જમ્મુ-કાશ્મીરમાં વોટિંગમાં તૂટ્યો 35 વર્ષનો રેકોર્ડ, કલમ 370 હટ્યા પછી...

PC: jansatta.com

લોકસભા ચૂંટણી 2024 માટે તબક્કાવાર મતદાન થયું છે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર નજર કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં મતદાનની ટકાવારીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 35 વર્ષ પછી આટલું બમ્પર મતદાન થયું છે, જે દર્શાવે છે કે કાશ્મીરી લોકોને ભારતીય લોકશાહીમાં કેટલી શ્રદ્ધા છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ વખતે જમ્મુ-કાશ્મીરમાં 58.46 ટકા મતદાન થયું છે. રસપ્રદ વાત એ છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશની અનંતનાગ-રાજૌરી સીટ પર બમ્પર વોટિંગ થયું હતું, જેના કારણે રાજ્યે મતદાનના મામલે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં 2019 કરતાં 14 ટકા વધુ મતદાન થયું છે.

કાશ્મીર ખીણની વાત કરીએ, તો લગભગ 50.86 ટકા લોકોએ મતદાન કરીને લોકશાહીના સૌથી મોટા તહેવારમાં ભાગ લીધો છે. ખીણના કાશ્મીરીઓએ 2019ની સરખામણીએ આ વખતે 19 ટકા વધુ મતદાન કર્યું છે, જે લોકશાહી પ્રણાલીની અપેક્ષાઓની દ્રષ્ટિએ સકારાત્મક સંકેત છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, 2024ની સામાન્ય ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરના લોકોની સક્રિય ભાગીદારી એ કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે એક મોટો સકારાત્મક સંકેત છે. આ પરિણામો જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય સ્થિરતા અને લોકશાહીમાં વિશ્વાસ દર્શાવે છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે, લોકો ચૂંટણી પ્રક્રિયા થકી પોતાનો ભાગ ભજવવા માગે છે.

વોટ ટકાવારીમાં આ વધારા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય સરકારની રચના માટે વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેતરમાં જ જવાબ આપ્યો હતો કે, તેઓ પણ જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની પોતાની રાજ્ય સરકાર આપવાના પક્ષમાં છે, કારણ કે તે તેમનો અધિકાર પણ છે. આ વધતા મતદાન પછી એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે, કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત થવાને કારણે લોકો ખુલ્લેઆમ અને ભય વગર મતદાન કરી રહ્યા છે.

જ્યારે મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના તાજેતરના સંબોધનમાં કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે. અમિત શાહે કહ્યું કે, આ પછી ટૂંક સમયમાં જ કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp