CM કેજરીવાલને આ 5 શરતોએ જામીન મળ્યા છે

PC: twitter.com/ArvindKejriwal

સુપ્રીમ કોર્ટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન તો આપી દીધા છે, પરંતુ સાથે સાથે અમુક શરતો પણ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 5 શરતો સાથે CM કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપ્યા છે. શરતોની વાત કરીએ તો કેજરીવાલને 50 હજારના જામીન બોન્ડની સાથે એટલી જ રકમના જામીન જમા કરાવવા પડશે. CM કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય નહીં જઈ શકે. તેઓ  તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે કે જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી અથવા મંજૂરી મેળવવાની આવશ્યકતા ન હોય ત્યાં સુધી તેઓ સત્તાવાર ફાઇલો પર સહી નહીં કરી શકે. આ સિવાય કેજરીવાલ હાલના કોઈ પણ મામલે પોતાની ભૂમિકાના સંબંધમાં ટિપ્પણી નહીં કરી શકે. તેઓ કોઈ પણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે અને કેસથી જોડાયેલી કોઈપણ ઓફિશિયલ ફાઈલ સુધી તેમની પહોંચ ન હોવી જોઈએ.

દિલ્હી લીકર પોલિસી કેસમાં કોર્ટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. કોર્ટે CM કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપ્યા છે. એટલે કેજરીવાલ જેલમાંથી બહાર આવીને ચૂંટણી લડી શકશે. એટલે કે કોર્ટે અરવિંદ કેજરીવાલને 20 દિવસના જામીન આપ્યા છે. કોર્ટે CM કેજરીવાલને 2 જૂનના રોજ સરેન્ડર થવા માટે પણ કહી દીધું છે.

7 મેએ જુઓ કોર્ટે EDને શું-શું પૂછેલું...

7 મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અંતિમ આદેશ આપતા પહેલા અમે ઘણીવાર વચગાળાના આદેશો આપીએ છીએ. અમે એ વાતમાં નથી જઈ રહ્યા કે તે રાજકીય વ્યક્તિ છે કે નહીં. તેના બદલે, અમે જોઈ રહ્યા છીએ કે આ કેસ સાચો છે કે નહીં. આમાં અપવાદરૂપ કેસમાં જામીન પર વિચાર કરી શકાય કે નહીં.

 કોર્ટે કહ્યું કે, જો જેલમાં બંધ દિલ્હીના CM  કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેમને સત્તાવાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.  અમે વચગાળાના જામીન પર બંને પક્ષોને સાંભળ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે CMના વકીલ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, શું કેજરીવાલને જામીન મળ્યા બાદ તેઓ સરકારી ફાઇલો પર સહી કરશે કે CM તરીકે નિર્દેશ આપશે. આના પર સિંઘવીએ કહ્યું કે, તેમના અસીલ દિલ્હીની દારૂની નીતિ મામલે કોઈપણ રીતે દખલ નહીં કરે. કોર્ટે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે તેઓ સરકારના કામકાજમાં દખલ કરે.

CMના વકીલે કહ્યું કે, તેમના અસીલ  કાયદો તોડનારા નથી, તેથી તેમને વચગાળાના જામીન મળવા જોઈએ. આના પર જામીનનો વિરોધ કરતાં EDએ કહ્યું કે શું નેતાઓ માટે અલગ અપવાદ હશે? શું ચૂંટણીમાં પ્રચાર કરવો જરૂરી છે?

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ED વતી એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ કહ્યું કે, જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી CM કેજરીવાલ સામે નહોતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. તપાસ તેના પર કેન્દ્રિત ન હતી. તપાસ દરમિયાન તેની ભૂમિકા સામે આવી હતી.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે CMની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે ચૂંટણી પહેલા જ CM કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? CM કેજરીવાલ કેસમાં શું જપ્તી કરવામાં આવી છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે લાંબો સમય કેમ રહ્યો?

ASG Svir Rajuએ કહ્યું કે, મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા પછી 1100 કરોડ રૂપિયા જોડવામાં આવ્યા છે.

તેના પર કોર્ટે પૂછ્યું કે રાજુ સાહેબ, બે વર્ષમાં 1100 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગયા? તમે પહેલા કહ્યું હતું કે 100 કરોડનો મામલો છે. તેના પર એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ કહ્યું કે, આ દારૂ પોલિસીના ફાયદાને કારણે થયું છે. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, સમગ્ર આવક ગુનાની કમાણી કેવી રીતે બની?

સુપ્રીમ કોર્ટે ED પાસેથી CM અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાની ફાઈલ પણ માંગી અને કહ્યું કે બે વર્ષથી તપાસ ચાલી રહી છે. કોઈપણ તપાસ એજન્સી માટે બે વર્ષ સુધી આ રીતે તપાસ ચાલુ રાખવી યોગ્ય નથી.

SV રાજુએ કહ્યું કે, અમને જાણવા મળ્યું કે ગોવાની ચૂંટણી દરમિયાન CM અરવિંદ કેજરીવાલના 7-સ્ટાર હોટલમાં રોકાણના ખર્ચનો કેટલોક હિસ્સો તે વ્યક્તિએ ચૂકવ્યો હતો જેણે દારૂની કંપનીઓ પાસેથી રોકડ લીધી હતી. અમે બતાવી શકીએ કે CM કેજરીવાલે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. CM કેજરીવાલને નિર્દોષ જાહેર કરનાર કોઈ આરોપી કે સાક્ષીના નિવેદનોમાં એક પણ નિવેદન નથી.

જસ્ટિસ સંજીવ ખન્નાએ પૂછ્યું કે, નિવેદનોમાં પહેલીવાર CM કેજરીવાલનું નામ ક્યારે લેવામાં આવ્યું? આના પર SV રાજુએ કહ્યું કે, 23 ફેબ્રુઆરી 2023ના રોજ બુચી બાબુના નિવેદનમાં તેમનું નામ આવ્યું હતું.

તેના પર કોર્ટે પૂછ્યું કે, તમને આટલો સમય કેમ લાગ્યો? અમારો પ્રશ્ન છે કે તમે વિલંબ કેમ કર્યો? એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, જો અમે શરૂઆતમાં જ CM કેજરીવાલ વિશે પૂછવાનું શરૂ કર્યું હોત અને શરૂઆતમાં જ તેની તપાસ કરી હોત તો તે ખોટું લાગત. કેસને સમજવામાં સમય લાગે છે. વસ્તુઓને સાબિત કરવી જરૂર છે.

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, અત્યારે ચૂંટણીની મોસમ છે. આ એક અસાધારણ સ્થિતિ છે. તેઓ દિલ્હીના CM છે. તેમની સામે કોઈ કેસ નથી. તેમના નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આવું માત્ર એટલા માટે ન થઈ શકે કારણ કે કોઈ CM છે. શું આપણે નેતાઓ માટે અપવાદો બનાવીએ છીએ? શું ચૂંટણી માટે પ્રચાર વધુ મહત્વપૂર્ણ છે?

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, આ અલગ મામલો છે. પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી યોજાય છે. અમને તે ગમતું નથી. SG તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ સમન્સને છ મહિનાથી ટાળતા હતા. જો તેઓએ અગાઉ સહકાર આપ્યો હોત તો કદાચ ધરપકડ જ ન થઈ હોત.

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ મોકલ્યા હતા. જો કે CM કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તેઓ કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધી રીતે સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને CM કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp