આ દુનિયા અને સંબંધો તમને બહુ જલદી ભૂલી જશે.

PC: newindianexpress.com

(Utkarsh Patel) સંસારમાં ઘણા સત્ય એવા છે કે જે જાણતા સમજતા હોવા છતા આપણે એમને સ્વીકારી શકતા નથી. એ પૈકીનું એક સત્ય એ છે કે તમને આ દુનિયા કે તમે જેમને તમારા પોતાના કહો છો તેઓ... તમે આ સંસારથી વિદાય લેશો એટલે તમને બહુ જલદી ભૂલી જશે!

જીવનનું એક એવું સત્ય આજે મારે તમને કહેવું છે જે સમજતા લોકોને જીવન વીતી જાય આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન તો કરીએ.

તમારા ઘરમાં તમારા પરદાદા દાદીનો ફોટો છે? કદાચ નહીં હોય. હશે તો જૂજ લોકોના ઘરમાં હશે. શોધજો ક્યાંક ખૂણામાં ધૂળ ખાતો હશે. જડશે. જો આપના દાદા દાદી આપની વચ્ચે છે તો આપ નસીબદાર અને જો સંસારમાં નથી તો ફોટામાં તો હશે! કે પછી ફોટામાંય નથી? જો આ પિતૃઓના ફોટા છે તો શું તમે રોજ એમને જોવો છો? બે ઘડી એમના ફોટાને સમય આપો છો?

વિચારો.

વિચારવાનું શું વળી મોટાભાગના ફોટાબાજુ જોતાય નહીં હોય. વાર તહેવાર કે તિથિએ થોડા યાદ કરતા હશે.

ભૂલાઈ ગયા છેને પિતૃઓ!

હવે જો આપના માતા કે પિતા આપની વચ્ચે નથી રહ્યા તો શું આપ એમના ફોટાને રોજ થોડો સમય આપી એમની સાથે વાત કરવાનો સમય કાઢો છો? મોટાભાગનાને સમય નહીં હોય ફોટો જોવાનો, થોડું ઉભા રહી એમને નીરખીને જોવાનો અને એમની કહી વાતો યાદ કરવાનો સમય નહીં હોય!!

જો તમારા વડીલો માતાપિતા કોઈ જાણીતા રાજકારણી, સમાજસેવક કે મોટી નામના ધરાવનારા વ્યક્તિ હતા તો એમના અનેક લોકો પર ઉપકાર હશે. એ લોકો ક્યારેક એમને યાદ કરતા હશે પણ પ્રસંગોપાત જ હશે! તમને લાગતું હશે કે મારા દાદાએ કે વડીલોએ બધાનું બહુ ભલું કર્યું પણ એ લાભાર્થી એમને કે એમના પરિવારને યાદ કરતા નથી!

ગાંધીજી... આજે કોણ યાદ કરે કે ચિંતા કરે એમના પરિવારજનોનું?

સ્વાતંત્ર્ય સેનાનીઓ... કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ તમને યાદ છે?

સંતો મહંતો... કેટલું આધ્યાત્મ આપતા ગયા કોણ એમને યાદ કરે અનુસરે?

ભૂલાઈ જાય ગઈકાલ તો પછી દુનિયાથી જે ગયા એ પણ ભૂલાઈ જ જાય.

હવે વાત તમારી અને મારી...

જીવનમાં તમે અનેક લોકોનું ભલું કર્યું હશે એ લોકો તમારા સહયોગને ભૂલી ગયા હશે. દુઃખ થાય છે? થતું જ હશે.

તમે તમારા વડીલોને ભૂલી ગયા હશો.

ભૂલી ગયા છોને? હા ભૂલ્યા જ છો તો જ તો હસી રમી શકો છો.

આ સંસારમાં કોઇ કોઇના માટે અટકી જતું નથી.

જીવન છે આગળ વધવું જોઈશે.

જે ગયું તે પાછું આવવાનું નથી.

આવું બધું કળયુગના જ્ઞાનીઓના મગજની ઉપજોનું મારા તમારા માટે પણ કહેવાશે.

આપણે પણ હતા થઈ જઈશું અને ફોટામાં મઢાઈ જઈશું.

આપણા ફોટા ધૂળ ખાશે અને થોડા સમય પછી ધૂળ વાળા ફોટા દિવાલેથી ઉતરીને ખૂણામાં નક્કામી વસ્તુઓના કાટમાળમાં પડ્યા હશે.

ભૂલાઈ જવાના આપણે. નક્કી ભૂલાઈ જવાના.

દુનિયા ભૂલી જશે અને પોતાના પણ ભૂલી જશે.

ભૂલાઈજ જવાના છીએ ત્યારે આપણે જેમને ભૂલી ગયા છીએ એમની યાદ કરી લઈએ. પિતૃઓ વડીલો જેમને આપણે આભારી છીએ એમને યાદ કરી લઈએ, એમની વાતો યાદ કરી લઈએ.

અહીં એક વિનમ્ર વિનંતી કરું આપને,

તમારા પિતૃઓ વડીલો વાલીઓ જે આજે આપની વચ્ચે નથી એમના ફોટાને જરા મળો, સરખી જગ્યાએ ઘરમાં સ્થાન આપો, તિલક અગરબત્તી કરો હાર ચઢાવો. એમના વિષે તમારા બાળકોને યાદગાર વાતો કહો. બાળકોને શિખવાડો કે કોઇ wish હોય તો એમને હાથ જોડીને પ્રાર્થના કરીને માંગો તો એમની wish પૂરી થશે. એમ કરવાથી આપણા સંતાનો આપણા વડીલો અને કુળના સંસ્કાર સાથે connect થશે. લાગણીઓના સેતુ જળવાશે.

યાદ કરીલોને તમારા વડીલોને તો જ્યારે આપણે હતા થઈ જઈશું ત્યારે આપણા બાળકો અને પછીની પેઢીઓ પ્રેમ પૂર્વક કદાચ આપણને યાદ કરશે.

(સુદામા)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp