ક્ષત્રિય સમાજ પછી આ સમાજ પણ રૂપાલા સામે નારાજ, પોલીસ ફરિયાદ કરી

PC: twitter.com/PRupala

ભાજપના રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીનો અંત નથી આવતો. હજુ તો ક્ષત્રિય સમાજની નારાજગીનો વંટોળ ઉભેલો છે તેમાં વધુ એક સમાજ રૂપાલા સામે નારાજ થયો છે અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે. એક સપ્તાહથી રૂપાલાના એક નિવેદને ભાજપની ઉંઘ હરામ કરી નાંખી છે.

 ભાજપે લોકસભા 2024માં રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નામ જાહેર કર્યું છે. રૂપાલા એક સપ્તાહ પહેલાં રાજકોટના એક કાર્યક્રમમાં હાજર થયા હતા, જ્યાં તેમની જીભ લપસી ગઇ હતી અને એક એવું નિવેદન આપ્યું જેને કારણે આખા ગુજરાતમાં વિવાદની આગ ભભૂકી ઉઠી હતી. તેમણે એવું કહ્યં હતું કે, રાજા-મહારાજાઓ અંગ્રેજોની સામે નમી ગયા હતા અને રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા.

આ વાતથી ગુજરાતના રાજપૂત સમાજ ધુંઆફુંઆ થઇ ગયો હતો અને છેલ્લાં એક સપ્તાહથી રાજપૂત સમાજે રૂપાલા સામે મોર્ચો માંડેલો છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી,પરંતુ સમાજનો ઉશ્કેરાટ હજુ સુધી શમ્યો નથી.

રાજપૂત સમાજે માંગ કરી છે કે, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને અન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહને જવાબદારી સોંપી હતી તેના અનુસંધાનમાં ગોંડલમાં એક સભા પણ મળી હતી. જયરાજસિંહે કહ્યું હતું કે, રૂપાલાએ માફી માંગી લીધી છે એટલે આ વિવાદનો હવે અંત આવે છે. પરંતુ કરણી સેનાના અધ્યક્ષ ડો. રાજ શેખાવતે શનિવારે ભાજપમાંથી રાજીનામું આપી દેતા વિવાદ વધુ વકર્યો હતો. આ ઉપરાંત હજુ ફેબ્રુઆરી 2024માં જ ભાજપમાં જોડાયેલા પદ્મિનીબાએ રૂપાલા અને જયરાજ સિંહને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યુ કે, જયરાજ સિંહે ભલે માફ કર્યા હોય, સમાજે રૂપાલાને માફી આપી નથી. રૂપાલાની ટિકિટ રદ કર્યા પછી જ અમારી સાથે મુલાકાત થઇ શકશે.

આ બધી બબાલો ચાલી જ રહી છે, તેમાં હવે ગુજરાતના દલિત સમાજે પણ પરષોત્તમ રૂપાલા સામે નારાજગી બતાવી છે. વથંલીના સામાજિક કાર્યકર અજય વણવાએ વંથલી પોલીસ સ્ટેશનમાં રૂપાલા સામે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે ગોંડલમાં રૂપાલાની માફી માટેનો કાર્યક્રમ આયોજિત થયો હતો, તેમાં રૂપાલાએ એવું કહ્યું કે, જે કાર્યક્રમમાં હું ગયો હતો અને જ્યાં વિવાદ ઉભો થયો તે કાર્યક્રમ મારા માટે મહત્ત્વનો નહોતો. અમે તો અમસ્તા જ કાર્યક્રમમાં ગયા હતા અને મારી જીભ લપસી પડી હતી. જે કાર્યક્રમમાં રૂપાલાએ વિવાદીત નિવેદન કર્યું હતું તે દલિત સમાજનો કાર્યક્રમ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp