'જ્યાં સુધી મોદી છે...',PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં જનતાને 5 ગેરંટી આપી

PC: bjp.org

લોકસભા ચૂંટણી (2024)ને ધ્યાનમાં રાખીને, PM નરેન્દ્ર મોદી દેશના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે અને જનતા સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ આજે પશ્ચિમ બંગાળના બેરકપુર પહોંચ્યા હતા. અહીં PM નરેન્દ્ર મોદીએ ચૂંટણી જનસભામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રાજ્યની TMC સરકાર અને INDIA બ્લોક પર નિશાન સાધ્યું. જનતાને સંબોધિત કરતી વખતે PM મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં આમણે મોટું યોગદાન આપ્યું હતું. એક સમય હતો જ્યારે બંગાળમાં એક એકથી ચઢિયાતી ઘણી નવી વૈજ્ઞાનિક શોધો થયા કરતી હતી. આજે TMCના શાસનમાં ઘણી જગ્યાએ બોમ્બ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલી રહ્યો છે. આજે, TMCના રક્ષણ હેઠળ ઘૂસણખોરો અહીં ફૂલીફાલી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, બંગાળમાં કોઈની શ્રદ્ધાનું પાલન કરવું પણ ગુનો બની ગયો છે. TMC સરકાર રામનું નામ લેવા દેતી નથી. આ સરકાર રામનવમી ઉજવવા દેતી નથી. આ વિસ્તાર વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, બેરકપુરની જમીન ઇતિહાસ સર્જનારી જમીન છે. આઝાદીમાં આ ભૂમિ પરથી મહત્વની ભૂમિકાઓ ભજવવામાં આવી હતી, પરંતુ TMCએ તેની શું હાલત કરી નાંખી છે.

જનતાને સંબોધિત કરતી વખતે, PM નરેન્દ્ર મોદીએ રેલીમાં ભાગ લેવા આવેલા લોકોને તેમની પાંચ ગેરંટીનું વચન આપ્યું હતું, જે નીચે મુજબ છે...

જ્યાં સુધી PM મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહીં મળે. SC, ST અને OBCની અનામતને કોઈ ખતમ કરી શકશે નહીં. રામ નવમીની ઉજવણી કરવાથી તમને ભગવાન રામની પૂજા કરતા કોઈ રોકી શકશે નહીં. રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ ઉલટાવી શકશે નહીં. CAA કાયદાને કોઈ રદ કરી શકશે નહીં.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, PM મોદી બંગાળમાં લૂંટના એક-એક પૈસાનો હિસાબ લેશે. નોટોના આ જે પહાડો બહાર આવી રહ્યા છે, તેના માલિકોને બક્ષવામાં આવશે નહીં. હું ભ્રષ્ટાચારનો ભોગ બનેલા અને બંગાળના લોકોને કહીશ કે, કોઈ ભ્રષ્ટાચારી બચશે નહીં. PM મોદી તેમની પાસેથી વસૂલ કરાયેલા આ કરોડો રૂપિયા પીડિતો સુધી પહોંચાડવાનો માર્ગ પણ શોધી રહ્યા છે. વિકસિત ભારત માટે વિકસિત બંગાળ પણ જરૂરી છે.

જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, તમારે TMCના ગુંડાઓથી ડરવાની જરૂર નથી, મોટી સંખ્યામાં મતદાન કરો. વધારેમાં વધારે પરિવારોમાં જાઓ અને લોકોને મળો અને કહો કે PM મોદીજી આવ્યા હતા અને તેમણે તમને જય શ્રી રામ કહ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, TMC-કોંગ્રેસનું INDIA ગઠબંધન તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કરી ચૂક્યું છે. TMC ધારાસભ્યએ કહ્યું કે, હિંદુઓને ભાગીરથીમાં વહેવડાવી દેશું. કલ્પના કરો, આટલી હિંમત... આટલું સાહસ! આ લોકોએ બંગાળમાં હિન્દુઓને નીચલી કક્ષાના નાગરિક બનાવીને રાખ્યા છે. વોટ બેંકની રાજનીતિએ CAA જેવા માનવતાનું રક્ષણ કરતો કાયદો વિલન તરીકે રજૂ કર્યો. CAA કાયદો તો પીડિતોને નાગરિકતા આપવાનો કાયદો છે, તે કોઈની નાગરિકતા છીનવી શકતો નથી, પરંતુ કોંગ્રેસ-TMC જેવા પક્ષોએ તેને તેમના જુઠ્ઠાણાનો રંગ લગાવ્યો છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સ્થિતિ એવી છે કે, બંગાળમાં કોઈએ પોતાની આસ્થાનું પાલન કરવું એ પણ ગુનો બની ગયો છે. બંગાળની TMC સરકાર રામનું નામ લેવા દેતી નથી. TMC સરકાર બંગાળમાં રામ નવમીની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી. કોંગ્રેસ અને ડાબેરીઓએ પણ રામ મંદિર સામે મોરચો ખોલ્યો છે. શું આ મહાન દેશને TMC, કોંગ્રેસ અને ડાબેરીઓને સોંપી શકાય?

પશ્ચિમ બંગાળના હુગલીમાં PM મોદીએ કહ્યું, 'PM મોદી કહે છે, દરેક ઘરમાં પાણી અને TMC કહે છે દરેક ઘરમાં બોમ્બ. થોડા દિવસો પહેલા એક બોમ્બ વિસ્ફોટ થયો હતો અને એક બાળકે જીવ ગુમાવ્યો હતો. TMCનું એકમાત્ર કામ તોફાનો કરાવવાનું અને જમીન પચાવી પાડવાનું છે.'

આ સિવાય PM મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉંમરની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસને રાજકુમારની ઉંમર કરતા પણ ઓછી સીટો મળશે.' તેઓએ આગળ કહ્યું કે, પશ્ચિમની દુનિયા આજે મધર્સ ડે ઉજવી રહ્યા છે, પરંતુ આપણા માટે તો 365 દિવસ માતાની પૂજાના દિવસો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp