હું મારા નિંદકોને માન આપુ છું, તે 2 પ્રકારના હોય છે

PC: newindianexpress.com

(Utkarsh Patel) નિંદકો બે પ્રકારના હોય છે.

  1. સાચી નિંદા કરનારા નિંદકો
  2. ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો

સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે થતી ભૂલોને શોધી કાઢે અને એ વાતો સમાજમાં વહેતી કરે!

હાવેક જ્યારે આપણે માટે થતી એ વાતો આપણને ખબર પડે ત્યારે આપણે સફાળા જાગી જઈએ અને આપણામાં સુધારો કરી લઈએ તો લાભ થાય! લાભ થાયને? ચોક્કસથી લાભ થાય.

સાચી નિંદા સાંભળોને ત્યારે નિંદક પ્રત્યે ક્રોધ કે દ્વેષભાવ લાવવો યોગ્યક નથી. આવા નિંદકોનો હૃદયથી આભાર માની લેવો કેમકે તેમણે એમના જીવનનો અમૂલ્ય સમય આપણી ભૂલો શોધવામાં ફાળવ્યો એ મોટી વાત છે.

આપણામાં રહેલી ભૂલો કે ઊણપ સુધારી લેવાથી ફાયદો તો આપણો જ છે, નુકશાન કશું જ નથી.

હવે વાત ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોની. આ નિંદકો મારી દૃષ્ટીએ દયાપાત્ર લોકો છે. એક તો એ લોકો એમના જીવનનો અમૂલ્ય સમય આપણી સદંતર ખોટી નિંદા કરીને વ્યય કરે અને ઈર્ષ્યાના માર્યા એમનું મન અને શરીરમાં કઢાપો કરે એ જુદું. ઈર્ષ્યાના માર્યા તમારી ખોટી નિંદા કરનારક લોકોને એમનું કામ કર્યે રાખવા દેવું.

ખોટી નિંદા જેટલી વધુ થશે ને એટલો જ સમાજ તેમને ઝીણવટથી ચકાસશે અને તમારું ખરું વ્યક્તિત્વ સમાજ જાણશે. તમારા માટે ઈર્ષ્યાળુ નિંદકોએ જે ખોટી નિંદા ફેલાવી એના કરતા અનેક ઘણી તમારી સાચી અને સારી વાતો લોકો સુધી પહોંચશે.

મારી વ્યક્તિગત વાત કરું તો...

હું મારા બધા જ નિંદકોને મારી પાછળ વ્યસ્ત રાખું છું. એ મારા પ્રથમ મદદગાર લોકો છે જે મને સચેત રાખે છે અને અવિરત મારું જીવન વધુ સારું અને ચોક્કસ બને એના માટે મને જાગૃત, સચેત રાખે છે. નિંદકોને મારી નિંદામાં વ્યસ્ત રાખવા માટે હું પ્રતિક્રિયા આપવાનું પણ ટાળું છું અને હું મારા નિંદકોની નિંદા ક્યારેય કરતો નથી.

એક ખાસ વાત એ પણ ખરી કે હું મારા નિંદકોની નિંદા સાંભળવાનું પણ પસંદ કરતો નથી કેમકે જે લોકો મારી નિંદા પાછળ એમના જીવનનો અમૂલ્ય સમય ફાળવે એમની નિંદા સાંભળવાનું પાપ કહેવાય અને મારે એ પાપકર્મ કરવાનું થતું નથી.

સૌ નિંદકોનો હૃદયથી અંતઃકરણથી આભાર માનીએ અને એમનું નિંદાનું કાર્ય અવીરત વેગવંતુ રહે એવી પ્રભુને વિનમ્ર પ્રાર્થના કરીએ.

અગત્યનું:

બધા જ ગુણ અવગુણ ધરાવતા નિંદકોને એમનું કામ કરવા દેજો. બસ નિંદાથી નિરાશ થયા વિના નિંદાને આવકારી એનો અભ્યાસ કરજો અને ઉકેલ કાઢજો.

ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોને કદીએ નિરાશ કરશો નહીં એમને વધુ નિંદા માટે પ્રોત્સાહિત કરજો.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp