હરિયાણામાં BJP નેતાઓએ પ્રચાર કરવા સિક્યુરિટી માગવી પડી રહી છે

PC: JJP Candidate

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન BJP અને JJPના ઉમેદવારો ખેડૂત સંગઠનોના વિરોધનો સામનો કરી રહ્યા છે. MSP અને બેરોજગારી જેવા વિવિધ મુદ્દાઓને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ BJP અને JJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધને જોતા પાર્ટીના કેટલાક નેતાઓએ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવાનું પણ બંધ કરી દીધું છે. એટલું જ નહીં, આ વિરોધને કારણે હવે હરિયાણાના પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરના ચૂંટણી ઉમેદવારો અને તેમના વિમુખ થયેલા સાથીઓએ પોલીસ સુરક્ષા હેઠળ પ્રચાર કરવો પડશે. કેટલીકવાર જનતાના વિરોધને કારણે તેમને રેલીઓ પણ રદ કરવી પડે છે.

કરનાલના BJPના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટર ઉપરાંત હિસારથી પાર્ટીના ઉમેદવાર રણજીત સિંહ ચૌટાલાને ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સિરસાથી BJPના ઉમેદવારો અશોક તંવર, અંબાલાથી બંટો કટારિયા, સોનીપતથી મોહન લાલ બડોલી, રોહતકથી અરવિંદ શર્મા, ભિવાની-મહેન્દ્રગઢથી ધર્મબીર સિંહ અને કુરુક્ષેત્રથી નવીન જિંદાલને પણ ઘણી વખત તેમની રેલીઓ રદ કરવી પડી હતી. BJPથી અલગ થયેલા JJPના નેતાઓ પણ વિરોધનો સામનો કરી રહ્યા છે.

JJPના અજય ચૌટાલા, ભૂતપૂર્વ DyCM દુષ્યંત ચૌટાલા, દુષ્યંતના ભાઈ દિગ્વિજય સિંહ ચૌટાલા અને તેમની માતા નયના સિંહ ચૌટાલાએ પણ વિવિધ જિલ્લાઓમાં તેમના પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો પહેલા હિસાર વિધાનસભા ક્ષેત્રના ઉચાના કલાંમાં નયના સિંહ ચૌટાલાના જૂથ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે JJPએ રોજખેડામાં પોતાનો પ્રચાર કેન્સલ કર્યો હતો. આ પછી, તેના માટે પોલીસ ટુકડી આપવામાં આવી હતી.

સોનીપતથી BJPના ઉમેદવાર મોહન લાલ બડોલીને પણ ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ વિરોધ પછી તેમને પણ પોલીસ મદદની જરૂર પડી હતી. અધિકારીઓએ કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓ BJP અને JJPના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પહેલા ચોક્કસ વિસ્તારમાં સંભવિત વિરોધને રોકવા માટે કામ કરી રહી છે. JJP અને BJPથી વિપરીત કોંગ્રેસના ઉમેદવારો સ્વતંત્ર રીતે પ્રચાર કરી રહ્યા છે. તેઓ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેઓ બંધારણમાં ફેરફાર કરવા અને પછાત સમુદાયોના અધિકારો છીનવી લેવાની BJPની કથિત યોજના પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ અને ખનૌરીમાં ખેડૂતોના વિરોધને કારણે BJP અને JJPના ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પણ થયો હતો. ખેડૂતોના આ વિરોધને સોમવારે ત્રણ મહિના પૂર્ણ થયા. ખેડૂત સંગઠનો અન્ય માંગણીઓ વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદાકીય ખાતરી અને સંપૂર્ણ લોન માફીની માંગ પર અડગ છે. 13 ફેબ્રુઆરીના રોજ, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા (KMM) દ્વારા દિલ્હી મોકલવામાં આવેલા ટ્રેક્ટરના કાફલાને અંબાલા નજીક શંભુ અને ખનૌરીમાં કોંક્રીટની દિવાલો અને પથ્થરોના રૂપમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, જે હજુ પણ તેમની પ્રગતિમાં અવરોધરૂપ બની રહ્યો છે.

KMMના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, અમે શંભુ અને ખનૌરીમાં રસ્તા રોક્યા નથી પરંતુ હરિયાણા સરકારે તેમ કર્યું છે. હવે જ્યારે અમે પણ એ જ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેઓએ ફરિયાદ ન કરવી જોઈએ. જો ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા ન જઈ શકે તો BJPના પ્રચારકો મત માંગવા અમારા ગામડાઓમાં પણ નહીં જઈ શકે. પંજાબમાં પણ ખેડૂત સંગઠનોએ BJPના ઉમેદવારોનો વિરોધ કર્યો છે. પંજાબમાં 1 જૂને મતદાન થવાનું છે, જ્યારે હરિયાણા 25 મેના રોજ છઠ્ઠા તબક્કા દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp