શારીરિક સંબધો બાંધ્યા પછી મહિલાઓ પુરુષોને ફસાવે છે: હાઇ કોર્ટની ટીપ્પણી
સગીર યુવતી પર બળાત્કરાના એક કેસની અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી શારિરિક સંબંધો બાંધ્યા પછી મહિલાઓ ખોટા કેસ નોંધાવી રહી છે. આવા ખોટા કેસો કરીને મહિલાઓ ગેરલાભ ઉઠાવી રહી છે. કોર્ટે સગીરા પર બળાત્કાર કેસના આરોપીને જામીન આપી દીધા છે.
અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, મહિલાઓને કાયદાનું સંરક્ષણ મળેલું છે. તેઓ પુરુષોને આસાનીથી ફસાવવામાં સફળ થઇ જાય છે. કોર્ટે કહ્યું કે અદાલતોમાં મોટી સંખ્યાઓમાં આવા કેસો આવી રહ્યા છે, જેમાં યુવતીઓ કે મહિલાઓ આરોપી સાથે લાંબા સમયથી શારિરિક સંબંધો બનાવે છે અને પછી ખોટા આરોપો મુકીને FIR નોંધાવીને ગેરલાભ ઉઠાવે છે.
કોર્ટે કહ્યું કે આવા કેસોમાં ન્યાયિક અધિકારીઓએ સતર્ક રહેવું જોઇએ. તેઓ વાસ્તવિક હકિકતનું ધ્યાન રાખે અને પછી ચુકાદો આપે. આ ટિપ્પણી ન્યાયાધીશ સિધ્ધાર્થે વારાણસીના ઓમ નારાયણ પાંડેની જામીન અરજી પરની સુનાવણી કરતી વખતે કરી હતી. કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અદાલતો આવી જામીન અરજીઓ પર વિચાર કરતી વખતે સર્તક રહે. કાયદો પુરુષો પ્રત્યે પક્ષપાતી છે. FIRમાં કોઇની પણ સામે બેબુનિયાદ આરોપો લગાવવા અને આવા આરોપોમાં ફસાવવા ખુબ જ સરળ છે.
કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયો, ફિલ્મો, ટીવી શો વગેરેના માધ્યમથી જાણે પારદર્શિતાની ફેશન ચાલી રહી છે. સગીર યુવકો અને યુવતીઓ આનું સીધું અનુકરણ કરે છે. ભારતીય સામાજિક અને પારંપારિક ધારાધોરણથી વિપરીત યુવતીના પરિવાર અને યુવતીના સન્માનની રક્ષાના નામે દુર્ભાવનાપૂર્ણ અને ખોટી ફરિયાદ નોંધાવે છે.
કોર્ટે કહ્યું કે કેટલોક સમય અથવા લાંબા સમય સુધી લીવ-ઇનમાં રહ્યા પછી યુવક કે યુવક અને યુવતી વચ્ચે કોઇ વાત વિવાદ ઉભો થઇ જાય છે. પાર્ટનરનો સ્વભાવ સમયની સાથે બીજા પાર્ટનરની સામે ખુલી જાય છે અને જ્યારે તેમને ખબર પડે છે કે તેમનો સંબંધ જીવનભર ટકી શકશે નહીં તો પરેશાની શરૂ થઈ જાય છે.
કોર્ટે કહ્યું કે કાયદો એક ગતિશીલ ધારણાં છે અને આવા મામલાઓ પર ખૂબ જ ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે. વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણી સહિત POCSO હેઠળ અરજદાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે લગ્નનું વચન આપીને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp