એવો શોખ શું કામનો જે બીજાને દુઃખી કરે?

PC: newindianexpress.com

(Utkarsh Patel) શોખ એક એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિના જીવનમાં આનંદ ઉત્સાહને જીવંત રાખે છે. પણ આ શોખ હવે દેખાડો બની ચાલ્યો છે. પોતાની ઇચ્છાના ભાગ રૂપે શોખ હોવો અને લોકોને દેખાડો કરવા માટેનો શોખ હોવો એમાં ફરક છે.

જો આપણે પોતાને ખુશ રાખવા કોઈક શોખ રાખીએ છીએ તો એ સારી વાત છે જીવન મજાથી જીવી જ લેવું જોઈએ. અને જો આપણે શોખનો દેખાડો કરવા માટે શોખ કરીએ છીએ તો એ મારી દૃષ્ટીએ યોગ્ય નથી.

વિચારો...

તમે બ્રાન્ડેડ કપડા શું કામ પહેરો છો? સાદા ખાદી કે કોટનના કપડા પહેરો તો શું થાય?

તમે બ્રાન્ડેડ રોલેક્સ ઓમેગા કોરમ હૂબલોટ જેવી ઘડિયાળ શું કામ પહેરો છો? સાદી સમય બતાવતી ઘડિયાળ પહેરો તો શું થાય?

તમે મોંઘી ગાડીમાં શું કામ ફરો છો? સાદી સ્વાતાનુકુલિત કારમાં ફરો તો શું થાય?

તમે ફરવા જાઓ ત્યારે મોંઘી મોંઘી હોટલોમાં શું કામ રોકાણ કરો છો? પ્રકૃતિની નજીકની કોઈક જગ્યામાં રોકાઈ જાવ તો શું ફરક પડે?

આવું તો કંઈક અનેક.

મને જાણતા લોકોને પ્રશ્ન થાશે એટલે પહેલા વાત મારાથી જ કરીએ...

હું બ્રાન્ડેડ કપડા પહેરું છું પણ મારા કબાટમાં એક સમયે 8 જોડી કપડા જ હોય. 6-8 મહિના પ્રેમથી પહેરું પછી મને બહુ જ પ્રિય અને મહત્વકાંક્ષી એવા ગમતા વ્યક્તિને આપી દવ જેથી એ કપડાનો યોગ્ય ઉપયોગ થાય.

હું રોલેક્સ કે બીજી બધી બ્રાન્ડેડ ઘડિયાળ પહેરું છું કેમ કે મારો શોખ છે પરંતુ હું ઘડિયાળ હંમેશા ઉંધી પહેરું છું કેમ કે હું નથી ઇચ્છતો કે એનો દેખાડો થાય. મારો શોખ મારા પૂરતો.

હું મર્સિડિઝ કે રેન્જરોવરમાં ફરું છું પણ હું રિક્ષામાં પણ ફરતા સંકોચ નથી રાખતો. મારા પ્રવાસ વધુ રહે ગુજરાતભરમાં એટલે મારે વાહન થોડું મજબૂત જરૂર પડે ભૂતકાળની અકસ્માતની ઘટનાઓને ધ્યાને લેતા. અને હા હું મારી ગાડીની ચાવીનો કે હાજરીનો દેખાડો ટાળું છું.

હું ફરવા જાઉં ત્યારે સાથે કોઈકને અગવડ પડે એવું હોય તો જ મોટી હોટલમાં રોકવાનું બાકી તો મઠ મંદિરોમાં મને આવકાર મળી જ જાય જ્યાં સત્સંગ થાય અને આધ્યાત્મિક ઉર્જા પણ મળી જાય. વિદેશ એમાં અપવાદ.

વ્યક્તિગત વાત એટલે કરી દીધી કેમકે મિત્રો મને એમ ના કહે કે તું તો કંઈક જુદું જીવે છે. હા હું શોખ ધરાવું છું પણ એ માત્ર મારા માટે, દેખાડા માટે નહીં.

આપણા કોઈક શોખથી કોઈકનું અહિત પણ થઈ જાય.

મને વાંધો નથી મારી જ વાત કરવામાં કેમ કે હું સત્યને સ્વીકારીને બને તેટલું પારદર્શી જીવન જીવનારો માણસ છું. શાળાના વર્ષોમાં મને સોનાનો દોરો પહેરવાનો શોખ ચડ્યો હતો. બાળપણ હતું ઓછી સમજ હતી. હું દોરો પહેરતો. મારા એક મિત્રને એ દોરો ખૂબ ગમતો અને મને કહેતો કે ઉત્કર્ષ હું પણ બનાવડાવીશ આવો દોરો. હું ખુશ થતો કે ચાલો મારો ભાઈબંધ પણ હવે સોનાનો દોરો પહેરશે. થોડાક દિવસ એ સ્કૂલે જણાયો નહીં અને મેં તપાસ કરી તો મને ખબર પડી કે એ સોનાના દોરા માટે ઘરે જીદે ચડ્યો અને એના પપ્પાની એવી સ્થિતિ નતી કે એને સોનાનો દોરો અપાવે. રીસાઈને એ ભાઇબંધે ધાબેથી પડતું મૂક્યું હતું અને હાથ ભાંગ્યો હતો. બસ આ વાત મને અડી ગઈ અને ત્યારથી હું દાગીનાથી દૂર રહું છું અને ક્યારેક મન થયું તો જ પહેરું પણ દેખાડો ના થાય એ સાચવીને.

વાતનું તાત્પર્ય એ છે કે આપણો શોખ આપણા પૂરતો સીમિત હોય તો ઘણું સારું. લોકોને દેખાડો કરવામાં કંઈ જ મજા નથી. દેખાડો કરશો તો લોકોની ઈર્ષ્યા દૃષ્ટીનો ભોગ બનવાનું થશે. અને હા દેખાડો કરવામાં કમાયેલુ ધન વ્યય થશે અને લોકો ઈર્ષ્યાના માર્યા તમારા કાર્યોમાં પથરા નાખશે એ જૂદું.

શોખ એવો કરો કે જેનાથી ગજવે જોર ના પડે.

શોખ એવો કરો કે શોખની વસ્તુ હસતા-હસતા બીજાને ભેટમાં આપી શકાય. કોઇકને તમારી ગમતી શોખની વસ્તુ ભેટમાં આપી શકો છો? જો આપી શકતા હોવ તો તમે એ શોખ કરવા માટે યોગ્ય છો.

અગત્યનું:

શોખ એવા રાખો કે જેનાથી બીજાને દુઃખ ના થાય અને જો નજીકના કોઇકને દુઃખ થાય તો તમારી શોખની વસ્તુ એ વ્યક્તિને ભેટ આપી એનું દુઃખ દૂર કરી શક્યા તો તમારા જેવા માણસને ભગવાન ખોબલેને ખોબલે સુખ આપે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp