જીતશો તો આખી દુનિયા સાથ આપશે અને જો હાર્યા તો તમે જ તમને સાથ આપજો

PC: newindianexpress.com

(Utkarsh Patel) ઉગતા સૂરજને સૌ કોઇ પૂજે! જેવું પ્રકૃતિનું છે એવું જ જીવનનું છે. દુનિયાદારી અનેરી છે. જીવનના કોઇ પણ ક્ષેત્રમાં જો તમે અગ્રેસર જીત મેળવી તો આ દુનિયા મધમાખીની જેમ તમારી આસપાસ મંડરાશે અને જો હાર્યાને તો ચા માં પડેલી માંખીની જે હાલત થાય એમ તમારી અવગણના કરી તમને ફેંકી દેશે.

જીત તમને એવા સંબંધો આપશે જે માત્ર તમારી જીતને આધારે તમે મેળવેલ નામના સાથે જોડાયેલા હશે. અને એક વાત કહું આપને... જીત ક્યારેય કાયમી નથી હોતી ત્યાં કાયમ ટકાતું નથી. બીજા કોઈકને એ સ્થાન આપી દેવું પડે અથવા કોઈક આવીને છીનવી લે.

જ્યારે જ્યારે આપ જીતશો ત્યારે ત્યારે તમે અગણિત સંબંધોથી ઘેરાઈ જશો. કોણ કેવું છે અને કેમ તમારી સાથે છે એ આપ નહીં સમજી શકો.

તમે રમતગમતમાં જોવો, રાજકારણમાં મોટા પદ પરના નેતા જોવો, પૈસાદાર નગર શેઠ જોવો કે પછી સફળ અભિનેતાને જોવો. આ સૌનો ટમટમતો સિતારો અમુક ચોક્કસ સમય માટે જ હોય પછી એ સિતારો ખરે એમની જગ્યાએ બીજું કોઈક આવે અને પછી બીજું કોઈક. જીત પોતાનું સ્થાન કે માધ્યમ બદલતી રહે છે!!

તમે જ્યારે જીતો છો અને જ્યારે હારો છો ત્યારે એક વ્યક્તિ હંમેશા તમારી સાથે હોય છે. જે બધા જ સમયનો સાક્ષી હોય છે એ છે... તમે પોતે!

હા જીવનના દરેક સમયમાં તમેજ તમારા પ્રથમ સાક્ષી સાથીદાર છો!

જીતની વાત જવા દઈએ વાત કરીએ હારની.

તમે જ્યારે જ્યારે હારશોને ત્યારે ત્યારે તમે એકલા પડશો. સાથીદાર મિત્રો સૌ કોઈ સાથ છોડશે. હાર્યાની કોઇ કિંમત નથી વ્હાલા. હાર્યો માણસ કોડીનો.

હું જીવનમાં જતું કરીને, હારીને ઘણું શીખ્યો.

વેપારમાં ક્યારેય નથી હાર્યો કે ક્યારેય ખોટ નથી કરી પણ હું હાર્યો માત્ર સંબંધોમાં. મને સંબંધોમાં હારી જવાનો અનેરો શોખ છે. હું નજીકના સંબંધોમાં છેતરાયો પણ ખરો અને સંબંધો જાળવતા જાળવતા મેં આર્થિક ખોટ પણ ઘણી ખાધી. પણ ખાનદાની ઘરનો રહ્યોને એટલે ઝાઝું દુઃખ ના થાય અને હું ખમવાનું શીખતો ગયો. જીવનનું સંબંધોનું સત્ય શીખવાનું મને મોઘું તો પડ્યું પણ એ દરમ્યાન મને અમૂલ્ય અનુભવો અને એક નિઃસ્વાર્થ સાથી મળ્યો. મારો મજબૂત સાથીદાર એ હું પોતે. મને મારી મિત્રતા ખૂબ ફળી. એમ કહું કે ગજબની ફળી. હું પોતાને સાથ આપતો ગયો અને એકલો આગળ વધતો ગયો, સૌને સમજતો ગયો, મારી સમજથી મૌન થતો ગયો અને મંડ્યો રહ્યો મારા વિવિધ ક્ષેત્રોના ધ્યેય પાછળ અને આજ હું અનુક્રમમાં થોડોક આગળ પાછળ હોવ પણ સફળ વ્યક્તિઓની હરોળમાં છું મારા રસના મોટાભાગના વિષયોમાં!

ધીરજ પૂર્વક, એક ચિત્તે, સંતોષ પૂર્વક, સમજ પૂર્વક, સાચા ખોટા સારા નરસાની સમજ સાથે જીવું છું મારી સાથે!

હું મારી જીતમાં પણ મારી સાથે જ જીવું છું અને સંબંધોમાં સૌને રાજી રાખવા હારું તો પણ હું મને સાથ આપી ખુદને સાચવી લવ છું.

તમે પણ આવું કરી જોજો...

સફળતાના ટોળામાં રહો પણ હાથ થામી રાખજો પોતાનો. મૈત્રી કરો પોતાની સાથે ક્યારેય એકલા નહીં પડો.

(સુદામા)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp