જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો
(Utkarsh Patel)
જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.
પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.
જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે તો તમારી લાગણીઓને ઠેશ પહોચવાની પૂરી શક્યતાઓ રહેશે. મિત્ર સુદામા જેવો હોય તો એનો હાથ પકડજો અને મિત્ર ધનવાન હોય તો એના ધનને નહીં મિત્રને જ પ્રેમ કરજો.
જો આપ કોઈક વેપારમાં નિપૂણ હશો તો કેટલાય લોકો તમારી સાથે જોડાવવા કે ભાગીદારી કરવા તત્પરતા બતાવશે. વેપારમાં ભાગીદારી કરતા પહેલા ધ્યાન રાખજો કે ભાગીદાર નફાનો જ ભાગીદાર છે કે ખોટમાં પણ ખોટ ખાઈને સાથ આપે એમ છે!! માત્ર નફાની આશા રાખનાર ભાગીદારથી છૂટા થઈ જજો અને તડકી છાયડીમાં સાથ આપે એવા ભાગીદારને સથવારે પ્રગતિ કરજો.
જો આપ સામાજિક જીવ કે રાજનીતિમાં અગ્રેસર છો તોતો ભગવાન તમારું ભલું કરે કેમ કે અહીંયા કોઈ કાયમી મિત્ર નથી કે શત્રુ નથી બધુજ સગવડ્યું તકવાદી છે, અહીંયા તમે એકલાજ છો અને એકલા જ રહી જશો!
આ કલયુગી સંસારમાં મોટેભાગે સંબંધોનો ઉપયોગ કરી લેનારા લોકો મળશે એટલે થોડું સાચવીને સમજીને લાગણીઓનો વ્યવહાર કરજો. એનો મતલબ એ નથી કે કોઈ સારા છે જ નહીં. ઘણા સારા લોકો પણ આ સંસારમાં છે જેઓ સંબંધોનું મૂલ્ય સમજે છે અને હરહંમેશ દરેક સંજોગોમાં સાથે રહે છે પછી એ સુખ હોય કે દુઃખ, નફો હોય કે નુકશાન!!
પવિત્ર ભાવના સાથે દરેક ક્ષેત્રે સારા નિઃસ્વાર્થ સંબંધો કેળવજો અને સારું જીવન જીવી લેજો. સંતોષ થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે સ્વયં પર ગર્વ થશે અને ઈશ્વરને પણ ગમશો. સૌના આશીર્વાદ અને અમીદૃષ્ટિ રહેશે આપના પર.
અગત્યનું:
આપના ઘરના ઉંબરાની બહાર સંબંધો સૌની સાથે રાખજો પણ લાગણી અને વિશ્વાસ રાખતા પહેલા પરખ જરૂર કરજો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.
સુખમય રહે સૌનું જીવન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp