કોઈકની આસપાસ ઊભા રહી ફોટા પડાવવાથી મોટું નથી થવાતું

PC: Khabarchhe.com

(Utkarsh Patel) 

પહેલી સ્પષ્ટતા એ કરીશ કે વાત કોઈની ટીકાની નથી, વાત છે આવા ફોટાનો ઉપયોગ કરનારાઓના વ્યક્તિત્વની સહજ સમજની.

જો આપણામાં ત્રેવડ હશેને તો દુનિયા ચોક્કકસથી સમય આવ્યે કદર કરશે પણ એ સમય પહેલા યોગ્યતાનો દેખાડો કરવાનો પ્રયત્ન એટલે કોઈકની આસપાસ ઉભા રહીને ફોટા પડાવી લેવાની અને એવા ફોટાઓનો ઉપયોગ કરવાની આદત.  બાળક તેમને ગમતા પાત્રની પાસે જઈને હરખથી ઉભું રહી જાય અને ફોટો પડાવી લે એમાં નિર્દોષતા છે અને કોઇ વ્યક્તિ એમના આદર્શ વ્યક્તિત્વની પાસે લાગણી રૂપે આશીર્વાદ લેવા પહોચી જાય અને અનાયાશે ફોટો પડી જાય તો એમાં પણ નિર્દોષ લાગણી ભાવ જ કહેવાય. આ પ્રકારના ફોટા થોડુક અભ્યાસપૂર્વક જોઈએ એટલે એમાં રહેલા સહજભાવ જણાઇ આવતા હોય છે.

પરંતુ...

કોઈકની પાસે ઉભા રહીને ફોટાનું પ્રદર્શન કરવાના ભાવથી પડાવેલો ફોટો ઘણું બધું કહી જાય છે. આવી હરકતથી વ્યક્તિની અંદર રહેલી મહત્વકાંક્ષાઓનો પરિચય થાય છે. સરખામણીની મહત્વાકાંક્ષા, દેખાડો કરવાની ભાવના.

હું સોશિયલ મીડિયાના માધ્યમોમાં જ્યારે જ્યારે સામાજિક દબદબો વધારવા લેવાયેલા ફોટા, રાજકીય દબદબો વધારવા મોટી હસ્તીઓ સાથે લેવાયેલા ફોટા મુક્તા લોકોના ફોટા મુકવા પાછળના હેતુનો અભ્યાસ કરુને ત્યારે મોટેભાગે તારણ એ જ આવે છે કે લોકોને આવા ફોટાઓ દ્રાર બતાડો કરવો હોય છે કે તેઓ કેટલીક ચોક્કસ વ્યક્તિઓના ખાસ છે!

સહજ વાર્તાલાપ કરતા કે કોઈક કાર્યમાં સાથે હોવું ને લેવાયેલા ફોટાની વાત જુદી છે, એવા ફોટાઓને યાદગીરી કહી શકાય અને સંસ્મરણોની યાદ રૂપે જોઈ શકાય. અને આવા ફોટા શેર કરવા પણ જોઈએ.

કેટલાક લોકોને નિર્દોષ શોખ હોય છે ફોટા પડાવવાનો અને એ ફોટાઓનો દુરુપયોગ કરી લેવાનો હેતુ પણ હોતો નથી. આવા નિર્દોષ લોકો પણ છે.  આવા ફોટા પણ ઉત્સાહ સાથે શેર કરવા જોઈએ.

દરેક ફોટો કે તસવીર સ્વયં મૌન સાંકેતિક ભાષા બોલે છે. ક્યારેક કોઇકના કોઇકની સાથેના પડાવેલા ફોટા નીરખીને જોશો તો એમાં રહેલા સૌના ભાવ તમને જણાઇ આવશે, જાણેકે ફોટો તમને કહી દેશે કે ફોટામાં રહેલા પ્રત્યેક વ્યક્તિઓનું વ્યક્તિત્વ શું છે!

જીવનમાં કોઈકની આસપાસ ઉભા રહીને ફોટા પડાવી લેવા કરતા કોઇ તમારી પાસે આવીને તમારી સાથે ગર્વ સાથે ફોટો પડાવી લેવાની તક શોધે એવા બનવાનો પ્રયત્ન તો કરી જોવો. તમને તમારા પર ગર્વ થશે જ્યારે કોઇ આપની પાસે આવી સહજભાવે ફોટો પડાવે અને ખુશ થાય.

એક વાત કહું... દેખાડાની હોડના પ્રવાહમાં ના જશો.

નિર્દોષ ફોટા પડાવજો, જ્યારે પણ એવા ફોટો જોશોને જીવનભર ગર્વ, લાગણીઓ અને આનંદની યાદો તાજી થશે.

કોઇકને જાણ્યે અજાણ્યે ખોટું લાગી ગયું હોય તો મારા પ્રત્યે ક્ષમાભાવ દાખવજો અને હું શું કહેવા માંગું છું એને હકારાત્મક રીતે સમજવાનો પ્રયત્ન કરજો.

મજાના ફોટા પડાવજો!

હવે તમે જ તમારી વિવેકબુદ્ધિથી નક્કી કરજો...

તમે કોઈકની આસપાસ હોવ તેવો ફોટો પડાવશો કે કોઈક તમારી આસપાસ હોય અને ફોટો પડે તેવો ફોટો પડાવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp