જ્ઞાની વ્યક્તિઓની ખાસિયત હોય છે કે તેઓ દરેક સમયે, દરેક વિષયોમાં બોલતા નથી
(Utkarsh Patel) વાત જ્ઞાનીઓની છે પણ ઓછા કે અપૂરતા જ્ઞાનીને સમજાય જાય તો એ પણ જ્ઞાનીઓની પંગતમાં બેસી શકે! આમ તો સૌ પોતપોતાની જગ્યાએ જ્ઞાની જ હોય છે, ક્યારેક સમયના અનુભવનો અરીસો રહસ્ય સમજાવી જાણે બાકી તો સૌ કોઈ પોત પોતાની જ્ઞાનની ગંગામાં વહ્યા જાય.
જગતમાં સૌ કોઈનું પોત પોતાની સમજનું પોતાનામાં અનેરું જગત છે! સૌ પોતાની સમજશક્તિ એટલે કે જ્ઞાન મુજબ વાણી-વર્તન કરતા હોય છે જેમાં મોટાભાગે કોઈને કંઈ સમજવું નથી અને કોઈકને સમજવું છે તો સમય સાથ આપતો નથી.
મોટાભાગે ક્યારેક કોઇ વિષયોની ચર્ચા હોય કે વાદવિવાદ હોય ત્યારે તમે જોયું હશે કે કેટલાક લોકો કે સમૂહ ખૂબ રાડો પાડી પાડીને ઉગ્રતાથી બોલતા હોય છે! અને કેટલાક લોકો ઉપસ્થિત જરૂર હોય પણ ત્યાં હોય જ નહીં તે રીતે શાંતિથી સાંભળતા હોય અને રાહ જોતા હોય કે એમને કોઈક સાંભળે સમજે કે બોલવા દે!
આમાં અજ્ઞાની કોણ અને જ્ઞાની કોણ?
હું ન જણાવું તોયે આપ સમજી જ ગયા હશો કે જે રાડો પાડે છે ને તે અજ્ઞાની અને જે શાંતિથી બોલવાની રાહ જોવે છે ને તે જ્ઞાની. મોટેભાગે રાડો પાડનારા થાકે પછી જ જ્ઞાની વ્યક્તિનો બોલવાનો કે કંઈક કહેવાનો વારો આવતો હોય છે.
આમ તો ઓછું બોલનાર વ્યક્તિ ક્યાં તો પોતાની અણઆવડત ઢાંકે ક્યાં તો પોતે બધું જ જાણીને મૌન રહીને લોકો કઈ હદ સુધી ખોટું કરે કે બોલે તે જોતો હોય. આજે બધું જ જાણનાર વ્યક્તિ છેને એ જ્ઞાની વ્યક્તિ છે.
જ્ઞાની યોગ્ય સમયે જ બોલે છે.
અને એવું બોલે છે કે સામેવાળાઓ કે રાડ પાડનારાઓ બીજા પ્રશ્નો કરી નથી શકતા અને આ જ્ઞાનીઓ સમયે સમયે બધા જ પ્રશ્નોના જવાબ ઊંચા અવાજે બોલ્યા વિના આપી દેતા હોય છે. આવા જ્ઞાનીઓને શોધશો તો જ એ જડશે એ પોતાની આવડતોનો પ્રચાર નહીં કરે પરંતુ તેમની સમજની જ્ઞાનીની વાણી અને વર્તનથી ઓળખ આપણે કરવી પડે.
હવે આટલું સમજાય ગયું હોય તો તમારી આસપાસ નજર દોડાવો...
કુટુંબમાં, વ્યવસાયમાં, મિત્રમંડળમાં અને જો સમાજ જીવનમાં જાહેર ક્ષેત્રમાં આપ હોવ તો ત્યાં નજર દોડાવો.
સમજો જ્ઞાની વ્યક્તિની ક્યાં અને કેમ આપણને જરૂર રહે...
કુટુંબમાં જ્ઞાની... આ વ્યક્તિ વડીલોમાં જડશે. કુટુંબમાં જ્ઞાની વ્યક્તિને ધુરા સોંપવાથી કુટુંબ સંસ્કારી રહે, એક રહે અને કુટુંબમાં કંઈક વાસણ ખખડેને તો એ રણકારને ઠારે એટલે કે સૌન સ્નેહથી જોડે.
વ્યવસાયમાં જ્ઞાની... જેમની સાથે આપણે વેપાર કરીએ એમાં આપણા જ સરીખા વેપારીમાં કોઇ જ્ઞાની વેપારી જોવો જે મજામાં હશે અને દિવસે દિવસે સુખી સંપન્ન થતો હશે. આવા વ્યક્તિ સાથે બેસો ઊઠો એ વેપારમાં નીતિ અને વ્યવહારના ગુણ શિખવાડશે.
મિત્રમંડળમાં જ્ઞાની... જે મિત્રમંડળમાં ધમાલીઓ નહીં હોય અને મિત્રો ભેગા હોય ત્યારે આડાઅવળા ચેનચાળા નહીં કરતો હોય. આવા મિત્ર તેમને ખોટી રંગતો નહીં કરવા દે અને તમને હંમેશાં સાથ આપશે.
સમાજ જીવનમાં જાહેરક્ષેત્રમાં જ્ઞાની... સમાજજીવન કે રાજનીતિના જાહેરક્ષેત્રમાં બસ સેવાનો ગુણ કેન્દ્રમાં રાખનાર, વિનમ્ર સહજભાવે સૌને સાથે લેનાર, સૌને એકમત કરી કાર્યો કરનાર વ્યક્તિ સાથે રહો. આવા જ્ઞાની વ્યક્તિ અહીં તમને રાડો પાડવાનું, કોઇકને પાડી દેવાનું, કાવત્રા કરવાથી દૂર રહેવાનું શીખવાડશે. ઓછું બોલીને પોતાના કાર્યોથી સમાજનું હિત કેમ થાય છે એ શીખવાડશે.
તો મારા વ્હાલા,
સંગત કરો જ્ઞાનીની.
અધૂરા જ્ઞાની અને અજ્ઞાનીથી દૂર રહો.
છળ, કપટ, સ્વાર્થ, દોષોની દુનિયામાં સાચા જ્ઞાનીઓની સંગતથી જીવનમાં સારું થશે.
જ્ઞાનીની સંગતનો પ્રયોગ કરો. ઓછું અને સારી રીતે સાચું બોલનારા અને બોલે તેજ કરનારા જ્ઞાની મિત્રો અને વડીલોની સંગતમાં જીવન જીવો.
સૌની મારા જય સીયારામ.
સુદામા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp