અંબરિશ ડેર તો ભોળવાઇ ગયા, તમે ભોળવાતા નહીં: કોંગ્રેસ નેતા, પરેશ ધાનાણી

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણી માટે બધા રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતની 26 બેઠકોનો જંગ જીતવા બધી પાર્ટીઓ મેદાને પડી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલીની એક સભામાં તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અંબરીશ ડેર સામે નિશાન સાધીને કહ્યુ હતું કે, ભાઇ મારો ભોળો હતો તે ભોળવાઇ ગયો, પરંતુ તમે ભોળવાતા નહીં. સાથે પરેશ ધાનાણીએ ભાજપ સામે પણ નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અમરેલીમાં એક રાત્રી સભાને સંબોધન કરવા માટે ગયા હતા, તેમણે કહ્યુ કે, વર્ષ 2019માં હું 2ને કોંગ્રેસમાં લાવ્યો હતો, તેમાંથી એક સાથ છોડી ગયા. પેલા પાટીલ ઘણા દિવસોથી એવું કહેતા હતા કે અંબરીશ ડેર માટે રૂમાલ મુકી રાખ્યો છે, તેમાં ભાઇ મારો ભોળો અને ભોળવાઇ ગયો. પણ તમે નહીં ભોળવાતા.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ભાજપ ભાગલા પડાવવાનું કામ કરી રહ્યું છે. એક ભાગલાં પડાવનારાઓને તો મારા અને તમારા પૂર્વજોએ દેશમાંથી હાંકી કાઢ્યા હતા, હવે આ કળિયુગમાં આધુનિક અંગ્રેજોને હાંકી કાઢવા માટે બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. આ લડાઇ માત્ર જેની ઠુમ્મરની નથી. કોંગ્રેસે અમરેલી લોકસભા બેઠક પરથી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે.

ભાજપે લોકસભા 2024ની ચૂંટણી પહેલા રીતસરનો ભરતી મેળો શરૂ કર્યો હતો અને તેમાં કોગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા. પરેશ ધાનાણીએ બીજા કોઇ નેતાના નામ નહોતા લીધા, પરંતુ માત્ર અંબરિશ ડેરની જ વાત કરી હતી.

થોડા સમય પહેલા જ્યારે અંબરિશ ડેર કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, અંબરિશ ડેર મારા મિત્ર છે અને તેમના માટે મેં રૂમાલ રાખી મુક્યો હતો, પરંતુ તેઓ બસ ચુકી ગયા છે. તે વખતે અંબરિશ ડેર ભાજપમાં નહોતા જોડાયા, પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને ભાજપનો સાથ પકડ્યો હતો.

તે વખતે અંબરિશ ડેરે કહ્યુ હતું કે, કોંગ્રેસ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દવાનો ઇન્કાર કર્યો હતો તેને કારણે મને ભારે નારાજગી હતી, આ બાબતે મેં કોંગ્રેસ હાઇકમાન્ડનું ધ્યાન પણ દોર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp