સોનિયા ગાંધીએ મળવાનો સમય પણ ન આપ્યો એટલે...કેરળના પૂર્વ સીએમની પુત્રી ભાજપમાં

PC: newindianexpress.com

દેશમાં આગામી લોકસભાની ચૂંટણી અગાઉ રાજનેતા એક બીજી પાર્ટીમાં છલાંગ લગાવી રહ્યા છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરનના પુત્રી વેણુગોપાલ પદ્મજાએ દિલ્હીમાં ભગવો ધારણ કર્યો. તેમને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે પાર્ટીની પ્રાથમિક સભ્યતા અપાવી. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા હતા અને ગત દિવસોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ પાર્ટી છોડી શકે છે.

ભાજપમાં સામેલ થયા બાદ પદ્મજા વેણુગોપાલે કહ્યું કે, હું ભાજપમાં સામેલ થઈને ખૂબ ખુશ છું. હું રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીથી પોતાની પાર્ટી (કોંગ્રેસ)માં આટલા વર્ષોથી ખુશ નહોતી. મેં હાઇકમાનને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. હું આ સંબંધમાં પાર્ટી હાઇકમાનને મળવા પણ આવી, પરંતુ મને તેમણે સમય જ ન આપ્યો. મારા પિતા સાથે પણ આ લોકોએ આ પ્રકારનો જ વ્યવહાર કર્યો હતો. તેઓ પણ પાર્ટીથી નારાજ હતા. ત્યારે જ મેં આ નિર્ણય લીધો.

તેમણે વધુમાં જણાવ્યું કે, હું શાંતિથી કામ કરવા માગું છું. કોંગ્રેસમાં કોઈ નેતૃત્વ નથી, પરંતુ ભાજપમાં મોદીનું ખૂબ મજબૂત નેતૃત્વ છે અને એટલે હું ભાજપમાં સામેલ થઇ. હું સોનિયા ગાંધીનું સન્માન કરું છું, પરંતુ તેમણે મને મળવાનો સમય ન આપ્યો. ત્યારબાદ મેં આ નિર્ણય લીધો. પદ્મજાના પિતા કે. કરુણાકરન 4 વખત કેરળના મુખ્યમંત્રી રહ્યા છે. એ સિવાય કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. કરુણાકરન એક સારા નેતા હતા અને તેમના સમર્થક તેમને ચાણક્ય કહેતા હતા. તેમના પુત્ર મુરલીધરન કોંગ્રેસમાંથી સાંસદ છે. ચર્ચા છે કે પદ્મજાને ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે.

એપ્રિલ 2023માં ભાજપે કેરળના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. એ.કે. એન્ટની કેરળમાં 2 વખત મુખ્યમંત્રી પણ રહ્યા. એટલું જ નહીં, એ.કે. એન્ટની કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય અને સોનિયા ગાંધીના નજીકના મનાય છે. તેમણે કેરળમાં ઘણી વખત કોંગ્રેસની સરકાર બનાવવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. એવામાં અનિલ એન્ટનીનું કોંગ્રેસ એક્ઝિટ કરવું પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપે અનિલને પત્તનમથિટ્ટા સીટથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પર અત્યારે કોંગ્રેસનો કબજો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp