ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારને ટિકિટ આપતાની સાથે જ આ કેસમાં EDએ સમન્સ પાઠવી દીધું

PC: lokmat.com

લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને બધી રાજકીય પાર્ટીઓ ચૂંટણીના કામમાં લાગી ગઇ છે. બધી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ એક ઉમેદવારને લોકસભાની ટિકિટ ફાળવી એની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં ગાજેલા ખીચડી કૌંભાડમાં આ ઉમેદવારની પુછપરછ માટે સમન્સ મોકલાયું છે.

મહારાષ્ટ્રમાં, શિવસેના ઉદ્ધવ ઠાકરે (UBT) પાર્ટી દ્વારા અમોલ કીર્તિકરને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. તેમને મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ મળી હતી. આ પછી તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અમોલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. EDએ તેમને કોવિડ ખીચડી કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ આ પહેલા મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે આ કેસની તપાસ કરી હતી. એવું કહેવાય છે કે અમોલ કથિત લાભાર્થીઓમાંનો એક હતો જેમને ખીચડી કોન્ટ્રાક્ટરોએ પૈસા મોકલ્યા હતા.

અમોલને EDના સમન્સ પર પ્રતિક્રિયા આપતા, UBT નેતા સંજય રાઉતે કહ્યું કે,લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે અમોલના નામની જાહેરાત થતાં જ તેમને EDનું સમન્સ મળ્યું. આ માત્ર ડરાવવાનો પ્રયાસ છે, પરંતુ અમે ડરીશું નહીં.

કોરોના મહામારી દરમિયાન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પરપ્રાંતિય મજૂરોને ખીચડીનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં કોન્ટ્રાક્ટ આપવામાં અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ મામલામાં નોંધાયેલી FIR મુજબ નિયમોની બહાર જઈને કોન્ટ્રાક્ટ મેળવવામાં આવ્યો હતો. ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ, આર્થિક અપરાધ વિંગ (EOW) એ આ મામલે કેસ નોંધ્યો હતો. BMC અધિકારીઓ અને અન્ય કેટલાક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં BMC સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો બહાર આવ્યો હતો. બાદમાં આ મામલામાં 250 ગ્રામને બદલે માત્ર 125 ગ્રામ ખીચડી કામદારોને આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આ કેસ EDને સોંપવામાં આવ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં, EDની મુંબઈ ઝોનલ ઓફિસે આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 (PMLA) હેઠળ કાર્યવાહી કરી હતી. આ કેસના આરોપી સૂરજ ચવ્હાણની મુંબઈમાં એક ફ્લેટ સહિત રૂ. 88.51 લાખની સ્થાવર મિલકતો હંગામી ધોરણે જપ્ત કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp