કે, આ બજેટમાં સમાજના ચાર વર્ગો - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને હું બિરદાવું છું. આ ચારેય વર્ગોના સશક્તિકરણથી સમરસ સમાજના નિર્માણ થકી ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા દ્વાર ખુલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp