શું ટેક્સટાઇલ ઉદ્યોગકારો નવાપુર જતા અટકી જશે,ગુજરાતે ટેક્સટાઇલ પોલીસી જાહેર કરી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંગળવારે ગાંધીનગર ખાતે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી.
SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલની ટફ સબસિડી બંધ હોવાને કારણે ચેમ્બરની માંગ હતી કે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપવામાં આવે. રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ચેમ્બર ઓફ કોમર્સની માંગણી મુજબ અપફ્રન્ટ કેપિટલ સબસીડી ૧૦ ટકાથી ૩પ ટકા સુધીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઇન્ટરેસ્ટ સબસિડી પાંચથી સાત ટકા સુધી ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આઠ વર્ષ સુધી મળી રહેશે. આ ઉપરાંત એક રૂપિયાની પાવર સબસિડી પણ આપવામાં આવી છે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડિસ્કોમ તથા ઓપન એકસેસમાંથી પાવર લેશે તો પણ પ્રતિ યુનિટ એક રૂપિયાની સબસિડીની મળી રહેશે.
કેટેગરી ત્રણમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને (ગારમેન્ટીંગ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ)ને વધુમાં વધુ રૂપિયા પ૦ કરોડની કેપિટલ સબસિડી મળી રહેશે. તથા વિવિંગ, નીટિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ઉપરોકત કેટેગરી ત્રણમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને રૂપિયા ૪૦ કરોડ સુધીની સબસિડી મળવાપાત્ર થશે. કેટેગરી એકમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા વિવિંગ, નીટિંગ અને પ્રોસેસિંગ કે સ્પીનિંગ એકમોને પણ વધુમાં વધુ કેપિટલ સબસિડીની કેપ રૂપિયા પ૦ કરોડ સુધીની રહેશે. તથા ગારમેન્ટીંગ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે આ રકમ રૂપિયા ૧૦૦ કરોડ સુધી જશે.
આ ઉપરાંત પીએમ મિત્રા પાર્કને કેટેગરી એકના સમકક્ષ ગણી સૌથી વધુ લાભ આપવામાં આવ્યા છે ત્યારે પીએમ મિત્રા પાર્કમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને તેનો સૌથી વધુ લાભ મળી રહેશે. ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતને પગલે ફાયબરમાંથી યાર્ન બનાવતા સ્પીનિંગ એકમોને પણ પ્રથમ વખત ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦ર૪માં આવરી લેવામાં આવ્યા છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ પોલિસીના અભાવે સુરતના ઘણા ટેક્ષ્ટાઇલ એકમો મહારાષ્ટ્રમાં નવાપુર પાસે શિફટ થઇ રહયા હતા. નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર થયા બાદ સુરતના ટેક્ષ્ટાઇલ એકમોના શીફટીંગમાં ઘટાડો આવશે. આ પોલિસીમાં ગારમેન્ટ સેકટર માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને કેપિટલ સબસિડી, પાવર સબસિડી તથા ઇન્ટરેસ્ટ સબસિડીની સાથે સાથે પેરોલ એસેસમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ જ આવકારદાયક યોજના છે. આને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગારમેન્ટ સેકટરનો ખૂબ મોટા પાયે વિકાસ થશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા વર્ષથી ગારમેન્ટ ક્ષેત્રે ખાસ ઇન્સેન્ટીવની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ગારમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ લાભ આપવામાં આવ્યો છે, જેનો લાભ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મળી રહેશે.
જાણીતા વિવિંગ અગ્રણી મયૂર ગોળવાળાએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ટેક્સટાઇલ પોલીસી જાહેર કરી તે ન ભૂતો ન ભવિષ્ય સમાન છે. પરંતુ વહીવટી તંત્ર અને બેંકો ઝડપભેર અમલીકરણ કરે તે જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp