...જ્યારે વેલેન્ટાઈન ડે મનાવવા જૂનાગઢમાં ઓફિસરે લોન માગેલી

PC: twitter.com

આમ તો ચાહતની ચટણી અને પ્રેમના પકોડા સાથે લોકો પોતાના પ્રેમી સાથે જીવવાના વાયદા કરી દે છે પરંતુ આજના સમયમાં આવા સપનાના ઓડકાર ખાઈને પ્રેમ થતો નથી. પ્રેમમાં પાગલ પણ થવાય છે અને કંગાળ પણ થવાય છે પરંતુ આજે એક એવા કિસ્સાની વાત કરીએ જેમાં એક યુવાને વેલેન્ટાઇન ડે મનાવવા માટે પણ બેંકના દરવાજા ખખડાવવા પડ્યા હતા.

આ કિસ્સો છે 2015ના વર્ષનો, જ્યારે વેલેન્ટાઇન ડેના દિવસે એક બેંક ઓફિસરે બેંકમાં લોન લેવા માટે અરજી કરી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. 25 વર્ષીય દિગ્વિજય સિંહ નામના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જુનાગઢ શહેરના એક બ્રાંચના હંગામી ઓફિસરે વેલેન્ટાઇન ડે નજીક આવતો હોવાથી બેંકમાં ફેસ્ટિવલ લોનના ભાગ રૂપે 42,970 રૂપિયાની લોન અરજી કરી હતી પરંતુ બેન્કે આ તહેવારને ઇનવેલિડ ફેસ્ટિવલ ગણાવીને અરજી નકારી કાઢી.

અહીં ઉલ્લેખનીય છે કે, દિગ્વિજયના મિત્રોએ વસંત પંચમીના તહેવાર માટે બેંક લોનની અરજી કરી હતી, જેને બેન્કે માન્ય ગણી હતી. આ જોઈને દિગ્વિજયે પણ વેલેન્ટાઇન ડે તહેવાર માટે લોન અરજી કરી હતી.

આ અંગે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે તેમણે પ્રસિદ્ધિ મેળવવા માટે બેંક લોનની અરજી કરી ન હતી. તે હાલમાં ન બેંકની નોકરીમાં લાગ્યો હતો તેથી તેમને વેલેન્ટાઇન ડે ફેસ્ટિવલ માટે એડ્વાન્સ લોન માંગી હતી. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આ એક ભૂલ છે પણ તેની ચર્ચા મીડિયામાં કરવા જેવી નથી. આ અંગે મેં અધિકારીઓ સમજાવટ કરી લીધી છે. હું આવું કરીને કોઈ સસ્તી પબ્લિસિટી મેળવવા માંગતો નથી.

જુનાગઢ ડિવિઝનના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તેઓ આ કિસ્સા અંગે વધુ કઈ જાણતા નથી પરંતુ અમે ફેસ્ટિવલ લોન આપીએ છીએ પણ તે ફેસ્ટિવલ લોન ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડે જેવા ફેસ્ટિવલ્સ માટે હોતી નથી.

મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બલ્લાબગઢનો રહેવાસી દિગ્વિજય સિંહની ડિસેમ્બર 2014માં જ જૂનાગઢના ચુડાની બ્રાંચમાં હંગામી ઓફિસર તરીકે જોબ લાગી હતી. અહીં નોંધનીય છે કે, બેંક ઓફિસર્સનો વધુમાં વધુ એક મહિનાની મૂળ સેલેરી ફેસ્ટિવલ લોન તરીકે મેળવવાના હકદાર છે. આ લોન વ્યાજ વગરની 10 મહિનામાં પરત કરવાની બાંયધરી સાથે આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp